મોંઘા વિમાન પ્રવાસથી નાયડુ પોતે પણ પરેશાન
2030 સુધીમાં ભારતમાં વિમાની પ્રવાસીઓની સંખ્યા ત્રણ કરોડે પહોંચી શકે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
નવા નીમાયેલા નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ ફ્લાઇટ ટિકિટના ઊંચા ભાવની સમીક્ષા કરવાનું વચન આપ્યું હતું. પત્રકારો સાથે વાત કરતાં તેમણે તેમનો વ્યક્તિગત અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દાને લઈને પ્રતિબદ્ધ છે. 13 જુનના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો ચાર્જ સંભાળનારા નાયડુએ જણાવ્યું હતું કે તેમનું મુખ્ય ધ્યેય એર ટ્રાવેલને વધારે સુગમ બનાવવાનું અને સામાન્ય માનવી માટે આરામપ્રદ બનાવવાનું રહેશે. કોવિડના સમયગાળાથી વિમાની ટિકિટના ભાવમા નોંધપાત્ર પ્રમાણમાં ઉતારચઢાવ જોવા મળ્યો છે. એક પ્રવાસી તરીકે હું પોતે પણ આ ભાવવધારો અનુભવી રહ્યો છું, એમ તેમણે જણાવ્યું હતું. અમે તેની સમીક્ષા કરવાના છીએ. વિમાની ભાડામાં વધારો સમગ્ર ભારતના વિમાની મુસાફરો માટે ચિંતાજનક બાબત છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેના લીધે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રુટ બંને પર અસર પડી છે.