પરિક્રમા બાબતે કલેક્ટર દ્વારા ભાવિકોને વરસાદની આગાહી જોઇને જ આવવા અપીલ
આજે પણ છુટોછવાયો વરસાદ, હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહી વરસાદી માહોલ વચ્ચે પરિક્રમાના 36 કિ.મી.નો રૂટ રીપેર કરવો અશક્ય
- Advertisement -
કોરોના કાળમાં પરંપરા મુજબ 25 લોકોએ પરિક્રમા કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.30
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આગામી તા. 2જી નવેમ્બરથી શરૂ થવા જઈ રહેલી ગિરનાર લીલી પરિક્રમા – 2025ના સંદર્ભમાં મહત્વપૂર્ણ જાણકારી આપી હતી અને શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી હતી.
કલેક્ટરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં આગામી 31મી ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિક્રમામાં આવતા તમામ ભાવિકોએ વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જ પોતાનો પ્રવાસ ગોઠવવો હિતાવહ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટની મરામત, રોડ – રસ્તા, હેલ્થ, પીવાના પાણી અને લાઇટ સહિતની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા ચાર દિવસના વરસાદથી પરિક્રમાના રૂટને અસર પહોંચી છે. રૂટના રસ્તા પર માટી હોવાથી કીચડ થયો છે, જેથી પરિક્રમા દરમિયાન ચાલવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેવી જ રીતે, વ્હીકલ લઈ જવું પણ એટલું જ મુશ્કેલ છે. વરસાદની સ્થિતિ જોતાં સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રોને વાહન ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ખાસ અનુરોધ કરતાં જણાવ્યું કે, ભારે વરસાદના કારણે રૂટ પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે પરિક્રમામાં આવવા માટેના આયોજન અંગે ભાવિકોએ હવામાન વિભાગના અપડેટ પર નજર રાખવી અને વરસાદની સ્થિતિ પર જરૂરી તકેદારી રાખવી. ખાસ કરીને બાળકો, દિવ્યાંગો, અસક્ત અને વયોવૃદ્ધ લોકોને વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, વાતાવરણમાં ઉઘાડ થવાની સાથે જ ગિરનાર લીલી પરિક્રમાના રૂટની રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તંત્ર હાલ વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને 31મી ઓક્ટોબરે તંત્ર તરફથી અપડેટ આપવામાં આવશે. વન વિભાગ દ્વારા પણ ઉઘાડ નીકળતા જ પ્રભાવિત થયેલા રસ્તાઓ રિપેરિંગ કરવાનું આયોજન છે. આ માહિતી આપતી વેળાએ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશી ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
પરિક્રમા અંગે વાતાવરણ ધ્યાને રાખી તંત્ર નિર્ણય કરે: ઉતારા મંડળ
વરસાદી માહોલના લીધે પરિક્રમા રૂટ પણ પોવાણ થયુ હોવાથી અન્નક્ષેત્રનો સામાનપોહચી શકે તેમ નથી અને યાત્રિકોને પણ કાદવ કીચડ વાળા રસ્તા પર ચાલવામાં મુશકેલી પડી શકે છે. પરિક્રમાની પરંપરા સાચવવા માટે અગાઉ કોરોના કાળમાં જેમ 25 લોકો દ્વારા પરિક્રમાં કરવામાં આવી હતી તેમ આ વખતે પણ 100 થી 200 લોકો પરંપરા સાચવવા પરિક્રમા કરે તેમજ દ્વારા પરિક્રમા વાતાવરણને ધ્યાને રાખીને જ તંત્ર નિર્ણય કરે તેવી અમારી માંગ છે. તેમ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા જણાવ્યું છે.



 
                                 
                              
        

 
         
         
        