વેલકમ ટુ 2026
આપણે જ્યારે ‘છોડવું’ શબ્દ સાંભળીયે ત્યારે મનમાં ખોટ, એકલતા અને ખાલીપણાની છબી ઊભી થાય છે.
જીવનમાં બધુજ છોડવું એટલે ખાલી થવું એમ નથી, હળવું થવું છે. આ હળવાશમાં જ નવા જીવનની શરૂઆત છુપાયેલી છે. હા! છૂટે છે તે કેટલું મહત્વનું છે એ આધારે એનાં સુખ દુખની તીવ્રતા અનુભવી શકાય છે. છતાં છોડવું તો અંતમાં દરેકને પડે જ છે..
આ છોડવાની વાત ઉપર સર્પ અને તેની કાંચળી યાદ આવે છે… તે સમયાંતરે પોતાની જૂની કાંચળી છોડે છે, કારણ કે તેને ખબર હોય છે કે હવે એ કાંચળી તેના વિકાસમાં અવરોધ બની ગઈ છે. એ છોડતી વેળાએ તેને કોઈ લાગણી, મમતા કે અહંકાર નથી હોતો. માત્ર સ્વીકાર અને વિરક્ત ભાવ.
યોગીની માફક, કોઈ સંકોચ વિના અને કોઈ અફસોસ વગર, સર્પ જૂની કાંચળી ને વિદાય આપે છે અને નવેસરથી જીવનને સ્વીકારે છે. છોડ્યા પછી તે પાછું વળીને જોતો નથી ના તો તેનું દુખ કરે છે. એ આગળ વધે છે, શાંત રીતે, સ્વાભાવિક રીતે.
માનવી પણ જો આવું શીખી શકે તો વિરક્તિ ભાવ સાથે આગળ વધી શકે છે. અધકચરા અને દુ:ખદાયક સંબંધોથી મૌનપૂર્વક, શાંતિથી, કોઈ કડવાશ રાખ્યા વગર અલગ થઈ શકે તો જીવન કેટલું હળવું બની જાય! કારણ કે તકલીફ આપતા સંબંધોને પકડી રાખવા ભાર છે, જ્યારે તેને છોડી દેવામાં મુક્તિ છે.
સર્પ આપણને યાદ અપાવે છે કે વિકાસ માટે ક્યારેક છોડવું જરૂરી છે.
- Advertisement -
સમય આવે ત્યારે
એ પોતાની જૂની કાંચળી છોડે છે..
ન કોઈ ફરિયાદ, ન કોઈ અફસોસ,
ન કોઈ પાછળ વળીને જોવાનું દુ:ખ.
જે ક્યારેક તેની રક્ષા કરતી હતી,
એ જ જ્યારે વિકાસમાં અવરોધ બને,
ત્યારે સર્પ એને મૌનપૂર્વક ઉતારી દે છે.
એમાં લાગણી નથી, પણ સમજ છે.
એમાં વિરક્તિ નથી, પણ સ્વીકાર છે.
- Advertisement -
યોગીની માફક એ જાણે છે,
પકડી રાખવું સુરક્ષા નથી, છોડી દેવું એ મુક્તિ છે.
જીવન ભારે બને છે પકડી રાખવાથી,
અને હળવું બને છે,છોડી દેવાથી.
સર્પ આપણને યાદ અપાવે છે-
જૂનું છોડવું એટલે ખાલી થવું નહીં,
એ તો નવા જીવન માટે જગ્યા બનાવવી છે.
પ્રકૃતિ ક્યારેય સુકાઈ ગયેલું કે મરી પરવારેલું સ્વીકારતી નથી. વૃક્ષ જૂનાં પાંદડાં ખેરવી નાખે છે. અને એજ પછી સમય આવતા નવી કૂંપળ ફૂટવાની તૈયારીમાં લાગી જાય છે. નદી પોતાનો જૂનો વળાંક છોડે છે ત્યારે તે અટકતી નથી, વધુ વેગથી આગળ માર્ગ શોધી આગળ વધે છે. મૃત શરીરને માટી પોતાનામાં ભેળવી એકાકાર કરી મૂકે છે. એજ માટી માંથી નવા નવા અંકુર નીકળે છે. સર્પ પોતાની કાંચળી છોડે છે, એ નબળાઈનું નહીં પરંતુ વિકાસનું પ્રતીક છે. પ્રકૃતિ આપણને સતત શીખવે છે કે જૂનું છોડવું એટલે સમાપ્ત થવું નહીં, પણ વિસ્તૃત થવું.
માનવીના જીવનમાં પણ આવું જ છે. આપણે ઘણા જૂના વિચારો, માન્યતાઓ અને અનુભવોને પકડીને બેઠા હોઈએ છીએ. કેટલાંક વિચારો સમય સાથે બેસી ગયા હોય છે, તો કેટલાંક ઘાવ સ્વરૂપે મનમાં ચોંટેલા રહે છે. જ્યારે એ બધું છોડવાની, ભૂલવાની હિંમત કરીએ ત્યારે મન હળવું થાય છે. એ હળવાશમાં નવી સમજણ જન્મે છે, નવી દૃષ્ટિ વિકસે છે અને જીવનને જોવાની નવી દિશા મળે છે.
સંબંધોમાં પણ આ સત્ય એટલું જ લાગુ પડે છે. દરેક સંબંધ જીવનભર જાળવવો જ જોઈએ એવું નથી. કેટલાંક સંબંધો સમયની જરૂરિયાત પૂરી કર્યા પછી માત્ર સ્મૃતિ બની રહેવા યોગ્ય હોય છે. આવા સંબંધોને છોડવું એટલે પ્રેમનો ઇનકાર કરવો નહીં પણ માનસિક ભાર ઓછો કરવો ગણાય. કોઈ પણ સંબંધોને કડવાશ ઠી તોડવાને બદલે સુખદ યાદ સાથે સ્થગિત કરી દેવા જોઈએ. સમયનાં મોડ ઉપર ક્યારેક ભટકાઈ જવાય તો એક સ્માઇલ, અને કેમ છો અંતરને ફરી હળવાશ આપી શકે.
પરંતુ પ્રેમને બળજબરીથી બાંધી ન રાખવો. જ્યારે આપણને ભારરૂપ,કે દુ:ખદાયક લાગતાં અથવા એકતરફી સંબંધો બહુ લાંબા સમય ખેચી રાખેલા હોય તેણે છોડી દેવામાં મઝા છે. બસ એજ જ્યાએ મૂકી આગળ વધી જવું ડહાપણ ગણાય. આમ કરતાં દિલમાં જગ્યા થાય છે. પોતાની શાંતિ માટે અને નવા, સ્વસ્થ સંબંધોને આવકારવા માટે.
જૂનું છોડીએ ત્યારે હાથ ખાલી નથી થતા, હાથ ખુલ્લા થાય છે. બંધ મુઠ્ઠીમાં કશું સમાતું નથી, જ્યારે ખુલ્લા હાથ નવી તક, નવા અનુભવ અને નવી શક્યતાઓ સ્વીકારી શકે છે.
બધુંજ જૂનું છોડી દેવું એવું નથી. પરંતુ વિકાસમાં અવરોધ બને કે દુખ વધારે તેને ભૂલવામાં કશુંજ ખોટું નથી. છોડવું એ અંત નથી, એ નવા જીવન માટે જગ્યા બનાવવાની આ શરૂઆત છે. . જે વ્યક્તિ છોડવાનું શીખી જાય છે, એ ખુશ રહેતા અને જીવનને નવા અર્થ સાથે જીવવાનું શીખી જાય છે.



