છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત
વ્હાલી જિંદગી,
તારા ચહેરામાં દેખાતી સૌમ્યતા અને તારી આંખોમાંથી નીતરતો પ્રેમ મને જીવી જવાનું પ્રેરણાબળ પૂરું પાડે છે. તું લાગણીઓનો ઘૂઘવતો મહાસાગર છે. તારા બંન્ને હોઠની વચ્ચે રહેલી ભીની ભીની ભીનાશ મારાં આખા અસ્તિત્વ ઉપર જાણે કે ચંદનના લેપનું કામ કરે છે. તારી આંગળીઓના ટેરવાં જયારે મારાં માથા ઉપર ફરતાં હોય છે ત્યારે એમાંથી એક સુરીલું સંગીત વહેતું હોય છે. એ સંગીતની ધૂનમાં હું સાવ તારામાં ઓગળતો જાઉં છું. તારી નજરના કામણ મારાં આત્માને હંમેશા હરખતો રાખે છે. તને જોવામાં અને તારા રૂપને પીવામાં હું સાવ ખોવાઈ જાઉં છું. તારી છાતી મારો અંતિમ વિસામો છે. સુખ અને દુ:ખની દરેક ક્ષણોએ મને તારી છાતીમાં આશ્રય લઈ એમાં વિલીન થઈ જવાનું બહું ગમે છે કારણ કે ત્યાંથી સતત પ્રેમનો ધોધ વહ્યાં કરે છે. હું સાવ સમર્પિત થઈ, શ્રદ્ધાવાન બની, તારો પૂજારી થઈ તારી છાતીમાં ઢબૂરાઈ જાઉં છું. લાગણીનામનું આપણું આ નગર એટલું બધું સમૃદ્ધ છે કે દુન્યવી તમામ સગવડો મને તણખલા જેવી લાગે છે. અને એ પણ સમજાયું છે કે પ્રેમની તાકાત જેવી અન્ય કોઈ તાકાત આ જગતમાં હજું જન્મી જ નથી. બસ, એ રસ્તા પર સત્ય, સમર્પણ, નિષ્ઠા અને શ્રદ્ધાથી ચાલતાં આવડે તો પ્રેમ હંમેશા આપણને જીતાડે અને જીવાડી પણ દે છે.
- Advertisement -
તું મારી નસેનસમાં વહેતું પ્રેમામૃત છે અને આ પ્રેમ એ એક અવસ્થાનું… સાધનાનું નામ છે. ’નશા વગરનો પુરુષ નકામો અને નખરા વગરની નારી નકામી’ આ કહેવત જેવું જ મારું છે. હું રાત – દિવસ સતત તારા નશામાં ચૂર હોઉં છું. તારા નખરાળા સ્વભાવને મારી ભીતર ઉતારતો જાઉં છું. જિંદગી! તું મારી અવકાશયાત્રા (જીવનયાત્રા) ને સિધ્ધ કરનાર રંગબેરંગી પાંખોવાળું પતંગિયું છે. આ બધાં જ રંગો મારા જીવતરરૂપી દિવાલને ધોળી આપે છે. એ રંગોની અંદર હાસ્ય, રૂદન, ગુસ્સો, નખરાં, ધોધમાર પ્રેમ આ બધું જ ઠાંસી ઠાંસીને ભરાયેલું પડ્યું છે. જિંદગી! મૃત્યુ આંબી જાય એ પહેલાં તારા દરેક રંગોને ભરપૂર અને ધોધમાર જીવવા છે. દરેક ક્ષણને ઉત્સવમાં ઓગાળી નાખી પ્રેમનાં કેફમાં પડી રહેવું છે. તારા કપાળ ઉપર પડતી આછી આછી કરચલીઓમાં હું મારું નામ શોધું છું અને મળી પણ આવે છે, પછી તારા દિલના ઊંડાણમાં હું મારાં નામની જ્યોત પ્રજવળતી જોઉં છું. આ રીતે ધોધમાર જીવતો રાખવાની તારી એષણા અને પ્રેમ મને ગદગદ કરી દે છે. તું મારા દિલમાં પૂરાયેલો સાથિયો છે, તું મારા મનમાં વેરાયેલા સેંકડો અક્ષતકણ છે. તું મારા જીવનના અજવાળાની ચળકતી રેખા છે. એ રેખા પર સવાર થઈ હું આયખાને ઊજળું કરવા નીકળી પડું છું, કારણ કે જિંદગી! હું તને ભરપૂર ચાહું છું.
સતત જીવતો…
જિંદગીનો… જીવ.