- Advertisement -
લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)
પોતાની હાર નિશ્ર્ચિત હોય ત્યારે અંધાધૂંધી ફેલાવીને આપણને ક્ધફ્યુઝ કરી નાખવાનો પ્રયત્ન કરનારાઓને હવે તમે બરાબર માર્ક કરજો
ભારતીય પરંપરા, સનાતન સંસ્કૃતિના આદર્શો આપણી જીવનશૈલી માટે અતિઉત્તમ છે એવી દીવા જેવી સ્પષ્ટ વાત હોવા છતાં તેઓ તમારા દિમાગમાં તમે પરંપરાવાદી, કોમવાદી, દલિત શત્રુ, અસહિષ્ણુ અને મુસ્લિમોના દુશ્મન છો એવા અનેક કીડાઓ ઘુસાડીને તમને વિચારતા કરી મૂકશે કે ક્યાંક મારી ભૂલ તો નથી થતી ને?
- Advertisement -
‘ખાસ-ખબર’ માટે ખાસ લખાઈ રહેલી ‘ઈલેકશન એક્સપ્રેસ’ શ્રેણીના આ સાતમા અને અંતિમ એપિસોડમાં ગુજરાતના રાજકીય પક્ષો- ઉમેદવારો- કાર્યકર્તાઓ અને ગુજરાતના મીડિયા સાથેના ગુજરાતી પ્રજાના સંબંધો વિશે એક સૌથી મોટી વાત કરીને સિરીઝનું સમાપન કરવું છે.
આજે મતદાનનો બીજો તબક્કો છે અને આ લખાણ તમે વાંચતાં હશો ત્યારે મતદાન પૂરું થઈ ચૂક્યું હશે અથવા મતદાનનો સમય પૂરો થવા આવ્યો હશે.
ગુજરાતમાં કોની જીત થશે? આવા સવાલો કરીને સસ્પેન્સ ઊભું કરવા માગતા છાપાં-ટીવી- યુટયુબ ચેનલના તમામ પત્રકારોને ખબર છે કે ભાજપની જીત સો ટકા નિશ્ર્ચિત છે. આમ છતાં એન્ટી ઈન્કમબન્સી અને એવી બધી ભારે ભારે વિગતો વાપરીને કલાકો સુધી ગુજરાતી ટીવી ચેનલો પર ચર્ચાઓ થતી રહે છે- કોણ જીતશે?
આવી ચર્ચા દ્વારા કોંગ્રેસ-આપના નેતા-કાર્યકર્તાઓ મીડિયાની સાથે કુલડીમાં ગોળ ભાંગીને દર્શકોના મગજમાં અવઢવ પેદા કરવા માગે છે કે શું આ વખતે ભાજપ ફરી સત્તા પર આવશે? શું ભાજપનાં વળતાં પાણી છે? શું ભાજપ ખતરામાં છે એટલે મોદી જેવા મોદીએ વારંવાર ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં રખડવું પડે છે?
કોંગ્રેસ-આપ જેવા દેશહિત વિરોધી નીતિઓમાં માનતા રાજકીય પક્ષો તેમજ દરેક એન્ટીમોદી મીડિયાના નાના-મોટા પત્રકારોની એક સૌથી મોટી ખાસિયત આજે ઉઘાડી પાડવી છે. આ છછૂંદરોને જ્યારે ખબર હોય કે બાજી પોતે જીતવાના નથી ત્યારે તેઓ અધૂરી ગેમ હોય ત્યારે જ કેરમનો ઉલાળિયો કરી દે, ચેસબોર્ડનો ઉલાળિયો કરી દે, પત્તાં રમતાં હોય તો બાજી વેરવિખેર કરી નાખે: લો, હવે નક્કી કરો કે કોણ જીતશે.
પોતાની હાર નિશ્ર્ચિત હોય ત્યારે અંધાધૂંધી ફેલાવીને આપણને ક્ધફ્યુઝ કરી નાખવાનો પ્રયત્ન કરનારાઓને હવે તમે બરાબર માર્ક કરજો. ધ્યાન રાખીને નોટિસ કરજો કે પોતાની પાસે જ્યારે કોઈ દલીલ બચી ન હોય, જ્યારે પોતાનાં જુઠ્ઠાણાં પકડાઈ ગયાં હોય, જ્યારે પોતાની પાસે ભાથામાં એક પણ તીર બચ્યું ન હોય ત્યારે આ લોકો ગૌરવભેર પોતાની હાર સ્વીકારી લેવાને બદલે, શરણાગતિ સ્વીકારી લેવાને બદલે બમણાં ઝનૂનથી ગાંડીઘેલી વાતો, તર્ક વિનાની વાતો શરૂ કરીને ધૂળની એવી ડમરી ઉડાડશે કે આખી ચર્ચા ધૂંધળી થઈ જાય. દર્શકો કંઈ સમજી ન શકે. શુદ્ધ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવીને અરાજકતા વડે, ભાંગફોડિયા નીતિ અપનાવીને દર્શકોને મુંઝવણમાં મૂકી દેવાની નીતિ આ પ્રકારના લોકો માટેનું અંતિમ હથિયાર છે.
ભાજપની જીત સ્પષ્ટ હોય ત્યારે તમારા મગજમાં ભાજપ જીતશે કે નહીં, એવો કીડો ઘુસાડવાનું કામ આ લોકો કરતા હોય છે. ભારતીય પરંપરા, સનાતન સંસ્કૃતિના આદર્શો આપણી જીવનશૈલી માટે અતિઉત્તમ છે એવી દીવા જેવી સ્પષ્ટ વાત હોવા છતાં તેઓ તમારા દિમાગમાં તમે પરંપરાવાદી, કોમવાદી, દલિત શત્રુ, અસહિષ્ણુ અને મુસ્લિમોના દુશ્મન છો એવા અનેક કીડાઓ ઘુસાડીને તમને વિચારતા કરી મૂકશે કે ક્યાંક મારી ભૂલ તો નથી થતી ને? સનાતન ધર્મનો આદર કરવાની જીદમાં હું દુનિયાની દ્રષ્ટિએ પછાત ગણાઈને ફેંકાઈ જઈશ તો?
આવી અંધાધૂંધી ફેલાવીને આપણને દિશાહીન કરવાના પ્રયત્નો આ લેફટિસ્ટ, સેક્યુલર ગેંગ દાયકાઓથી કરતી આવી છે અને આજની તારીખેય જેઓ હજુ ગઈકાલ સુધી બોટલ પરની ટોટી ચૂસીને દૂધ પીતા હતા એવા પત્રકારો, જેઓ હજુય બાળોતિયું (માનો કિ ડાયપર) પહેરીને હાથમાં માઈક- કેમેરા લઈને રિપોર્ટિંગ કે વિશ્ર્લેષણ કરે છે, જેઓ હજુય ડયુટી પૂરી કરીને ઘરે ઘોડિયામાં ઘુસીને સૂઈ જાય તો જ ઊંઘ આવે એવી ઉંમરના છે, તેઓ પોતાને ‘લિબરલ’ ‘ઉદારમતવાદી’ અને ‘તટસ્થ’ તથા ‘નીરપેક્ષ’ ગણાવીને સમાજમાં, રાજ્યમાં, દેશમાં અંધાધુંધી ફેલાવવાનું, અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
આ લોકો બહારથી નથી આવ્યા ગુજરાતમાં, તેઓ ગુજરાતના જ છે, ગુજરાતમાં જન્મ્યા-ઉછર્યા છે. બહારથી ગુજરાતને રગદોળવા આવી પહોંચતા મીડિયાવાળાઓ તો પાછા જુદા છે. ગુજરાતના અને ગુજરાત બહારના- આ બંને પ્રકારના મીડિયાવાળાઓએ ફેબ્રુઆરી-2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી ફાટી નીકળેલાં રમખાણોના જમાનાથી જે ગુનાખોરી આચરવાનું શરૂ કર્યું છે તે વીસ
વરસ પછી પણ આ ક્રિમિનલોની કામગીરી અટકી નથી.
ગુજરાતીઓ માટે અને સમગ્ર હિન્દુ પ્રજામાં પોતાની અંદર ધિક્કાર લઈને ફરનારા દિગ્વિજયસિંહ જેવા રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા અરાજકતાવાદીઓ આજે ગુજરાતને અને ગુજરાતીઓને જેટલા બદનામ કરે છે એના કરતાં અનેકગણાં જોરશોરથી 8મી ડિસેમ્બર પછી પોતાની ભાંગફોડિયા પ્રવૃત્તિ આગળ વધારશે
આનું લેટેસ્ટ ઉદાહરણ ‘આઉટલુક’ નામના અંગ્રેજી મેગેઝિનનું છે જે શરૂ થયું ત્યારે એનો દબદબો હતો પણ આજે અઢી દાયકા પછી ‘આઉટલુક’નું મૂલ્ય પસ્તી જેટલું પણ નથી. આ થર્ડ ક્લાસ સામયિકના લેટેસ્ટ અંકમાં આશુતોષ ભારદ્વાજ નામના કોઈ પેટના બળેલા લખનારાએ એક લાંબોલચક લેખ લખીને મોદી-ભાજપને ટાર્ગેટ કરવાના આશયથી ગુજરાતની અને વિશેષ કરીને ગુજરાતીઓની એવી બદબોઈ કરી છે, એવી બદબોઈ કરી છે કે તમારું લોહી ઉકળી ઉઠે. આવું કરનારાઓમાં આ આશુતોષ જે હોય તે પહેલો નથી. તમને યાદ હોય તો 2002નાં ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીના રમખાણોમાં ગુજરાતની, ગુજરાતીઓની ભરપૂર બદબોઈ કરીને બરખા દત્ત નામની એક હીરોઈન ગોધરા રિપોર્ટિંગ કરવા પહોંચી ત્યારે લોકો એને મારવા દોડેલા અને હીરોઈનને ઊભી પૂંછડીએ ભાગવું પડેલું. રાજદીપ સરદેસાઈ નામના દલાલને તો દેશમાં જ નહીં ઈન્ટરનેશનલ સ્તરે બેઈજ્જત થવાનું ગૌરવ મળ્યું છે- ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્કવેર કે એવી કોઈ જગ્યાએ ત્યાં રહેતા ઈન્ડિયનોએ કપડાં ધુએ એ રીતે આ દલાલને ધોઈ નાખેલો અને એણે બેઉ હાથે માથું પકડીને ત્યાંથી નાસી જવું પડેલું.
આશુતોષ નામનું સાપોલિયું બરખા-રાજદીપનો વારસો સાચવવા માગે અને ભવિષ્યમાં પોતાની પણ આવી જ રીતે બેઈજ્જતી થાય તો પોતે પણ વિક્ટિમ કાર્ડ પ્લે કરીને કોઈક બેટર જગ્યાએ ગોઠવાઈ જાય એવી મહેચ્છા રાખે એ સ્વાભાવિક છે પણ અસ્વભાવિક એ છે કે આશુતોષના આ લાંબા- ત્રાસજનક લેખ માટે ઈન્ટરવ્યુ આપીને હેમંત શાહ જેવા પલટીમારુ ક્ધિનાખોર સેક્યુલરવાદી અને ઉર્વીશ કોઠારી જેવા મોદી-દ્વેષી તથા હિન્દુદ્વેષી જેવા બીજા કેટલાય ગુજરાતીઓ આ નાપાક કાર્યમાં હાથ બટાવી રહ્યા છે. ધિક્કાર છે.
આશુતોષ જેમને પાયલાગણ કરીને લેખનો આરંભ કરે છે તે દિગ્વિજય સિંહના તાજેતરના ટ્વિટના શબ્દો વાંચશો તો તમને ખબર પડી જશે કે જે માણસનો આરાધ્યદાનવ દિગ્વિજય સિંહ જેવો કમીનો કોંગ્રેસી હોય એ માણસ લેખમાં આગળ જતાં હે.શા. અને ઉ.કો. જેવા ગુજરાતીઓને ક્વોટ કરી-કરીને ગુજરાતીઓને કઈ હદ સુધી નીચા ઉતારીને પોતાના લેફટિસ્ટ એજન્ડાને આગળ વધારશે.
દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના એક હિન્દુ સાથીનું નિધન થયું ત્યારે પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલ પરથી શ્રદ્ધાંજલિ આપતાં શું લખ્યું તે જાણો છો? (છેલ્લું વાક્ય ગૌર ફરમાવજો!)
‘કલ ભારત જોડો યાત્રા કે પ્રદેશયાત્રી રાજગઢ જિલ્લા જીરાપુર કે શ્રી માંગીલાલજી શાહ કા દુ:ખદ દેહાંત હો ગયા. વે બહુત હી લોકપ્રિય સમાજસેવી થે ઔર મેરે નિકટ કે મિત્ર થે. મેરે લિયે યહ નિજી ક્ષતિ હુઈ હૈ. અલ્લાહતાલા ઉન્હેં જન્નત અતા ફર્માએ. આમીન.’
ન તો માંગીલાલજી શાહ મુસ્લિમ છે ન દિગ્વિજય સિંહ છતાં આ હિન્દુદ્વેષી કોંગ્રેસી નેતા (જેણે ‘હિન્દુ આતંકવાદ’ની થિયરી દ્વારા દેશને ઊંધે માર્ગે લઈ જવા સ્વામી અસીમાનંદ, કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞાદેવીની ધરપકડ કરાવીને એમને ટોર્ચર કરાવવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી હતી તે કોંગ્રેસી નરાધમ દિગ્વિજય સિંહ) લખે છે: ‘અલ્લા તાલા ઉન્હેં જન્નત અતા ફર્માએ. આમીન.’
ગુજરાતીઓ માટે અને સમગ્ર હિન્દુ પ્રજામાં પોતાની અંદર ધિક્કાર લઈને ફરનારા દિગ્વિજય સિંહ જેવા રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા નિકમ્મા નેતાઓથી માંડીને હેમંત શાહ કે ઉર્વીશ કોઠારી જેવા, જેમને એમની ગલીનું કૂતરુંય ઓળખતું નથી એવા અરાજકતાવાદીઓ સુધીના સૌ કોઈ લેફટિસ્ટ લિબરલો આજે ગુજરાતને અને ગુજરાતીઓને જેટલા બદનામ કરે છે એના કરતાં અનેકગણા જોરશોરથી 8મી ડિસેમ્બર પછી પોતાની ભાંગફોડિયા પ્રવૃત્તિ આગળ વધારશે- જ્યારે ભાજપને 150થી વધુ સીટ મળી ચૂકી હશે.
7 હપ્તાની ‘ઈલેકશન એક્સપ્રેસ’ શ્રેણીનું અહીં સમાપન થાય છે. તમારી પ્રતિક્રિયાની પ્રતીક્ષા સાથે: hisaurabhshah@gmail.com
‘ઈલેક્શન એક્સપ્રેસ’ સિરીઝનો 7મો-અંતિમ લેખ