હવે હેલમેટ ફરજિયાત?
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં દ્વીચક્રી વાહન ધારકો માટે હેલ્મેટ-ફરજીયાતના દિવસો ફરી આવી રહ્યા છે. ખાસ કરીને હાલ રાજયમાં ફકત હાઈવે તરીકે જાહેર થયેલા માર્ગો પર જ હેલ્મેટનો આગ્રહ રખાય છે પરંતુ શહેરોમાં હેલ્મેટ ફરજીયાતનો નિયમ હોવા છતાં પણ તેનો અમલ થતો નથી અને ભાગ્યે જ કોઈ દ્વીચક્રી વાહન ચાલકો પણ હેલ્મેટ પહેરે છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટ ગઈકાલે રાજય સરકારને હેલ્મેટ કાનૂનની યાદ અપાવી હતી અને પ્રશ્ર્ન પૂછયો કે નિયમ કાનૂન હોવા છતાં શા માટે ગુજરાત સરકાર તેનો અમલ કરાવતી નથી! વાસ્તવમાં સુનાવણી રાજયમાં ગેરકાનુની રીતે ચાલતા કતલખાનાની હતી અને મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમારે રાજયમાં જે રીતે સેકડો ગેરકાનુની કતલખાના ચાલે છે છતાં રાજય સરકાર તેને બંધ કરાવવા પગલા લેતી નથી તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.
- Advertisement -
આ તકે તેઓએ જણાવ્યું કે, સરકાર અનેક બાબતોમાં કાર્યવાહી કરતી નથી. મોટરસાયકલ, સ્કુટર પર લોકો હેલ્મેટ પહેર્યા વગર જ ફરી રહ્યા છે. અમોએ તમોને અનેક વખત તેમાં કાર્યવાહી કરવા જણાવ્યું છે. અમો હવે આ મુદે સ્યુઓ મોટો કરશું! શું હેલ્મેટ ફરજીયાત નથી? કોઈ હેલ્મેટ પહેરતુ નથી. સૂરત-વડોદરા બધે આ સ્થિતિ છે. હાઈકોર્ટ આ અંગે સિનીયર ધારાશાસ્ત્રી અસીમ પાંડેને ટ્રાફિક ભંગના ડેટા મેળવવા માટે મદદની અપીલ કરી હતી અને એ પણ પૂછયું કે, શું દ્વીચક્રી વાહનમાં પાછળની સીટ પર બેસનાર માટે હેલ્મેટ ફરજીયાત નથી! વાસ્તવમાં ગત વર્ષે પણ હાઈકોર્ટ રાજય સરકારને આ પ્રશ્ર્ન પૂછયો હતો અને 2006માં તો હાઈકોર્ટ રાજયો હેલ્મેટના કાનૂનના ચુસ્તપણે અમલ થાય તે જોવા પણ તાકીદ કરી હતી. 2019માં જો લોકોનો વિરોધ જોતા સરકારે કાનૂનમાં ઢીલ મુકી ફકત હાઈવે પર જ હેલ્મેટ ફરજીયાત જોગવાઈ કરી હતી અને દ્વીચક્રી વાહનની પાછળની સીટ પર બેસનાર માટે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી અને ફરી આ મુદો હાઈકોર્ટમાં જતા સરકારે યુ-ટર્ન લઈને કાયદો યથાવત જ છે તેવો દાવો કર્યો હતો.
લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યાં?
ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે હાઇકોર્ટે કહ્યું છે કે, ‘ટુ વહીલર માટે ચાલકો માટે હેલમેટ જરૂરી બનાવો, સરકારના આટલા કાયદા હોવા છતાં પણ લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા?’ આ સાથે જ સરકારને ટોકતાં હાઇ કોર્ટે કહ્યું હતું કે, ‘હેલમટને લઈને કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ, હેલમેટ પહેરવાના નિયમનું ફરજીયાત પાલન કરવું જોઈએ..’
હેલમેટ પહેરવાનો શું છે નિયમ?
મોટર વાહન અધિનિયમ હેઠળના નવા નિયમો હેઠળ, જો ટુ-વ્હીલર સવાર હેલમેટ પહેરે છે પરંતુ પટ્ટા વિના હેલમેટ પહેરે છે અથવા હેલમેટ પાસે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (ઇઈંજ) પ્રમાણપત્ર નથી, અથવા ઈંજઈં માર્ક નથી તો આ બધાને કલમ 129 હેઠળ ઉલ્લંઘન ગણવામાં આવે છે.