કેડના મણકા ઢીલા કરવા હોય તો ભાવનગર હાઈવે પર પસાર થવું
ભાવનગર હાઈવે આપી રહ્યો છે તંત્રની નબળી કામગીરીના પુરાવા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચોમાસાની સીઝન શરૂ થતાંની સાથે જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળતા હોય છે. તંત્રની નબળી કામગીરી રોડ રસ્તાના કામમાં લોટ પાણી અને લાકડા જોવા મળતા હોય છે જોકે આ પ્રશ્ર્ન દર વર્ષે સર્જાતો હોય છે ત્યારે ફરી આ વર્ષે રાજકોટના ભાવનગર હાઈવે પર રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જાણે રસ્તાઓ જ તંત્રની નબળી કામગીરીના પુરાવાઓ આપતા હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર હાઈવે પર દરરોજના હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે ત્યારે આવા ખાડા ખબડાવાળા રસ્તાઓ પરથી પસાર થવું એ જોખમ ભર્યું છે એટલું જ નહીં પરંતુ અકસ્માત સર્જાવાનો પણ ભય રહેતો હોય છે. અનેક વખત સર્જાતા પ્રશ્ર્નોનો તંત્ર કેમ ઉકેલ લાવી શકતું નથી? તેવા અનેક સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે.
- Advertisement -
રસ્તાઓ પર પડેલા મોટા મોટા ખાડાઓમાં પાણી ભરાતા રાહદારીઓને પસાર થવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે અને આ પ્રશ્ર્ન આ વર્ષનો જ નથી પરંતુ ગત વર્ષે પણ આ જ સમસ્યા ભાવનગર હાઈવેની હતી જે આજદિન સુધી પણ યથાવત છે અને ક્યાં સુધી રહેશે તે તો હવો જોવું રહ્યું! ખાસ કરી રસ્તાઓ નવા નથી બનાવાતા પરંતુ માત્ર પેચવર્ક કરી સંતોષ મનાવી લેવાય છે.