ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
USAસિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસે હાલમાં જ ‘એચ-1બી મોડર્નાઈઝેશન રૂલ’ ઘડ્યો છે, જેનો અમલ 17મી જાન્યુઆરી, 2025થી શરૂ કરવામાં આવશે. આ નવા નિયમ મુજબ એચ-1બી વિઝા કેટેગરીમાં એના વિઝાધારકો માટે અનેક પ્રકારની સરળતા દાખલ કરવામાં આવી છે. અમેરિકાની કોઈ પણ કંપનીને, કોઈ પણ બિઝનેસ કરતી વ્યક્તિને જો પોતાને ત્યાં કોઈ પરદેશીને નોકરીમાં રાખવી હોય તો સૌપ્રથમ તો એણે લેબર સર્ટિફિકેશન કરાવવાનું રહે છે. લેબર સર્ટિફિકેશનની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ અને જંજાળ ભરેલી છે. જેમને પરદેશી વર્કરોને બોલાવવા હોય એમણે સૌપ્રથમ તો અમેરિકાનાં અખબારોમાં યા મેગેઝિનોમાં કે પછી ટ્રેડ જર્નલમાં ‘અમને અમુક કામ કરવા માટે ફલાણી ફલાણી લાયકાતો ધરાવતી વ્યક્તિ જોઈએ છે. એમણે અમુક જગ્યાએ કામ કરવાનું રહેશે, કામના કલાકો આટલા રહેશે, પગાર આટલો રહેશે, સગવડો આટલી મળશે,’ આવી આવી જાહેરાત કરવાની રહે છે. આ જાહેરાત કર્યા બાદ જેટલા અમેરિકનો એ જાહેરાત વાંચીને નોકરી માટે અરજી કરે એમનો ઈન્ટરવ્યૂ લેવાનો રહે છે અને પછી એ વ્યક્તિ શા માટે અમારા કામ માટે લાયક નથી એવું જણાવીને લેબર ડિપાર્ટમેન્ટની પરમિશન મેળવવાની રહે છે. જો આવી જાહેરાતો કર્યા બાદ કોઈ પણ અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક નોકરી મેળવવા માટે આગળ ન આવે તો એ પણ લેબર ડિપાર્ટમેન્ટને જણાવવાનું રહે છે અને પછી લેબર ડિપાર્ટમેન્ટની પરવાનગી મેળવીને એમને પરદેશથી જે વ્યક્તિને જે કામ માટે બોલાવવી હોય એ વ્યક્તિ માટે જે ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ છે એની હેઠળ પિટિશન દાખલ કરીને અરજી કરવાની રહે છે. જે પરદેશી વ્યક્તિને બોલાવવાની હોય, એને જે કામ માટે બોલાવવામાં આવી રહી હોય અને એની જે લાયકાત હોય એ મુજબ ચાર એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીમાંની યોગ્ય કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરવાનું રહે છે. આવાં પિટિશનોના વાર્ષિક ક્વોટા 1,40,000 છે. આ સંખ્યા વિશ્ર્વના બધા જ દેશો વચ્ચે સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે. એટલે એક દેશને ફાળે સાત ટકા આવે છે. આ કારણસર એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ જે પિટિશનો દાખલ કરવામાં આવે છે એની હેઠળ વિઝા મળતાં ઘણી વાર લાગે છે.
- Advertisement -
બે વર્ષથી માંડીને વીસ યા એથી પણ વધુ વર્ષો સુધી વાટ જોવાની રહે છે. આટલો લાંબો સમય કોઈ પણ બિઝનેસ કરતી સંસ્થા વાટ જોઈ ન શકે. આનો નિર્ણય ‘એચ-1બી’ વિઝા, જે ભણેલાગણેલા સ્નાતકો માટે છે, ‘એચ-2એ’ વિઝા જે ખેતીવાડીમાં કામ કરતાંં મજૂરો માટે છે, ‘એચ-3’ વિઝા જે ટ્રેઈનીઓ માટે છે, આવા આવા વિઝા ઘડીને આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા માટે જો અમેરિકાની કોઈ સંસ્થાને પરદેશથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા બોલાવવા હોય તો ‘પી-3’ વિઝા ઘડવામાં આવ્યા છે. રમતવીરો માટે ‘પી-1’ વિઝા ઘડવામાં આવ્યા છે. અખબારના કાર્યકરો માટે ‘આઈ’ વિઝા ઘડવામાં આવ્યા છે. ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો તેમ જ ધર્મગુરુઓ માટે ‘આર’ વિઝા ઘડવામાં આવ્યા છે. આમ જુદી જુદી લાયકાતો ધરાવતા અને જુદાં જુદાં કાર્યો કરવા પરદેશીઓ અમેરિકામાં થોડા સમય માટે આવીને કામ કરી શકે અને એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ જેમને બોલાવી શકાય, જે માટે વર્ષોની વાટ જોવી પડે એ ટાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં અમેરિકાની જે જરૂરિયાત છે એ પૂરી થતી નથી. આથી જ અમેરિકન માલિકો અમેરિકામાં જે પરદેશીઓ ગેરકાયદેસર પ્રવેશેલા હોય છે એમને ઉત્તેજન આપે છે અને પોતાને ત્યાં કામ ઉપર રાખે છે. એચ-1બી મોડર્નાઈઝેશન રૂલ, જે હમણાં જ ઘડવામાં આવ્યો છે અને 17મી જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે એ દર્શાવી આપે છે કે અમેરિકાને ભણેલાગણેલા, સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરોની ખૂબ ખૂબ જરૂર છે. આથી જ અમેરિકાએ આવા કાર્યકરોની સરળતા માટે આ એચ-1બી મોડર્નાઈઝેશન રૂલ ઘડ્યો છે. ભૂતકાળમાં જ્યારે કમ્પ્યુટરનો હાઉ ઊભો થયો હતો ત્યારે પણ અમેરિકાએ એચ-1બીના ક્વોટા વધાર્યા હતા. પછી એ ભય દૂર થતાં એચ-1બી વિઝાના ક્વોટા ઘટાડવામાં આવ્યા હતા. પણ આજે એવું જણાય છે કે અમેરિકાએ ભલે એચ-1બી મોડર્નાઈઝેશન રૂલ ઘડ્યો હોય અને 17મી જાન્યુઆરી, 2025ના એ અમલમાં આવશે તેમ છતાં અમેરિકાને એચ-1બી વિઝાના ક્વોટાની સંખ્યા, જે હાલમાં 85,000ની છે એ વધારવી જ પડશે. ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અટકાવવા માટેનો આ પણ એક સરળ રસ્તો છે. હવે એ જોવાનું રહે છે કે જેઓ અમેરિકાનું પ્રેસિડન્ટ પદ બીજી વાર ધારણ કરનાર છે અને જેમને ઈલ્લિગલ ઈમિગ્રન્ટો પ્રત્યે અત્યંત ચીઢ છે, જેમણે એવું જાહેર કર્યું છે કે ‘હું અમેરિકાને ઈલ્લિગલ ઈમિગ્રન્ટોથી મુક્ત કરીશ’, એવા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ધારણ કરશે ત્યાર બાદ અમેરિકાના માલિકો, જેમને પરદેશી કાર્યકરોની ખૂબ જ જરૂર છે, એમના માટે શું શું કરશે?