ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિ
ટેન્ડર વગર દર વર્ષે એકાદ કરોડ રૂપિયાનો ઓર્ડર દિનેશ સદાદિયાને કેવી રીતે મળી શકે?
- Advertisement -
આર્ય એન્ટરપ્રાઈઝમાં નામ દિનેશ સદાદિયાના બનેવીનું અને સંચાલન દિનેશનું!
રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન એટલે કે ભાજપ નેતા અતુલ પંડિત હોય, રાજકોટ શહેર ભાજપના બીજા કેટલાંક નેતાઓ હોય કે પછી ભાજપ સરકારના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી હોય.. શિક્ષણનું સ્તર-સ્થિતિ સુધરે એમાં કોઈને પણ રસ હોય તેવું જણાતું નથી. આ પાછળનું પ્રમુખ કારણ છે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલી રહેલા ગરબડ, ગોટાળા અને ગોલમાલ અંગે ભાજપના કેટલાંક નેતાઓનાં આંખ આડા કાન. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્ટેશનરીથી લઈ ગણવેશ ખરીદી મામલે શિક્ષક સંઘના પ્રમુખ અને સરકારી કર્મચારી દિનેશ સદાદિયાની જગજાહેર કામગીરી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી એ પરથી એટલું સ્પષ્ટ છે કે, ભાજપનાં કેટલાંક નેતાઓની પણ કોઈ દુ:ખતી રંગ દિનેશ સદાદિયા જાણે છે નહીં તો રાજકોટ શિક્ષણ સમિતિની હાલત આ નહોતી. ભ્રષ્ટાચાર મુક્ત સરકાર હોવાની વાતો કરતું ભાજપ જ રાજકોટ શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચાર પર પડદો નાખી રહ્યું છે.
અતુલ પંડિત, દિનેશ સદાદિયા અને કિરીટ પરમારને ભ્રષ્ટાચાર આચરવા માટે જાણે કોઈએ લીલી ઝંડી આપી દીધી છે
- Advertisement -
દિનેશ સદાદિયા શિક્ષક સંઘનો પ્રમુખ છે ઉપરાંત સરકારી કર્મચારી છે તેમ છતાં આર્ય એન્ટરપ્રાઈઝ નામની સ્કૂલ સ્ટેશનરી પૂરી પાડતી પેઢીનું સંચાલન કરે છે. સરકારી કર્મચારી ક્યારેય વેપાર કરી શકે નહીં, તેમ છતાં દિનેશ સદાદિયા મવડીમાં આવેલી આર્ય એન્ટરપ્રાઈઝ નામની પેઢી હેઠળ ખુલ્લેઆમ સ્કૂલ સ્ટેશનરી અને ગણવેશ લે-વેંચનો વેપાર કરી રહ્યો છે. ભાજપમાં પણ દિનેશ સદાદિયા જ નાનીમોટી સ્ટેશનરી અને ગણવેશ પૂરા પાડે છે. ભાજપનાં કેટલાંક નેતાઓ સાથે નજીકના સંબંધ ધરાવતા દિનેશ સદાદિયાએ ફેસબૂક પોતાના પ્રોફાઈલમાં અને વોટ્સએપ ડીપીમાં પણ આર્ય એન્ટરપ્રાઈઝની જાહેરાત રાખી છે જેમાં તેના નામ, નંબર, સરનામું તથા ધંધાની વિગત આવેલી છે. ભાજપ કાર્યક્રમનો પ્રચાર અને ભાજપ નેતાઓનું સન્માન કરતા કેટલાંક ફોટોગ્રાફ પણ તેની જ પ્રોફાઈલમાં ઉપલબ્ધ છે. સરકારી શિક્ષક હોવા છતાં દિનેશ સદાદિયા સ્કૂલ સ્ટેશનરી અને ગણવેશ વેંચાણનો વેપાર કરે છે જે જગજાહેર બાબત હોવા છતાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજકોટ શહેર ભાજપના કેટલાંક નેતાઓ દિનેશ સદાદિયાનો બચાવ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. કારણ કે, એવું કહેવાય છે દિનેશ સદાદિયા ભાજપનો કાર્યકર છે એટલું જ નહીં, ભાજપ પણ દિનેશને માસ્ક, ઝંડા, ટી-શર્ટ સહિતના ઓર્ડર આપે છે. આ અંગેના સજ્જડ પુરાવાઓ ખાસ-ખબર દ્વારા આજના અહેવાલ સાથે વિડીયોમાં રજૂ કરવામાં આવ્યા છે. આ પુરાવો સાથેના અહેવાલો બાદ હવે જો ખરેખર શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજકોટ શહેર ભાજપના નેતાઓ ખરેખર શિક્ષણનું સ્તર-સ્થિતિ સુધારવા માંગતા હોય તો સરકારી કર્મચારી હોવા છતાં આર્ય એન્ટરપ્રાઈઝ નામે વેપાર કરતા દિનેશ સદાદિયા વિરુદ્ધ પગલાં લઈ બતાવે.
આર્ય એન્ટરપ્રાઈઝને મળે છે વર્ષે એકાદ કરોડનો ઓર્ડર એ પણ ટેન્ડર વિના!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવેલી સરકારી શાળાઓ માટે સ્કૂલ સ્ટેશનરી પૂરી પાડવાનો આશરે એકાદ કરોડ રૂપિયાનો ઓર્ડર આર્ય એન્ટરપ્રાઈઝને આપવામાં આવે છે. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા સરકારી શાળા દીઠ 1-1 લાખ રૂપિયા એમ કુલ મળી આશરે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે સ્કૂલ સ્ટેશનરી ખરીદવા માટે કોઈ જ પ્રકારના ટેન્ડર વિના અને સભ્યો કે આચાર્યોની સહમતી વિના સીધો જ ફાળવવામાં આવે છે. જે ગ્રાન્ટમાંથી મોટાભાગની ખરીદી આર્ય એન્ટરપ્રાઈઝમાંથી જ કરવામાં આવે છે. આ આર્ય એન્ટરપ્રાઈઝ દિનેશ સદાદિયાના બનેવીના નામે છે પરંતુ તેનું સંપૂર્ણ સંચાલન શિક્ષક સંઘનો પ્રમુખ અને સરકારી કર્મચારી દિનેશ સદાદિયા કરી રહ્યો છે. તે ભાજપનો કાર્યકર પણ હોય દિનેશ સદાદિયાની આર્ય એન્ટરપ્રાઈઝને સ્કૂલ સ્ટેશનરી અને ગણવેશના ઓર્ડર આપી ભાજપ નેતા અતુલ પંડિત અને શાસનાધિકારી પોતાની સાથે તેને પણ લાભ ખટાવી રહ્યા છે એવું શિક્ષણ સમિતિના જ કેટલાંક સભ્યો કબૂલ કરી રહ્યા છે.
આર્થિક વ્યવહારોનું ઓડિટ કરશે રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડોનો પર્દાફાશ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવેલી શાળાઓમાં કરવામાં આવેલી સ્કૂલ સ્ટેશનરી અને ગણવેશ ખરીદી તેમજ ઓડિટ સહિતની કેટલીક વિગતો ખાસ-ખબર દ્વારા આરટીઆઈ મારફતે માંગવામાં આવી છે. આ તમામ વિગતો ઉપરાંત આર્થિક વ્યવહારોનું ઓડિટ રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડોનો પર્દાફાશ કરશે. ખાસ-ખબર દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી આ અંગે વિગતવાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ આગામી સમયમાં આ અંગેના વિસ્તૃત અહેવાલો પ્રસિદ્ધ કરી રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતી ગોલમાલ, ગોટાળા અને ગરબડને ખુલ્લાં કરવામાં આવશે.
RMC કમિશનર અને DMC કોના ઈશારે શાસનાધિકારીને છાવરી રહ્યા છે?
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચર્ચામાં રહી છે. નાના મવા રોડ પર આવેલી શાળા નં-93નું ખાનગીકરણ બાબતે સ્કૂલના પ્રિન્સીપાલ અને વાલીઓ મેદાને પડ્યા છે. જ્યારે આ સિવાય સ્કૂલના શિક્ષકોને ગણવેશ આપવાનો કોઈ નિયમ ન હોવા છતાં અપાયેલાં ગણવેશ મુદ્દે પણ આમ આદમી પાર્ટીએ ડે.કમિશનર આશીષકુમારને આવેદન પાઠવ્યું હતું છતા આજદિન સુધી તેની કોઈપણ પ્રકારની તપાસ આગળ વધી નથી. જ્યારે શાળા નં-93ના પ્રિન્સીપાલે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તેમાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ મુદ્દે ડે.કમિશનર આશીષકુમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ આપેલા શિક્ષકોના યુનિફોર્મ ખરીદી અંગે હાલ તપાસ ચાલું છે અને શાળા નં -93નો નિર્ણય શિક્ષણ સમિતિ લઈ શકે તે અમારી સત્તામાં નથી આવતી. જ્યારે આ બાબતને આજે મહિનાઓ થયા છતા પણ શાસનાધિકારી કિરીટ પરમારે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી કે, તપાસ કરવામાં પણ રસ લીધો નથી. ત્યારે મ્યુનિ કમિશનર અને ડે.કમિશનર કોના ઈશારે શાસનાધિકારી કિરીટ પરમાર પર બેજવાબદારીપૂર્વક કરેલી કામગીરી બાબતે કોઈ પગલાં ભરતા નથી કે, તેમને છાવરી રહ્યા છે તે એક સવાલ છે.
શિક્ષક સંઘનો પ્રમુખ અને સરકારી કર્મચારી દિનેશ સદાદિયા આર્ય એન્ટરપ્રાઈઝનું સંચાલન કરતો હોવાના પુરાવાઓ જોવા માટે અહીં ક્લિક કરો