આજકાલ લગભગ બધા જ ધર્મ ગુરુઓ, અલગ અલગ સંપ્રદાયોના સ્થાપકો અને સંચાલકો આપણને આ એક વાત અચૂક શીખવે છે: ’હું એક વિશુદ્ધ આત્મા છું. મારું શરીર તે હું નથી, મારા હાથ અને પગ તે હું નથી, મારી આંખો તે હું નથી ઇત્યાદિ…’ આપણે આ વાક્યોનું રટણ કરીએ છીએ અને એવું માની લઈએ છીએ કે આપણને સાચું આધ્યાત્મિક જ્ઞાન લાધી ગયું છે. દુન્યવી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ વર્ષો સુધી અભ્યાસ કરવો પડે છે. શાળા, હાઇસ્કૂલ, કોલેજ, મહાવિદ્યાલય વગેરે સંસ્થાઓમાં ભણવું પડે છે. રાતભર જાગીને પુસ્તકો વાંચવાં પડે છે, પરીક્ષાઓ આપવી પડે છે અને પરીક્ષાની કસોટીઓમાંથી પાર ઊતરવું પડે છે. જ્યારે પરિણામ આવે ત્યારે જાણવા મળે છે કે આપણે કેટલા ટકા જ્ઞાન પચાવ્યું. ’હું એક વિશુદ્ધ આત્મા છું’ એ માત્ર સાંભળી લેવાથી કે બોલી લેવાથી જ્ઞાન પચાવી લીધું એવું માની શકાય નહીં. એ માટે સાધના કરવી પડે, મહર્ષિ પતંજલિ સૂચિત સાધના માર્ગનાં આઠ અંગોમાંથી પસાર થવું પડે, આપણામાંથી મોટા ભાગના લોકો તો પ્રથમ ચરણ યમમાં જ ઊથલી પડે છે. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ. આટલામાંથી પસાર થાઓ ત્યારે તમને પ્રજ્ઞા-પ્રસાદ મળ્યો કહેવાય. જ્યારે પૂર્ણ પ્રજ્ઞા-પ્રસાદની પ્રાપ્તિ થાય એ પછી મનુષ્ય આત્મજ્ઞાનમાં સ્થિર થાય છે. કહેવાતા આત્મજ્ઞાનીનો યુવાન પુત્ર ધારો કે અકસ્માતમાં મૃત્યુ પામ્યો, વેપાર ધંધામાં કરોડો રૂપિયા ડૂબી ગયા, ધરતીકંપમાં દસ કરોડનો બંગલો ધરાશાયી થઈ ગયો, મિત્રોએ કે ધંધામાં ભાગીદારોએ દગો કર્યો, પત્ની બેવફા નીકળી આ બધા સંજોગોમાં તેની પ્રજ્ઞા સ્થિર રહી શકે છે કારણ કે તે ખરેખર એવું માનતો થઈ જાય છે કે આ જે કંઈ થઈ રહ્યું છે તે એનાં કર્મોનું ફળ છે અને આ સંસારરૂપી માયાજાળમાં આ બધી ઘટનાઓ ભજવાઈ રહી છે, આ બધાંની સાથે એના આત્માને કશી જ લેવાદેવા નથી. આવી સ્થિતપ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે માનવું કે એને અષ્ટાંગ યોગ સિદ્ધ કરી લીધો છે. ખિસ્સામાંથી એક રૂપિયો નીકળીને ગટરમાં પડી જાય અને જે માણસ આકુળવ્યાકુળ થઈ જાય એ જીવનભર રટણ કરતો રહે કે ’હું એક વિશુદ્ધ આત્મા છું’ તો એ દંભ કરી રહ્યો છે.
પરિણામ આવે ત્યારે જાણવા મળે છે કે આપણે કેટલા ટકા જ્ઞાન પચાવ્યું
Follow US
Find US on Social Medias