અર્થામૃત
તે પંડિતોની સંજ્ઞાને પામે છે
- Advertisement -
કથામૃત :
એક ખૂબ શ્રીમંત પરિવારનો નવયુવાન વિમાનના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. વિમાને ઉડાન ભર્યા બાદ થોડા સમય પછી ઍરહોસ્ટેસ વેલકમ ડ્રિંક આપવા માટે આવી. પેલા નવયુવાને વિનમ્રતાપૂર્વક પીણું લેવાની ના પાડી. ઍરહોસ્ટેસે કહ્યું, અરે, સાહેબ આ તો કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક છે. આ માટે તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો નથી. યુવાને શાંતિથી જવાબ આપતા કહ્યું, હું અભણ માણસ નથી. મને ખબર છે કે મારે આ પીણા માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો નથી. પરંતુ મને એ વાતનો પણ ખ્યાલ છે કે આ પીણામાં આલ્કોહોલ હોય છે. અને હું આલ્કોહોલ નથી લેતો માટે મનાઈ કરું છું.ઍરહોસ્ટેસને પોતાની કંપનીનું અપમાન થતું હોય એમ લાગ્યું. આથી થોડાં સમય પછી એ ફરી પાછી આવી અને એક અત્યંત આકર્ષક નાની બોટલ પેલા યુવાનને બતાવતા કહ્યું, સાહેબ, આ દુનિયાનું સૌથી મોંઘુ ડ્રિંક છે. અમે આ ડ્રિંક અમારા ખાસ ગ્રાહકોને જ આપીએ છીએ. આપ અમારા ખાસ ગ્રાહક છો. આથી આપના માટે આ ડ્રિંક લાવી છું. યુવાને ઍરહોસ્ટેસને કહ્યું, આપનો આભાર. આપનો આગ્રહ જોતા મેં નક્કી કર્યું છે કે હું આ ડ્રિંક લઈશ. વાત સાંભળતા જ ઍરહોસ્ટેસ મનમાં મલકાઈ. હજુ એ કંઈ બોલે એ પહેલા જ પેલા યુવાને કહ્યું, પરંતુ તમારે આ ડ્રિંક મને આપતા પહેલા આ વિમાન ચલાવનાર પાઇલોટને આપવું પડશે.ઍરહોસ્ટેસ કહ્યું, અરે, તમે આ કેવી વાત કરો છો ? પાઇલોટ વિમાન ચલાવતો હોય ત્યારે ડ્રિંક્સ ન આપી શકાય. આ પ્લેનને યોગ્ય રીતે ચલાવવાની અને તમામ અડચણોની વચ્ચે બચાવવાની એમની જવાબદારી છે. યુવાને કહ્યું, બહેન, આ પાઇલોટની જેમ હું પણ મારી ફરજ પર છું. અને મારી ફરજ 24 કલાકની છે. પ્રભુએ મને આ જગતમાં મોકલ્યો છે. અને મને મારો ઇમાન બચાવવાની ફરજ સોંપી છે. તો હવે મને કહો કે હું મારી આ ઇમાન બચાવવાની ફરજ નિભાવી રહ્યો છું, ત્યારે ચાલુ ફરજે ડ્રિંક કેવી રીતે લઈ શકું?
બોધામૃત
- Advertisement -
મિત્રો, આપણે પણ આપણા ઇમાનની સાથે સાથે આપણા પરિવારને બચાવવાની ફરજ નિભાવવાની છે. આપણી આ ફરજ 24 કલાકની છે. પાઇલોટની જેમ આપણે પણ ખૂબ સજાગ રહેવાની જરૂર છે. આપણા કોઈ કામને કારણે પરિવાર મુશ્કેલીમાં ન આવી જાય, એનું ધ્યાન રાખવાનું છે.
અનુભવામૃત
તમારા મૂલ્યો જાળવી રાખો, દુનિયા તમારી પાછળ આવશે. ફૂલ ખીલવા દેશો તો મધમાખીઓ સામેથી આવશે.
-રામકૃષ્ણ પરમહંસ