મોરબી નગરપાલિકામાં સત્તા બચાવવા મેદાને પડેલા સભ્યોને કોંગ્રેસે આડેહાથ લીધા
ઝુલતા પૂલ દુર્ઘટનાની તપાસ ઠેરની ઠેર રહેતાં કોંગ્રેસના આકરા પ્રહારો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગત 30 ઓકટોબરના રોજ ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટનામાં 135 થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેમાં ઘણા પરિવારના કમાનાર વ્યક્તિઓના મોત થયા હતા તો કેટલાક બાળકોના માતા પિતાના મોત થતા બાળકો અનાથ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ગંભીર માનવીય બેદરકારી સામે આવી છે ત્યારે પદ અને પ્રતિષ્ઠા બચાવવા મેદાને પડેલા ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યો માનવ વધનો ગુન્હો નોંધાવવા માટે કેમ સહી ઝુંબેશ કરતા નથી ? તેવો સવાલ કરી કોંગ્રેસે ભાજપના સભ્યો પાલિકા સુપરસીડ ન થાય તે માટે મથી રહ્યા હોવાનો અને જવાબદારીથી છટકી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. મોરબી કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારને હાઈકોર્ટે ફટકાર લગાવી એટલે વળતર સહિતની જાહેરાતો કરવી પડી પરંતુ હજુ પણ ભાજપના સભ્યોની જવાબદારી ઘટતી નથી.
મોરબી શહેર કોંગ્રેસે પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, સરકાર શરૂઆતથી આરોપીઓને બચાવવા પ્રયાસ કરી રહી છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને તેમાં માત્ર સિક્યુરિટી ગાર્ડ, ટિકિટ ક્લાર્ક સહિતના નાના માણસો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી જ્યારે પાલિકાના અધિકારી, પદાધિકારી કે ઓરેવાના એમડી જયસુખ પટેલનું એફઆઈઆરમાં નામ નોંધવાની પણ તસ્દી લીધી ન હતી.
હાલ સરકાર ગમે ત્યારે આ અંગે કાર્યવાહી કરવાની હોવાની ચર્ચા તેજ થતાં હવે પાલિકાના કાઉન્સીલરોમાં સત્તા જવાનો ડર બેસી ગયો છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો વાંક ન હોવાનું જણાવી પાલિકા સુપરસીડ ન કરવા માંગણી કરી હતી જે બાદ કોંગ્રેસે સભ્યો જ દુર્ઘટના માટે જવાબદાર છે તેવો આક્ષેપ કર્યો હતો અને સાથે એવો સવાલ પણ કર્યો હતો કે મોરબી પાલિકાના સદસ્યો ગુનેગારો સામે મનુષ્ય વધનો ગુનો નોંધવવા સહી ઝુંબેશ કેમ નથી ચલાવતા ? કોંગ્રેસે જણાવ્યું હતું કે, જો સભ્યોની સહમતી વિના પુલ સોંપી દીધો તો તેઓએ સાત મહીના સુધી કેમ વિરોધ કર્યો ન હતો ? નવ-નવ મહિના સુધી જનરલ બોર્ડ મળ્યું ન હોય તો કેમ કોઈએ વિરોધ ન કર્યો ? તેવા સવાલો મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુ કાવરે કર્યા હતા.