અભિલાષ ઘોડા
સામાન્ય નાટકો માટે પ્રમાણપત્ર લેવું ફરજિયાત તો આવા વલ્ગારિટીથી ભરપુર શો માટે આ નિયમ કેમ નહીં
- Advertisement -
તાજેતરમાં સમય રૈના નામના એક ઈન્ફ્લુએન્સર કમ સ્ટેન્ડ અપ કોમેડીયનનો વિવાદ ચગ્યો અને તેના ત્વરીત પગલારૂપે ગુજરાત સરકારે તેના ગુજરાતમાં યોજાનાર તમામ શો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો..!!! અહીં સવાલ એ છે કે સામાન્ય નાટકનો શો કરવો હોય તો નિર્માતા કે આયોજકે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ માં અરજી કરીને જે તે નાટકની સ્ક્રીપ્ટ રજુ કરવી પડે છે. સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ તે સ્ક્રીપ્ટ તેમની પેનલ પર રહેલા તજજ્ઞ ને મોકલે છે, તજજ્ઞ તેના પ્રત્યેક પાના પરના શબ્દે શબ્દ વાંચી, જરૂરી સુધારા સુચવી, દરેક પાના પર સહી કરે છે. ત્યારબાદ જ સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ એ સુધારાઓ કરવાની શરતે નાટક રજુ કરવા માટે પ્રમાણપત્ર આપે છે. વર્ષોથી ચાલી આવતી આ કંટાળાજનક પ્રક્રીયાને સરકાર ફેર વિચારણા કરીને સરળ બનાવે તેવી લાગણી સમગ્ર નાટ્ય જગતની છે. બીજી તરફ યુવાધન ને આડે રસ્તે ચડાવવામાં ખુબ મોટો ફાળો આપતા અને સ્ટેન્ડ અપ કોમેડીના નામે બેફામ ગાળો સ્ટેજ પરથી પીરસતા અનેક વલ્ગર શો ને આજ સુધી સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ ના દાયરામાં લેવામાં આવેલ નથી.. પ્રતિષ્ઠિત લેખકો દ્વારા લખાયેલ નાટકો કે જે 100% પરીવાર સાથે આવતા પ્રેક્ષકો સામે જ ભજવાય છે તેને સાંસ્કૃતિક પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે અને જે નવી પેઢીને બગાડવાનું કામ કરે છે તેવા ગાળાગાળી વાળા શો અમદાવાદ સહીત ગુજરાતના અનેક સેન્ટર ના નાના મોટા ઓડીટોરીયમ માં મસમોટી રકમની ટીકીટ રાખી કોઇ પણ પ્રકારની રોકટોક વગર થઇ રહ્યા છે. આવા શોની જાહેરાત માત્ર સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ પર જ થાય છે અને ટીકીટોનું વેચાણ ઓનલાઈન થાય છે. જેને ખુલતાવેત ગણત્રીના કલાકોમાં નવી પેઢી હાઉસફુલ કરી દે છે. આવા વલ્ગર શો ને કોઇ મંજુરીની જરૂર નહીં !!!! સવાલ એ છે કે નાટકોને પ્રમાણપત્ર વગર પોલીસ પરમીશન નથી મળતી તો આવા વલ્ગર શો ને પોલીસ પરમીશન ક્યા આધારે અપાય છે ?? આ મુદ્દે ’ખાસ ખબરે’ અગાઉ પણ અવાજ ઉઠાવેલો જ છે. હાલ, રાજ્ય સરકાર માં કલાજગતના સક્ષમ પ્રતિનિધિત્વ ની મોટી ખોટ છે. કલાજગતના અનેક આવા પ્રશ્ર્નો સરકાર સુધી પહોંચતા નથી. રાજ્યની સંગીત નાટક અકાદમી પણ ઘણા વખતથી અધ્યક્ષ વિહોણી છે. અને સભ્ય સચિવ ચાર્જ માં છે. આ માટે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ દ્વારા ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાજ્યના સાંસ્કૃતિક મંત્રી મુળુભાઇ બેરા, તથા હર્ષભાઈ સંઘવી જરૂર આ ગંભીર મુદ્દા પર ત્વરીત કાર્યવાહી કરે તેવી લાગણી છે.
ઓડિટોરિયમમાં ભજવાતા મનોરંજન કાર્યક્રમો માટે પોલીસ લાયસન્સ શા માટે?
અસ્થાયી સ્થળો માટે બનાવવામાં આવેલા નિયમોનો, બી.યુ.પરમિશન વાળા ઓડિટોરિયમ માટે પણ શા માટે ઉપયોગ થાય છે?
- Advertisement -
અસ્થાયી જગ્યા પર કોઈ ઈવેન્ટ થાય તો તેને માટે માર્ગ અને મકાન વિભાગના સીવીલ અને ઇલેક્ટ્રીકલ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, ટ્રાફીક વિભાગ જેવા તમામ વિભાગની ગઘઈ મળ્યા પછી જ પોલીસ પરમીશન મળે છે. પરંતું સ્થાયી ઓડીટોરીયમ કે જેણે ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ કાયમી ધોરણે પૂર્ણ કર્યા બાદ જ બી.યુ. પરમીશન મળે છે. ત્યાં ભજવાતા મનોરંજન કાર્યક્રમો પણ જાહેર હોય છે. છતાં દરેક આયોજકે દરેક શો વખતે પોલીસ પરમીશન ફરજિયાત લેવાનો એક હાસ્યાસ્પદ કાયદો વર્ષોથી અમલી છે. ઓડીટોરીયમ ને બી.યુ. પરમીશન મળેલી હોય, નાટકને રાજ્ય સરકાર ના સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ એ મંજુરી આપી હોય, રાજ્યમાં મનોરંજન કરનું અસ્તિત્વ નથી, રાજ્યના 80% ઓડીટોરીયમ રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગર પાલીકા હસ્તક છે. છતાં આ પોલીસ પરમીશન નું વધારાનું ગતકડું શા માટે ?? સિનેમાઘર ને કાયમી ધોરણે પોલીસ પરમીશન અપાય છે તો ઓડીટોરીયમ માટે આવો અલગ નિયમ શા માટે ?? અને તે પરમીશન પણ ઓડીટોરીયમ ને બદલે આયોજક કે નિર્માતાએ લેવાની ?? આ સવાલ અનેક આયોજકો કે નાટ્ય નિર્માતાઓ ને સખત મુંજવે છે. ઘણી વખત આ કારણે શોર્ટ નોટિસ માં નાટકનો શો મળતો હોવા છતાં આ પોલીસ પરમીશન ની જરૂર વગરની પ્રક્રિયાઓ ને કારણે અનેક નિર્માતાઓ આવા શો છોડવા મજબુર થતા હોય છે. આવી પોલીસ પરમીશન કંટાળાજનક તો છે જ પરંતું ખર્ચાળ પણ છે, જેની આમ જોવા જાવ તો કોઇ જરૂર જ નથી. આ બાબતે પણ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાજ્યના સાંસ્કૃતિક મંત્રી મુળુભાઇ બેરા તથા હર્ષભાઈ સંઘવી જરૂર આ ગંભીર મુદ્દા પર ફેર વિચારણા કરે તેવી નાટ્ય જગતની લાગણી છે.
‘વેલેન્ટાઈન ડે’ પર રીલીઝ થઇ એક સુંદર ગુજરાતી ફિલ્મ ‘ઇલુ ઇલુ’
‘તારો થયો’ અને ‘ઉંબરો’ પછી ફરી એકવાર પરિપક્વ પ્રેમ કથા
આ ફિલ્મ જોતી વખતે મને સ્વ. સુરેશ દલાલ ની જાણીતી પંક્તિઓ યાદ આવી ગઇ, ’કમાલ કરે છે, ધમાલ કરે છે. એક ડોસો, ડોશીને હજી વ્હાલ કરે છે’ ફિલ્મની વાર્તા વિષે વધુ લખીશ તો જોવાની મજા નહીં આવે. પણ એટલું ચોક્ક્સ કહેવું પડે કે આ ફિલ્મ નિસર્ગ ત્રીવેદી, સોનાલી લેલે દેસાઈ અને હેમાંગ દવે એ પોતાના ખભ્ભા પર ઉંચકી લીધી છે. હેમાંગ દવે તો મસ્ત ખીલ્યા છે આ ફિલ્મમાં. ભાવિક ભોજક અને નવોદિત ખુશ્બુ ત્રીવદી પોતપોતાના પાત્રને સુંદર ન્યાય આપી શક્યા છે. ફિરોઝ ઇરાની ને જોઈ ને તેમની જુની ફિલ્મોના રોલ યાદ આવી ગયા. કલ્પેશ પટેલ, મનીષા નારકર, અર્ચન ત્રીવેદી, ચેતન દૈયા અને પ્રલય રાવલ હંમેશની જેમ પાવરફુલ. જો ટીપ્પણી કરૂ તો, બેકગ્રાઉન્ડ મ્યુઝીક ખુબ લાઉડ લાગ્યું. ડી.ઓ.પી. રવિ સચદેવએ સુંદર કામ કર્યું છે. તારો થયો, ઉંબરો અને હવે આ ફિલ્મમાં પરીપક્વ પ્રેમની ટ્રેક જોઈ ને એવું લાગે છે કે ભવિષ્યમાં નિર્માતાઓ આવા જ ટ્રેક ન પકડે તો સારૂં. પણ, 100% ફિલ્મ પ્રેક્ષકોને જકડી રાખે તેવી તો બની જ છે, બન્ને દિગ્દર્શક રવિ સચદેવ અને પાર્થ શુક્લ તથા નિર્માતા, મુખ્ય અભિનેતા અને લેખકની ત્રેવડી જવાબદારી ઉપાડનાર ભાવિક ભોજક તથા નિર્માતા આકાશ દેસાઈ ને ખુબ ખુબ અભિનંદન.
વિર હમીરજી-સોમનાથની સખાતે વિષય પર તૈયાર થયેલ હિન્દી ફિલ્મ ‘કેસરી વિર’ 14 માર્ચે રીલિઝ થશે
બોલીવુડના દિગ્ગજ કલાકારો સુનીલ શેટ્ટી, સુરજ પંચોલી, આકાંક્ષા શર્મા અભિનીત અને જાણીતા નિર્માતા કનુભાઈ ચૌહાણ નિર્મીત બોલીવુડની મેગા ફિલ્મ ‘કેસરી વીર’ આગામી 14 માર્ચે રીલિઝ થશે.
આ ફિલ્મ નું ટીઝર તાજેતરમાં રીલીઝ કરવામાં આવ્યું. ગમતી વાત એ છે કે બોલીવુડના દિગ્ગજ કલાકારો સાથે ગુજરાતનું ગૌરવ એવા આપણા હીતુ કનોડીયા પણ આ ફિલ્મ માં મહત્વનું કીરદાર નીભાવી રહ્યા છે. પ્રીન્સ ધીમનના દિગ્દર્શન હેઠળ આપણા સોમનાથના ખુબ જાણીતા ઇતિહાસ વિર હમીરજી – સોમનાથની સખાતે જેવા મજબુત વિષય પર આ ફિલ્મ મોટા બજેટ સાથે તૈયાર કરવામાં આવી છે. અમેરીકામાં વસતા નખશીખ ગુજરાતી એવા કનુભાઈ ચૌહાણ ને આ ફિલ્મ માટે અભિનંદન આપીએ એટલા ઓછા છે.