કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
આ લખાય છે ત્યારે ગુરુ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશી ચૂક્યા છે અને રાહુ કેતુ પણ રાશિ બદલવાની તૈયારીમાં છે. આ વર્ષે માર્ચમાં પણ શનિ મહારાજે રાશિ પરિવર્તન કર્યું હતું. વિશ્વ ઉપર જળ વાયુ પરિવર્તનના પ્રભાવ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા છે, આખા વિશ્વમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, ઋતુ ચક્ર ખોરવાયું છે અને પુર, ભારે હિમવર્ષા , ભૂકંપ જેવી ઘટનાઓ ઠેર ઠેર નોંધાઈ છે. હમણાં આપણે યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ અનુભવી ચૂક્યા.
- Advertisement -
દુનિયામાં મુખ્ય બે વર્ગ છે : એક જે ભાગ્ય અને જ્યોતિષમાં દ્રઢ પણે માને છે અને બીજો વર્ગ જે ભાગ્ય કે જ્યોતિષમાં જરા પણ નથી માનતા. શુદ્ધ વિજ્ઞાનવાદીઓ જ્યોતિષને પૂર્ણ રીતે નકારી કાઢે છે. એનું કારણ એ છે કે જ્યોતિષને સાબિત કે પ્રમાણિત કરવા માટે જે સોલીડ સાબિતીઓ જોઈએ તે વિજ્ઞાનને મળતી નથી. વિજ્ઞાન એટલું સ્ટ્રિક્ટ છે કે આઈન્સ્ટાઈન ની થિયરીને કે ડાર્વિનની થિયરીને પણ પૂર્ણ રીતે “સિદ્ધાંત” નો દરજ્જો આપતું નથી. કેમકે આ બેય થીયરીઓમાં ખૂટતી કડીઓ અનેક છે વળી બેયને જડબેસલાક રીતે સાબિત કરી શકાય એટલા પ્રમાણ વિજ્ઞાન પાસે નથી.
જ્યોતિષને ભલે વિજ્ઞાન નકારી કાઢે પણ ભાગ્યને નકારી શકે કે નહિ તે સમજવા જેવી બાબત છે. વિજ્ઞાન ભાગ્ય વિશે બહુ ખોંખારો ખાઈને કશું બોલતું નથી. કેમકે ભાગ્યના પરિબળ વિરૂદ્ધ વિજ્ઞાન પાસે કોઈ કડક પુરાવા નથી પણ ભાગ્યની કે ફેવરમાં ઘણાં પરિણામો મળી જાય છે. એક પ્રયોગમાં સો લોકોને રેન્ડમ રીતે ટેલેન્ટ(આવડત) અને લક (ભાગ્ય) નો એક આંકડો આપવામાં આવ્યો. ત્યારબાદ એક ગાણીતિય ફોમ્ર્યુલા વડે એમનું સિલેકશન કરવામાં આવ્યું.આ ફોમ્ર્યુલા માં પણ જાણી જોઈને ટેલેન્ટ ને વધારે વજન આપવામાં આવ્યું હતું. એમ છતાં આ પ્રયોગના પરિણામો આશ્વર્યજનક હતા. પ્રયોગના અંતે જોવામાં આવ્યું કે જે ત્રણ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા એ બધા “લકી” લોકો હતા !!! એટલે કે એમનામાં ટેલેન્ટ ઓછી હતી પણ લક વધારે હતું. બીજા શબ્દોમાં કહીએ તો હાઈલી ટેલેન્ટેડ લોકો સિલેક્ટ જ થયા નહોતા ! !
અમેરિકામાં હોકીની રમતમાં સફળ ખેલાડીઓ ઉપર એક રિસર્ચ થઈ. એમાં જણાયું કે સફળ ખેલાડીઓ પૈકી મોટાભાગના ખેલાડીઓ જાન્યુઆરી આસપાસ જન્મેલા હતા. જે શુદ્ધ ભાગ્યની વાત હતી. એમના કરતા વધારે મહેનતુ અને ટેલેન્ટ વાળા ખેલાડીઓ કરતા આ ખેલાડીઓ નું પ્રદર્શન ઊંચું જોવા મળ્યું હતું.
નોબેલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ વિશે પણ એવો નિષ્કર્ષ નીકળેલો કે આ એવોર્ડ જાણીતા વિજ્ઞાનીઓને જ અપાય છે, અજાણ્યા એવા કુશળ વિજ્ઞાનીઓ એ અત્યંત મહેનત કરી હોવા છતાં એમને એટલું સમ્માન મળતું નથી.
દુનિયામાં સફળ અને સુખી થયેલા લોકોને પૂછવામાં આવે તો મોટાભાગના લોકો જે તે ક્ષેત્રમાં અજાણી રીતે આવેલા જોવા મળે છે. સાવ નાની ઉમરે પી એચ ડી થયેલ એક ચાઈલ્ડ પ્રોડીજી (બાળ પ્રતિભા) ને સાવ સામાન્ય નોકરી કરીને ગુજરાન ચલાવવું પડતું હોય એવા દાખલા જોવા મળે છે.
એક જાણીતા ગુજરાતી ગીતથી જાણીતી થયેલ ગાયિકા નું એ ગીત ખરેખર કોઈ બીજાએ બનાવેલ ગીતની નકલ હતું પણ મૂળ રચયિતા નું નામ કદી કોઈએ સાંભળ્યું નહિ અને ગાયિકા કીર્તિ અને કલદારમાં આળોટે છે .
- Advertisement -
જેને નામે અનેક અવતરણ અને સાચી ખોટી પ્રેરક કથાઓ માર્કેટમાં ફેંકાય છે તે થોમસ આલવા એડિસન ખરેખર શોધક કરતા વધુ એક વેપારી હતો. એની કહેવાતી શોધો ખરેખર બીજા મહેનતુ સંશોધકો એ કરેલી પણ જશ જશુભાઈ ને જ મળે એટલે થોમસ એડિસન ને જ મળ્યો.
વિદેશમાં અનેક બનાવો બને છે જેમાં કોઈ ખૂબ ભાગ્યશાળી હોય તે લોટરીમાં જેકપોટ જીત્યો હોય પણ થોડા મહિનાઓમાં બધું ઉડાડીને કડકો થઈ ગયો હોય.
ભગવદ ગીતાજીમાં પણ દૈવ એટલે કે ભાગ્યનો પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે.દૈવ જેના પ્રબળ હોય એને દેવ કહેવાય. આથી આપણે કશે જ વાંચતા કે સાંભળતા નથી કે કોઈ ઇન્દ્ર દેવ, વરુણ દેવ કે પવન દેવે કોઈ તપ કર્યું!!
દેવોના દૈવ (ભાગ્ય) એટલા પ્રબળ હોય છે કે એમને તપ થી તપવું પડતું નથી. તપ અસુરો માટે હોય છે. અસુરો ભાગ્યના નબળા લોકો છે. સમુદ્ર મંથન થી ઉત્પન્ન થયેલ સારી સારી ચીજો દેવો લઈ ગયા, ભાગ્યના નિર્બળ અસુરોને કશું મળ્યું નહિ જ્યારે સમુદ્ર મંથન પ્રોજેક્ટમાં મહેનત તો એમણે પણ દેવો જેટલી જ કરેલી.
આ દેવ અસુર સંગ્રામની વાર્તા અવેસ્તામાં પણ છે. પરંતુ અવેસ્તામા દેવનો અર્થ દુષ્ટ થાય છે અને અહૂર નો અર્થ થાય છે : સજ્જન!! દેવો અને અસુરો વચ્ચે સંગ્રામ અવિરત ચાલ્યા કરે છે.
આ યુગ અસુરોનો યુગ છે. કડી મહેનત કરીને અસુરોએ જબરદસ્ત ટેકનોલોજી અને વિજ્ઞાનનો વિકાસ કરેલો છે. આપણે અસુરોની જીવનશૈલી અપનાવી રહ્યા છીએ જ્યા બધાએ સતત તપ કરવાનું છે, ભાગ્ય ઉપર કોઈ આધાર રાખવાનો નથી. પ્રબળ દૈવ (ભાગ્ય) વાળા દેવોને અસુરો પોતાની મહેનત અને તપથી હંફાવી રહ્યા છે.
અસુરોના યુગમાં જ્યોતિષનું મહત્વ ઘટે છે, ભાગ્યનું મહત્વ ઘટે છે, મહેનત જ્ઞાન વિજ્ઞાન અને ટેક્નોલોજીનું મહત્વ વધે છે. બસ સુખ શાંતિ ચેન હરાઈ જાય છે.
સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા બધું ભાગ્યને આધીન હોય છે એવું ભારતીયો માનતા આવ્યા છે. જ્યારે મહેનતકશ યુરોપીયનોએ સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા મહેનત, પરાક્રમ અને તપથી મેળવેલા છે. છેવટે દેવોનો વિજય થાય છે કેમકે દેવો દૈવ થી પ્રબળ હોય છે.
જય દેવરાજ ઇન્દ્ર !