ક્યારેય એવું વિચાર્યું છે કે ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહીને આપણે જે પ્રાર્થના કરીએ છીએ અથવા ઈચ્છિત વસ્તુની માંગણી કરીએ છીએ તે મળતી કેમ નથી અને પ્રાર્થના ફળતી કેમ નથી?
આનો જવાબ એ છે કે પ્રાર્થના કરતી વખતે પણ આપણા અજાગ્રત મનમાં એવું પડેલું છે કે સામે મૂર્તિ દેખાય છે તે પત્થર છે, સાક્ષાત્ ભગવાન નથી. શ્રીરામકૃષ્ણ પરમહંસની ઘટના બહુ જાણીતી છે. આગળ જતા વિશ્વભરમાં જે સ્વામી વિવેકાનંદના નામથી જાણીતા બનવાના હતા એ નરેન્દ્ર પૂર્વાશ્રમમાં જે સાધુ કે સંતને મળતા ત્યારે અચૂક આ સવાલ પૂછતા, “તમે ઈશ્વરને જોયો છે?”
- Advertisement -
દરેક જ્ઞાની પુરુષ પાસેથી ઇનકાર સાંભળવા મળતો હતો. પ્રથમવાર એવું બન્યું કે આ સવાલના જવાબમાં શ્રીરામકૃષ્ણ પરમહંસે કહ્યું, “હા, મેં ઈશ્વરને જોયો છે. જેવી રીતે હું તને જોઉં છું એવી રીતે હું રોજ ઈશ્વરને જોઉં છું.” આટલા સુધીની ઘટના તો બહુ જાણીતી છે પણ બહુ ઓછાં લોકોને એ ખબર છે કે રામકૃષ્ણ પરમહંસે આ વાક્ય પછી આગળ શું કહ્યું હતું. એમણે કહ્યું હતું, “રોજ સાંજે જ્યારે હું કાલી માતાને પ્રસાદનો નૈવેદ્ય ધરાવું છું ત્યારે મા તે પ્રસાદ આરોગે છે અને હું મારા હાથની હથેળીના પાછળના ભાગમાં માનો ગરમ ગરમ શ્વાસ અને ઉચ્છ્વાસ અનુભવી શકું છું.”
તે જમાનાના ઘણા નાસ્તિકો, બુદ્ધિવાદીઓ, નિરિશ્વરવાદીઓ તથા પશ્ચિમનું જ્ઞાન ભણેલા લોકો એવું માનતા હતા કે રામકૃષ્ણ પરમહંસ ડિલ્યુઝનનો શિકાર બનેલા પાગલ બીમાર માણસ હતા. હકીકત એ છે કે રામકૃષ્ણ પરમહંસ જેવા આસ્તિક ભક્ત જગતે બહુ ઓછાં જોયા છે. એ કાલી માતાની મૂર્તિમાં પત્થર નહિ પણ સાક્ષાત્ કાલી માતાના દર્શન કરતાં હતાં. જે દિવસે આપણે પ્રાણ પ્રતિષ્ઠા પામેલી મૂર્તિમાં સજીવ ઈશ્વરના દર્શન કરીશું ત્યારે આપણી દરેક ઈચ્છા ભગવાન પૂરી કરશે.