દિવ્ય રાસલીલાની રાત કે જેની સાથે બ્રહ્માંડ નિર્માણની મૂળભૂત વિભાવના સંકળાયેલી છે
શરદઋતુ
- Advertisement -
સંત ઋતુની જેમ જ, શરદઋતુનો એક આગવો મહિમા છે. વર્ષાઋતુનો વિરામ પ્રકૃતિ રમણીય બની હોય છે. દિવસ સામાન્ય, રાત ઠંડી અને વાતાવરણ આહલાદક બને છે. સામાન્ય રીતે આસો મહિનામાં શરદ પૂર્ણિમાની આસપાસ શરદનું સૌંદર્ય ઓર નિખરે છે જોવા મળે છે. સામાન્યજનથી લઈને કાલિદાસ જેવા મહાકવિ તેમજ પૂર્ણ પુરુષોત્તમ રામને પણ શરદઋતુનું સૌંદર્ય આકર્ષે છે. ‘રામચરિત માનસ’માં તુલસીદાસ કહે છે કે,
અર્થાત, હે લક્ષ્મણ! વર્ષાઋતુ વીતી ગઈ અને પરમ સુંદર શરદ ઋતુ આવી ગઈ છે. આખી પૃથ્વી ઘાસ
(સફેદ છોગા વાળા ઘાસ)થી ઢંકાઇ ગઈ છે. જાણે વર્ષાઋતુએ પોતાની વૃદ્ધાવસ્થાને સફેદ વાળના રૂપમાં પ્રગટ કરી છે. તો કવિ કુલગુરુ કાલિદાસે પણ શરદઋતુને લાડ લડાવતતાં, શરદનાયિકાને નવવધૂ સમી શોભતી કહી છે. આવી રમણીય ઋતુની પૂર્ણિમા એટલે કે શરદપુનમને ચન્દ્રની તેજવર્ષા સંદર્ભે વર્ષભરની પુનમમાં શ્રેષ્ઠ પૂનમ ગણાય છે.
આપણાં શાસ્ત્રોમાં પૂર્ણિમાનું આગવું મહત્વ
- Advertisement -
પૂર્ણિમા એટલે પૂર્ણતાનો પવિત્ર દિવસ. સનાતન સંસ્કૃતિમાં અનેક ઋષિમુનિઓ, દિવ્ય ચેતનાઓનું અવતરણ પૂર્ણિમાના દિવસે થયું છે. શ્રાવણી પૂર્ણિમાને દિવસે માતા ગાયત્રીનું અવતરણ (જોકે આ વિશે ઘણા મતમતાંતર છે) અશ્વિની પૂર્ણિમાએ વાલ્મિકી મુનિનું અવતરણ, કાર્તિક પૂર્ણિમાએ ગુરુનાનક, માઘ પૂર્ણિમાએ સંત રોહીદાસ, ચૈત્રી પૂર્ણિમાએ હનુમાન જયંતી, વૈશાખ પૂર્ણિમાએ બુદ્ધ જયંતિ, જેઠ પૂર્ણિમા સંત કબીરનું અવતરણ, અષાઢિ પૂર્ણિમાએ ઋષિપુરુષ, મહાજ્ઞાની કૃષ્ણદ્વૈપાયન ’વેદ વ્યાસ’નું અવતરણ અને આજે શરદપૂર્ણિમા, ભગવાન કાર્તિકેય તેમજ માતા લક્ષ્મીજી તેમજ આદિકવિ, ઋષિ વાલ્મીકીનો પ્રાગટય દિન અને કૃષ્ણની દિવ્ય રાસલીલા, મહારાસોત્સવનો દિવસ…
શરદપૂર્ણિમા
શરદપૂર્ણિમા, જેને રાસપૂર્ણિમા, કૌમૂદી પૂર્ણિમા, તેમજ કોજાગીરી પૂર્ણિમા પણ કહેવાય છે. સનાતન પરંપરામાં આજના દિવસનું વિશેષ મહત્વ છે. આજે એટલે કે અશ્વિનીપૂર્ણિમાએ કૃષ્ણએ રાધા અને ગોપીઓ સાથે દિવ્ય રાસલીલા રચી હતી જેને સૃષ્ટિના નિયંત્રણની વ્યવસ્થા તરીકે પણ ઓળખાય છે. તો આપણે આ નિમિતે રાસલીલા વિશે વાત કરીએ.
રસ, રાસ અને રાસલીલા
રાસ એટલે વ્યક્તિઓનો સમૂહ વર્તુળ રચીને સાથે મળીને ગોળ ગોળ ફરતા તાલીનૃત્ય કરે તે રાસ એવું સ્થૂળ અર્થમાં કહી શકાય. પણ રાસલીલા’ એ વિશિષ્ટ યજન છે જ્યાં કૃષ્ણ એટલે કે સ્વયં બ્રહ્મ પોતાની યોગમાયા શક્તિ(ગોપી)વડે સમગ્ર સૃષ્ટિ, કાળ, અંત- અનંત, આદિ-અનાદિ વગેરે પરિમાણનાં સર્જન અને નિયંત્રણની વ્યવસ્થા રચે છે. અહીં રાસ એટલે રસમય થઈ જવું..બ્રહ્માંડના એક એક તત્વને બ્રહ્મરસમાં રમમાણ કરવાની, સ્વયં બ્રહ્મ દ્વારા આકારીત દિવ્યાતિદિવ્ય ઘટના એટલે રાસલીલા! રાસ શબ્દ રસ’ પરથી ઉતરી આવ્યો છે. રસમાં રસવું એટલે રાસ. રસ શબ્દ જ હકારાત્મકતા, લગાવ, અનુરાગ કે પોતાનામાં કશાંકનું ઉમેરણ કરવું અથવા કશાકનો સ્વીકાર સૂચવે છે. અહીં રસ એટલે શ્રીકૃષ્ણનું સાક્ષાત ભાવનાત્મક સ્વરૂપ. આ પરમરસ તેમજ શરણપ્રાર્થીના સમર્પિત ભાવમાંથી જન્મતા અન-અંત, નિતાંત આનંદના રસનું આદાનપ્રદાન એટલે જ રાસલીલા. જેમ એક દીપમાંથી સેંકડો દિવાઓ પ્રગટાવી શકાય એમ જ એક જ રસમાંથી, સમષ્ટિના કણ કણમાં જે ગતિવાન છે એ આનંદમય ઉર્જાની અંખડ જ્યોતિનું નિર્માણનું મૂળ સાધકો આ બ્રહ્માંડિય રાસલીલામાં જુએ છે. રાસ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મના આનંદસ્વરૂપ સ્નેહનું ખળખળતું ઝરણું જ્યાં કૃષ્ણ તેના શરણે આવેલ જીવને પોતાના રંગમાં રંગી બ્રહ્મત્વ અર્પણ કરે છે. દહીંનુ ટીપું દૂધમાં ભળતા સમગ્ર દૂધ દહીં બની જાય એમ જ રાસલીલા દરમ્યાન પોતાના રસનું અનેક રસોમાં વિભાજન કરી પરમાત્મા અનંત રસનું સર્જન કરે છે. સમગ્ર સૃષ્ટિને પોતાનામય બનાવી દેવાનો સંયોગ, એટલે કે જીવનું બ્રહ્મ સાથે મિલન અને સ્વયં બ્રહ્મ થઈ જવું એટલે જ રાસલીલા. અથવા તો માયાના આવરણ રહિત શુદ્ધ જીવનો બ્રહ્મ સાથે વિહાર એટલે રાસ. કેટલાંક વિદ્વાનો શ્રીકૃષ્ણને વેદપુરુષ તરીકે અને વ્રજગોપીઓને તેમની ઋચાઓના રૂપમાં સ્વીકારીને રાસલીલાને વેદના વિસ્તારરૂપે જુએ છે. શ્રીકૃષ્ણની રાસલીલાનું વર્ણન શ્રીમદ્ ભાગવતના દસમાં સ્કંધમાં રાસ પંચાધ્યાયી’માં મળે છે. રાસલીલાની દિવ્યતા અને ભવ્યતાનું અદભુત વર્ણન કરતા ભાગવતકાર લખે છે કે આ રાસલીલા લૌકિક શૃંગારલીલા નથી પણ શ્રીકૃષ્ણની અંતરંગ હૃદયીની શક્તિ શ્રી રાધા અને તેની અંતરંગ શક્તિસ્વરૂપા ગોપાંગનાઓનું, અધ્યાત્મની પરમ ઊંચાઈને પામેલા ભક્તિરસમાં તરબોળ સ્વયં બ્રહ્મ સાથેના ભક્તિનૃત્યનો વિશેષ અવસર છે. રાસલીલા એ પરમાત્મા પ્રત્યેની શુદ્ધ પ્રીતિનું ઉત્તુંગ શિખર છે. જ્યાં કૃષ્ણ પોતાની યોગમાયા શક્તિ દ્વારા આ પૂર્ણિમાની રાતને છ માસ બરાબર કરીને ગોપીઓને પોતાના સાયુજ્યની દિવ્ય અનુભૂતિ કરાવી છે વળી, શ્રીકૃષ્ણ સાથે જેઓ રાસલીલા રચે છે તે ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રી નથી પરંતુ અનેકાનેક જન્મોના તપ, સાધના અને આરાધના કર્યા બાદ બ્રહ્મની પ્રાપ્તિના અંતિમ લક્ષ્ય સુધી પહોંચેલ દિવ્યાત્મા છે. ’ગો’ શબ્દ વિશાળ અર્થછાયા ધરાવતો સંસ્કૃત શબ્દ છે, જેનો એક અર્થ થાય છે, ઇન્દ્રિય. અને જે પોતાની સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કેવળ ભગવદ્દ, બ્રહ્મરસનું જ પાન કરે છે તે ગોપી. ગોનો બીજો એક અર્થ છે, ગાય અને કૃષ્ણને જે અતિપ્રિય છે(ગાય)એનું જતન કરનાર ગોપી. બીજા અર્થમાં, જેનો જન્મ જ પરમાત્માને પ્રિય હોય એવા કાર્યને નિષ્ઠાપૂર્વક કરવા માટે થયો છે એ ગોપી છે. જેનામાં સ્ત્રીત્વ અને પુરુષત્વના ભેદની સભાનતા વિશે વિસ્મૃતિ થઇને કેવળ પરમાત્મા પ્રત્યેની ભક્તિનો જ ભાવ સ્થિર થયો છે તેઓ ગોપીનો અવતાર ધારણ કરી શિવ સાથે જીવના મિલનનો અદભુત સંયોગ પામનાર છે. અને એટલે જ સ્વયં શ્રીકૃષ્ણ ગોપીઓને મહાભાગા’ કહીને તેમને આદરપૂર્વક આવકારતાં કહે છે કે, તમે બ્રહ્મ સાથેના ઐકયના એ સ્તર પર ઊભેલા પુણ્યશાળી જીવ છો કે જ્યાં આપણા વચ્ચે જીવ અને શિવ(ઈશ્વર)જેવો ભેદ નથી રહ્યો પરંતુ આપણે, તમે પણ અને હું બ્રહ્મ છીએ. જનની સ્તનપાન દ્વારા તેના સંતાનને પોતાનું શ્રેષ્ઠ ધરીને પોતાનાપણું આપે છે એ જ રીતે અહીં સ્વયં બ્રહ્મ તેના આ યોગ્ય સંતાનોને બ્રહ્મરસનું પાન કરાવીને બ્રહ્મત્વ અર્પે છે. આ કેટલો સુંદર યોગ કે સ્વયં ભગવન ભકતના સાનિધ્યમાં રહેવા તેનું સ્વાગત કરે છે! સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ અહીં પોતાના સ્વરૂપ ગુણ અને રસમાં ગોપીઓને સમાવિષ્ટ કરી ગોપીઓને પરમ સચ્ચિદાનંદમયી’ બનાવે છે, જ્યાં આસ્વાદક અને આસ્વાદ્ય બન્ને ભિન્ન ન રહેતા એકત્વ પ્રાપ્ત કરે છે! રાસલીલા વિશે વધુ કહીએ તો, ઉપર કહ્યું તેમ, દિવ્ય હેતુ અર્થે ઉદ્દભવેલી અને સ્વયં પરમતત્વ દ્વારા સંચાલિત આ રાસલીલા લૌકિક શૃંગારલીલા નથી પરંતુ પોતાના સ્વરૂપમાં, પોતાના ધ્યાનમાં જન્મોજન્મથી રમમાણ એવા આત્માને પોતાનું બ્રહ્મત્વ અર્પવાની ઈશ્વરીયલીલા છે. અને એટલે જ ગોપીઓ કૃષ્ણનું દિવ્ય વાંસળીવાદન સાંભળી દિવસ-રાત, સ્થળ-કાળ સમય, વસ્ત્ર પરિધાનનું ભાન ભૂલી, બાહ્ય દેખાવની સજાગતા ભૂલીને પરબ્રહ્મની દિવ્યમોહિનીમાં પોતે જેવી છે એ જ સ્વરૂપે કૃષ્ણ સમક્ષ ઉપસ્થિત થાય છે. કૃષ્ણ સમક્ષ ઉપસ્થિત ગોપીઓની સ્થૂળ સંસાર પ્રત્યેની વિરક્તિ અને અનાસક્તિને ચકાસવા કૃષ્ણ કસોટીરૂપે તેમને અનેક સવાલો કરે છે. મધરાતે પોતાની સમક્ષ આવી પહોંચેલી ગોપીઓને કૃષ્ણ પૂછે છે કે વ્રજમાં આપને કોઈ તકલીફ તો નથી કે અડધી રાત્રે મારી પાસે આવવું
પડ્યું ? અનુસંધાન પાના નં.16
તમે તમારો સ્ત્રી ધર્મ નીભાવતાં પતિસેવા અને સંતાનસેવા કરો, હું વરદાન આપું છું કે સંસારના દરેકેદરેક સુખો, ઐશ્વર્યથી તમને હું સભર, ભરપૂર કરી દઈશ. કૃષ્ણ કહે છે કે હું તમને કોઈ જ સુખ નહીં આપી શકું, હું તમને મારી સાથેના સાયુજ્યનો આનંદ માત્ર આપી શકીશ, એટલે હે ગોપીઓ તમે તમારા સુખો પરત્વે પાછી ફરી જાઓ. આવી રીતે ભગવાન પરમાત્મા તેના શરણે આવેલો જીવને સંસારમાં પાછા ફરી જવા અનેક પ્રલોભનોની માયાજાળ રચે છે પરંતુ પરમાત્માની આવી અનેક કસોટીઓમાં ઉત્તીર્ણ ગોપીઓ કૃષ્ણને કહે છે કે આપ જ અમારા સાચા સ્વામી છો અને હવે સમય થયો છે જીવના અંતિમ લક્ષ્ય તરીકે બ્રહ્મને પ્રાપ્ત કરવાનો એટલે જ હવે સ્ત્રીધર્મ પાલન અમારા માટે હવે કોઈ આવશ્યકતા નથી. ગોપીઓના અનન્ય,વિશુદ્ધ, નિષ્કામ સમર્પણથી સ્વયં પરમાત્મા કૃતજ્ઞ કૃતજ્ઞ થઈને ગોપીઓના પ્રેમામૃતને સ્વીકારે આ પ્રસંગ ભક્તિને અનેરી ઊંચાઈ આપે છે કે અહીં બ્રહ્મ સ્વયં એના ભક્તનો સાધક બની જાય છે! પોતાના અનન્ય પ્રેમભાવને પામીને ભગવાન અતિપ્રસન્ન છે એ જોઈ ગોપીઓ પરમસુખ અનુભવે છે અને ગોપીઓને આ પરમસુખ સમાધિમાં લીન જોઈને સ્વયં કૃષ્ણ અનન્ય આનંદની અનુભૂતિ કરે છે. એક અર્થમાં રાસ જીવ અને શિવને પરસ્પર આત્મસાત કરવાની સમાધિવસ્થા પણ છે. લૌકિક અર્થમાં જેને રાસ કહીએ તેના કરતા તદ્દન ભિન્ન એવી આ અલૌકિક રાસલીલામાં ગોપીઓના સ્થૂળ શરીર વિશેની અહીં કોઈ જ ગણના કે નોંધ નથી, લૌકિક કામ’નો અંશમાત્ર નથી રાસલીલામાં કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી. રાસલીલામાં જેને પ્રવેશ મળ્યો છે તે તેની સજીવી ઓળખ પૂરતો નારીદેહ માત્ર છે સ્ત્રી નથી પરંતુ બ્રહ્મપ્રાપ્તિની ઝંખના રત શુદ્ધ જીવાત્માં છે. જીવ અને શિવના મિલનના, સૃષ્ટિના નિર્માણ અને નિયમનના આ અનંત મહારાસનું રાસલીલાનું વર્ણન કરતા ભાગવતકાર કહે છે કે કામ’ અને કામનાના પરાભવ માટે જેનો ઉદ્ભભવ થયો છે એ અદભુત રાસલીલા એ સંગીત,કલા,ભક્તિ, સમર્પણ, સૌંદર્ય દિવ્યતા, પ્રકૃતિ, સાધના, આત્મા પરમાત્મા, જીવ શિવ સમગ્રના સત્-ચીત્-આનંદ યુક્ત સાયુજયનો અદભુત સંયોગ છે, ,જેના દર્શન શ્રવણ કે વિચારમાત્રથી જન્માંતરોના વિષાદ,શોક, ભય, દુ:ખ, કામ…વગેરે નષ્ટ થાય છે. પરમ પદ પામેલા મહાન યોગીઓ તથા સ્વયં ભગવાન શિવ પોતાના ધ્યાનાવસ્થામાં મહારાસનું ચિંતન કરે છે એવા દિવ્ય મહારાસની તિથી, એ ઉત્સવનો પુણ્ય દિવસ એટલે રાસપૂર્ણિમા…! રાસલીલાની વાત આવે અને આદિ કવિ નરસિંહ મહેતાને ન સંભારીએ તો એ વાત અધૂરી લાગે. શરદપૂર્ણિમાની રાત્રે કૃષ્ણ અને ગોપીના અલૌકિક દિવ્ય મહારાસની લીલા જોતાં મંત્રમુગ્ધ, ભાવસમાધિમાં લિન થઈ ગયેલા ભક્ત નરસિંહના હાથની મશાલથી પોતાનો હાથ બળી રહ્યો છે એ શારીરિક પીડાનું પણ એમને ભાન નથી રહેતું! એ પળ, એ દ્રશ્ય એ અનુભૂતિ કેટલી મોહિની હશે, કેટલી અસરકારક હશે!
રાસલીલાની સાક્ષી શરદપૂર્ણિમાનું આગવું મહત્વ
બીજું, શરદપૂર્ણિમાને કોજાગીરી પૂર્ણિમા પણ કહેવાય છે. શરદ પૂર્ણિમાના ચંદ્ર, ચાંદની રાત, શીતળ પવન અને ગગનથી અમૃત વરસાવતું દિવ્ય વાતાવરણ અનોખું છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આજના દિવસે સમુદ્રમંથનમાંથી માતા લક્ષ્મીનું પ્રાગટય થયું હતું અને શરદપૂર્ણિમાના દિવસે જ તેમણે ભગવાન વિષ્ણુનો પતિ તરીકે સ્વીકાર કર્યો હતો. નારદપુરાણમાં કહેવાયું છે કે આજની રાતે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે સમગ્ર પૃથ્વીનું ભ્રમણ કરે છે અને કોણ કોણ પોતાના કર્તવ્યો પ્રત્યે જાગૃત છે તે ચકાસે છે, એટલે કે કોણ કોણ જાગે છે? એટલા માટે જ કો-જાગી-રી પૂર્ણિમા કહેવાય છે. ભારતીય પુરાણો અનુસાર, પૂનમની આ રાત્રે, બ્રહ્મજ્ઞાનનું ધ્યાન કરતી વખતે જે પણ ભક્તો જાગતા રહે છે, દેવી લક્ષ્મી તેમને આધ્યાત્મિક અને ભૌતિક ’શ્રી’નું વરદાન આપે છે. કહેવાય છે કે આ રાતોમાં ધ્યાનમાં લીન રહેવાથી, તમારી જાતને આધ્યાત્મિક રીતે ઉન્નત કરી શકો છો અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ’શ્રી’ એટલે કે આધ્યાત્મિક અને ભૌતિક સમૃદ્ધિ પણ મેળવી શકો છો. આજની રાતે લક્ષ્મી સાધનાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે જેને ભૌતિક અર્થમાં ન લેતા સમગ્રમાં સ્વીકારીએ તો એમ કહી શકાય કે પોતાના કર્તવ્યો પ્રત્યેની નિષ્ઠા એ જ લક્ષ્મીની યથાર્થ સાધના. એક દંતકથા મુજબ, શરદપૂર્ણિમાની રાત્રે કૃષ્ણ-ગોપીની રાસલીલા જોઈને ચંદ્ર મંત્રમુગ્ધ અભિભૂત થઈ ગયો અને પ્રસન્નતાના ઉત્સાહમાં ભાવવિભોર થઈ પૃથ્વી પર પોતાના ઓજસનું શ્રેષ્ઠ એટલે કે તેજની અમૃતવર્ષા વરસાવી હતી. વર્ષની બારેય પૂર્ણિમાની સરખામણીએ શરદપૂર્ણિમાના ચંદ્રનું તેજ સૌથી વધુ પ્રભાવી હોય છે. સાગર કિનારે કે ટેકરીની ટોચ પરથી કે ખુલ્લા મેદાનમાં બેસી શરદપૂર્ણિમાના ચન્દ્રને માણવો એ અનેરો લ્હાવો છે. પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર જાણે કે કૃષ્ણ છે અને તેના કિરણો એટલે ગોપીઓ. અને આકાશમાં કૃષ્ણ-ગોપીની દિવ્ય રાસલીલા જાણે કે રચાઈ રહી છે! કવિ કહે છે કે શરદપૂર્ણિમાની રાત જાણે કે ક્ષીરસાગરમાં ન્હાયેલી કપૂર સમ ઉજળી અને સુગંધી સાત્વિક મહારાસની મધુયામીની છે જ્યાં સમગ્ર પૃથ્વી ચન્દ્રના તેજરુપે પરમાત્માના શીતળ સ્પર્શે જાણે શાતામય તૃપ્તિ પામી રહી છે. શરદપૂર્ણિમાની રાતનું વૈજ્ઞાનિક તથા ખગોળીય મહત્વ જોઈએ તો એસ્ટ્રોફિઝિક્સ અનુસાર, પૂર્ણ ચંદ્રના દિવસે, પૃથ્વી પર ચંદ્રની ઊર્જાનો પ્રવાહ તીવ્ર અને સરેરાશ કરતાં વધુ હોય છે. આજની રાતે ચંદ્રમા પૃથ્વીની સૌથી નીકટ હોય છે અને તેની સોળે કળાઓમાં પરિપૂર્ણ હોય છે. વર્ષભરની પૂર્ણિમાની સરખામણીએ શરદ પૂર્ણિમાનો ચંદ્ર સૌથી વધુ તેજવાન અને ઉર્જાવાન હોય છે. વૈજ્ઞાનિક સંશોધન બતાવે છે કે શરદપૂર્ણિમાની રાત્રે ઔષધિઓની સ્પંદન ક્ષમતા સૌથી અધિક હોય છે. તેથીજ કુશળ આયુર્વેદચાર્યો જીવનદાયીની સંજીવની રુપી ઔષધીને ચંદ્રનું તેજ પીવડાવે છે. ચન્દ્રના તેજમાં પુષ્ટ થયેલી આ જડીબુટ્ટીઓમાંથી બનાવેલા ઔષધોની અસરકારકતા, તેના ગુણમાં અનેકગણો વધારો થાય છે તેમ નિષ્ણાતો કહે છે. આયુર્વેદમાં આ રાત્રિનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શરદપૂર્ણિમાની રાત્રે જ દર્દીને શ્વાસ સંબંધી રોગની દવા આપવાનો રિવાજ છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા ઘણા સંશોધનો દર્શાવે છે કે આપણા મગજમાં રહેલી ’પીનિયલ ગ્રંથિ’ આ ઈલેક્ટ્રો-મેગ્નેટિક એનર્જી પ્રત્યે સંવેદનશીલ છે. ઈલેક્ટ્રો-મેગ્નેટિક એનર્જીની અસરને કારણે પીનિયલ ગ્રંથિમાંથી મેલાટોનિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે, જેના કારણે આ દિવસોમાં ઊંઘ ટૂંકી અને કાચી થઈ જાય છે. બ્રહ્મજ્ઞાની સાધકો અને ભક્તો આ પરિસ્થિતિનો ભરપૂર લાભ અંકે કરે છે. ઉપર કહ્યું તેમ વનસ્પતિની સ્પંદનશક્તિની જેમ જ પ્રાણીમાત્રની સ્પંદનશક્તિ ચંદ્રની કળાઓ સાથે તેજ થાય છે. સજીવ ઉપરાંત પૃથ્વીના દરેક પદાર્થ પર ચંદ્રની કળાની અસર થાય છે એમ કહેવાય છે. પૂર્ણિમાએ દરિયામાં આવતી ભરતી વિશે આપણે સૌ જાણીએ છીએ. વૈજ્ઞાનિક રીતે પણ એ પુરવાર થયું છે કે માનસિક રીતે અસ્થિર લોકોનું ગાંડપણ કે તોફાન પૂર્ણિમાની આસપાસના દિવસો ટોચ પર હોય છે. યોગીઓની એકાગ્રતા પણ આ દિવસોમાં વધુ દ્રઢ બને છે. ચંદ્રની કળાઓની એ અસર છે કે મનુષ્યના સ્વભાવના સ્થાયી ભાવ અથવા મનુષ્ય જે ભાવ સેવે એ ભાવ પૂર્ણિમાના દિવસો દરમ્યાન વધુને વધુ દ્રઢ બને છે. મનુષ્યના ચેતનાના, તેના મૂળ ગુણ -અવગુણમાં અનેકગણો વધારો થાય છે. સમુદ્રના મોજા ચંદ્રની કળાની અસરમાં ઉછળે ઉછળી ઉપર ઉઠે છે એ જ રીતે મનુષ્ય કે કદાચ પ્રાણીમાત્રનાં મૂળ ભાવો આ દિવસોમાં ઉફાન પર હોય છે. એટલે જ આપણાં પુરાણોમાં, શુદ્ધ ભાવો સેવીને અનેક અનુષ્ઠાન કે તપશ્ચર્યા પૂર્ણિમાને દિવસે કરવાનું વિધાન છે. આજના દિવસથી જ શિયાળાની શરૂઆત થાય છે જે વ્યક્તિના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટેની ઉત્તમ ઋતુ કહેવાય છે. આપણા શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમાનો ચંદ્રના પ્રકાશને ચિરકાળ યૌવન તેમજ આત્મબળ પ્રદાન કરનાર ગણાવાયો છે. કહેવાય છે કે લંકાપતિ રાવણ યૌવન અને શારીરિક-માનસિક બળ માટે શરદપૂર્ણિમાના ચંદ્રના પ્રકાશને દર્પણના માધ્યમથી એકત્રિત કરી પોતાની નાભિ પર ગ્રહણ કરતો હતો. ગર્ભવતી સ્ત્રીઓ માટે શરદપૂર્ણિમાના ચંદ્રનું તેજ અતિલાભદાયી છે એવું આપણા પુરાણોમાં કહેવાયું છે શરદપૂર્ણિમાને પંચશ્વેતી ઉત્સવ પણ કહેવાય છે. દૂધ, મિસરી, ચોખા/,પૌઆ વગેરેને ચાંદીના(શક્ય હોય તો) પાત્રમાં સફેદ વસ્ત્ર દ્વારા આવૃત કરીને ચંદ્રના તેજમાં મુકવામાં આવતા વ્યજનોનો ઉત્સવ એટલે પંચશ્વેતી ઉત્સવ. શ્વેત એટલે કે નિર્મળતા કે સત્વિકતાનો ઉત્સવ…આપણામાં રહેલું શ્રેષ્ઠ પરમાત્માના તેજમાં ધરીને અતિશ્રેષ્ઠ તરફની ગતિ એટલે શ્વેત ઉત્સવ. …અનુસંધાન પાના નં.17
વિવિધ પ્રાંતોમાં વિવિધ ઉજવણી
ગ્રામ્યજીવનમાં લણણીકાળનો ઉત્સવ છે. જે ચોમાસાની ઋતુનો અંત અને શિયાળાની ઋતુની શરૂઆત દર્શાવે છે. આ લણણીનો તહેવાર મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ઉજવવામાં આવે છે. વળી આ તહેવાર ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલો છે અને તેથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં, ખાસ કરીને વૃદાવન, બ્રજ, મથુરા અને નાથદ્વારામાં અત્યંત ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આજની રાત્રે ભારતના વિવિધ પ્રદેશોમાં દૂધ અને ચોખાથી નિર્મિત વિવિધ વ્યંજનો ચંદ્રપ્રકાશમાં લાંબા સમય સુધી રાખી તેને ગ્રહણ કરવાની પરંપરા છે. રસરાજ ખીર કે તેને મળતા આવતા વ્યંજનો આજે બને છે. મહારાષ્ટ્રમાં સુકામેવા અને કેસર-ઈલાયચી યુક્ત કઢેલું દૂધ, મધ્ય અને ઉત્તર ભારતમાં દૂધ ચોખાની ખીર તો ગુજરાતમાં દૂધપૌઆનો પ્રસાદ ચંદ્રદેવને ધરવાની અને આરોગવાની પરંપરા છે. દૂધમાં રહેલું લેક્ટિક (અમ્લ)ચંદ્ર પ્રકાશના કિરણોને અધિક માત્રામાં શોષી શકે છે જ્યારે ચોખામાં સ્ટાર્ચ હોવાને કારણ આ પ્રક્રિયા વધુ સરળ, અસરકારક બને છે. શરદપૂર્ણિમાની ઉજવણીમાં દેશના વિવિધ પ્રદેશોમાં વિવિધતા જોવા મળે છે. ગુજરાત તેમજ મણિપુરમાં રાસ અથવા નૃત્ય યોજાય છે. બંગાળમાં આજના દિવસે લક્ષ્મીપૂજન(લખ્ખીપૂજન) નો મહિમા છે તો કોજાગીરી પૂર્ણિમા (શરદપૂર્ણિમા)ના દિવસે મહારાષ્ટ્રમાં દીકરીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે, આમ, કોજાગીરી એ સ્ત્રીના સન્માન, સામર્થ્ય અને ગરિમાના સ્વીકારનો ઉત્સવ પણ છે. ઓડિશાના અમુક, સમૂહમાં આજે સૂર્ય-ચંદ્ર તેમજ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અહીં શરદપૂર્ણિમાને કુમારપૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને ભગવાન કાર્તિકેય જેવા, યુવાશ્રેષ્ઠ વરની પ્રાપ્તિ માટે ક્ધયાઓ કાર્તિકેયની,(કુમારની) પૂજા કરે છે. વ્રજમાં આજે બાંકેબિહારીના ઓચ્છવ ઉજવાય છે જ્યાં વર્ષ દરમ્યાન આ એક જ દિવસ એવો છે કે આજે વ્રજવિહારી કૃષ્ણ વાંસળી ધારણ કરે છે. ઉત્તર પ્રદેશ,મધ્યપ્રદેશ, તેમજ બુંદેલખંડના વિસ્તારોમાં ટેસુ- ઝાંઝીના લગ્ન ઉજવવાની પરંપરા છે, જેના મૂળમાં મહાભારત કાલીન દંતકથા છે. કહેવાય છે કે ઘટોત્કચના એક પુત્ર બર્બરિકનું દાદા ભીમના હાથે જ, કૃષ્ણના સુદર્શન ચક્ર વડે મૃત્યુ થાય છે. ત્યારબાદ ભીમને ખબર પડે છે કે આ તો મારો જ પૌત્ર છે. પછી કૃષ્ણ એમની વિદ્યા વડે બર્બરિકને ફરી સજીવન કરે છે. આ બર્બરિક જ અહીં લોકબોલીમાં ટેસુ તરીકે ઓળખાય છે. કૃષ્ણએ બર્બરિકને આપેલું વચન, કે તારા લગ્ન થયાં પછી જ બીજા લોકોના વિવાહ સંપન્ન થશે, એ મુજબ ટેસુના પ્રેયસી ઝાંઝી સાથેના લગ્નના ઉત્સવની પરંપરા ઉપરોકત પ્રદેશોમાં છે. ટૂંકમાં, ચન્દ્રના પ્રકાશમાં સાંગોપાંગ ન્હાઈને ઉજ્જ્વલિત, ચંદ્ર કિરણોની શ્વેત રૂપેરી જ્યોત્સનમાં ચમકંતી, લાવણ્યમયી લલના જેવી કે પ્રખર યોગીનીના સાત્વિક તેજના ધુઆધાર રૂપેરી ધોધ સમ શરદપૂર્ણિમાની રાત યોગીઓ જ્ઞાન ઉપાસનાની, સાધકો માટે સાધનાની, ભક્તો માટે ભક્તિની, લક્ષ્મીના સેવકો માટે લક્ષ્મીની આરાધનાની અને પ્રેમીઓ માટે પ્રેમાભિવ્યક્તિમાં રમમાણ થવાની… વિવિધ રસથી યુક્ત રસમયી’ રાત છે. રસ પીવા અને પીવડાવવાની, રસદાનની રાત છે.