હોય નહીં આવી મીઠી ધારા વાદળની,
આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે !
પ્રિય જિંદગી…
ઘંટડીના મીઠાં રણકાર અને અગરબત્તીની સુગંધથી આપણું આખું ઘર દિવ્ય થઈ ગયું છે. તું આંખો બંધ કરી શાંતિપાઠ કરવામાં લીન છે. હું ભસ્મતિલક કરી તારી પાસે આવી, મારા કપાળથી જ તારા કપાળ પર એ ભસ્મ લગાવી તારી સામે મૃત્યુંજયનો જાપ કરવા બેસી જાઉં છું. આપણાં આખા ઘરના ખૂણે ખૂણે ખુશી અને શાંતિનું સામ્રાજ્ય ફેલાયેલું અનુભવાઈ રહ્યું છે. તારી આંખોમાં દેખાતી ભારોભાર પ્રસન્નતા મને ઊંડે ઊંડેથી અલૌકિક આનંદની સફર કરાવે છે. તારી એ આંખોના ઊંડાણમાં પ્રવેશી હું તને પૂછી લઉં છું કે તું મારાથી ખુશ તો છે ને? ત્યારે તારા ચહેરાની ખુશી સાથે તું હા કહે છે એ ક્ષણ મને જીવી ગયાની સાર્થકતા લાગે છે. હું જીવી રહ્યો છું અને તને ખુશ કરી રહ્યો છું એ વાતની ખુશીથી હું હર્યોભર્યો થઈ ઝૂમી ઊઠું છું. આવી એકાદ ક્ષણ પણ મારા હૈયાને ઠંડક આપી જાય છે. આપણે કેટલાં બધાં ખુશ છીએ! ખુશ થવા કે ખુશ રહેવા માટે કારણો નથી શોધવા પડતાં જ્યારે ઉદાસીને ટોળે વળવા આપણે એને સામેથી આમંત્રણ આપીને બોલાવીએ છીએ. તારી આંખમાંથી વહેતી કરુણાની અવિરત ધારામાં મારે સતત ભીંજાયેલા રહેવું છે. આપણાં પ્રેમમાં અત્યારે છે એટલું સાતત્ય આજીવન જળવાઈ રહે એ માટે હું કંઈ પણ કરી છૂટવા તૈયાર છું. તારું ક્ષણવાર માટેનું રુસણું મારા પર એક લાંબો યુગ થઈને ત્રાટકી પડે છે… તારી સાથેના આનંદની બધી જ ક્ષણો મારે જીવનમૂડી જેમ સંઘરી રાખવી છે. તું હવામાં ઓગળીને મારાં શ્વાસમાં સમાઈ જાય છે પછી હું ધન્ય થઈ હવામાં જ વિલય પામી તારામાં આવી મળું છું. તારા દેહના દરેક કણમાં રતિ છે. સ્પર્શની સરહદ વટાવી હું પુષ્પધન્વા બની તારા પર વાર કરું છું. મારો એ વાર વ્હાલની વ્યાખ્યા જન્માવવા માટે પૂરતો લાગે છે. તારું મારામાં આવી મળવું એ કર્ણપ્રિય ગીતના લયહિલ્લોળમાં ઝૂમી ઊઠવા જેવું થઈ પડે છે. તારા અનહદ વ્હાલથી હું ગર્જી ઊઠું છું. મારી આ ગર્જના ઇન્દ્રદેવના કાને પડતાં તરત જ વાદળીઓમાં પ્રેમના વારિ ભરી આપણાં બન્ને પર અભિષેક કરવા વરસાદરૂપે મોકલી આપે છે. આપણે એ વરસાદમાં નખશિખ ભીંજાઈએ છીએ. મારાં અંગ પર તારા વ્હાલરૂપી વરસાદના ટીપાં બાઝી ગયાં છે. એકબીજાનું ગાજવું… પલળવું… નીતરવું… વારે વારે તૂટી પડવું… આપણાં બંધનને વધું મજબૂત બનાવે છે. તારામાં રોપેલી શ્રદ્ધાની વેલ ધીમે વિશ્વાસના સ્તંભ પર ચડી રહેલી દેખાય છે. આંખો બંધ કરીને છોડ અને વેલની આસપાસનું નિંદામણ કરું છું.એ વેલ થોડાં જ સમયમાં આપણને બંનેને વીંટી લેશે પછી આપણે એકરૂપ થઈ ધબકતાં હોઈશું. ઘટ ઘટમાં તારા નામનો ઘંટારવ થઈ રહ્યો છે.
- Advertisement -
સતત તને શ્વસ્તો…
જીવ…
(શીર્ષકપંકિત:- હર્ષ બ્રહ્મભટ્ટ)