આંધ્રપ્રદેશના રાજકારણમાં હિલ પેલેસ ચર્ચામાં છે, 452 કરોડના ખર્ચે બનેલો પેલેસની તસવીરો વાયરલ થઈ રહી છે અને કહેવાય રહ્યું છે કે આ પેલેસ બીજા કોઈનો નહીં પણ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો છે.
આંધ્રપ્રદેશમાં નવી સરકારની રચનાના થોડા દિવસો બાદ જ તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી પર વિશાખાપટ્ટનમમાં 500 કરોડ રૂપિયાનો ‘મહેલ’ બનાવવાનો આરોપ લગાવ્યો છે.
સાથે જ કહેવાય રહ્યું છે કે આ મહેલ રૂશીકોંડા ટેકરીને કાપીને બનાવવામાં આવ્યો છે, જે પર્યાવરણ અને ઇકોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. રાજ્યની આર્થિક સ્થિતિ અને પર્યાવરણને થતા નુકસાનને જોતા પૂર્વ મુખ્યમંત્રી આવા ભવ્ય અને આલીશાન મહેલના નિર્માણને કારણે વિવાદમાં ફસાયા છે.
- Advertisement -
જગન મોહન રેડ્ડીનો આ મહેલ કુલ 452 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આંધ્ર પ્રદેશમાં તેનું નામ જગન પેલેસ અથવા તો જગન મહેલ રાખવામાં આવી રહ્યું છે. આ પેલેસમાં એક થિયેટર હોલ, 12 લક્ઝરી બેડરૂમ, 15 લાખ રૂપિયાના 200 ઝુમ્મર લગાવવામાં આવ્યા છે. આ ઘરના ઈન્ટિરિયર પર જ 33 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે જ આ જગન પેલેસમાં લાખો રૂપિયાના સ્પા સેન્ટર અને લાખો રૂપિયાના મસાજ ટેબલો છે. ટીડીપીનું કહેવું છે કે આ મહેલમાં 40 લાખ રૂપિયાનું બાથટબ અને 12 લાખ રૂપિયાનો કોમોડ લગાવવામાં આવ્યા છે.
ગુરુવારે રૂષિકોંડા હિલ પર બનેલા આલીશાન મહેલનો ડ્રોન વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે પેલેસની તસવીરો સામે આવી ત્યારે રાજ્યમાં રાજકીય વિવાદ વધી ગયો. મહેલમાં લક્ઝરી વ્યવસ્થાની ચર્ચા બધી જ જગ્યાઓ પર થઈ રહી છે. પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી આ મામલે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. હાલ એવું કહેવાય રહ્યું છે કે આ વિશે સરકાર તપાસ ટીમ બનાવશે અને અહેવાલ છે કે પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રાદેશિક કાર્યાલય અને રાજ્ય પ્રદૂષણ બોર્ડના સભ્યો તપાસ ટીમનો ભાગ હોઈ શકે છે.
તાજેતરમાં યોજાયેલી આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતીને સત્તામાં આવેલી ટીડીપીના નેતાઓનું કહેવું છે કે એમને આ શીશ મહેલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કારણ કે, આ પેલેસ માટે 15 મહિનાની સમયમર્યાદા સાથે 91 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં 95 કરોડ રૂપિયા માત્ર જમીન સમતળ કરવા માટે અને 21 કરોડ રૂપિયા બ્યુટિફિકેશન પાછળ ખર્ચવામાં આવ્યા હતા. તેની પાસે 7 લકઝરી બિલ્ડિંગ છે અને તેમાંથી 3 ખાસ રીતે રહેણાંક બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગમાં 12 બેડરૂમ બનાવવામાં આવ્યા છે.