આત્મહત્યા પહેલાં 9 ઑડિયો ક્લિપ, 30 લીગલ નોટિસ
મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસના કથિત આરોપીઓ જ્યારે આગોતરા જામીન લેવા હાઈકોર્ટમાં ગયા ત્યારે જજ્ પણ સ્તબ્ધ બની ગયા હતાં. કદાચ તેમણે તેમની કારકિર્દીમાં આવું વેલપ્લાન્ડ સ્યુસાઈડ જોયું ન હતું. સામાન્ય રીતે લોકો આવેશમાં આવીને અથવા અત્યંત દુ:ખી થઈને આઘાતમાં આત્મહત્યા કરતાં હોય છે. પરંતુ દસ-પંદર દિવસ સુધી તૈયારીઓ કરીને ઑડિયો ક્લિપ તૈયાર કરીને અને નોટિસો તૈયાર કરીને કોઈએ આત્મહત્યા કરી હોય તેવો આ કદાચ પ્રથમ બનાવ હશે. આત્મહત્યા કરતાં પહેલાં મહેન્દ્ર ફળદુએ ઓછામાં ઓછી નવ ઑડિયો ક્લિપ અલગ-અલગ લોકોને મોકલી હતી અને મૃત્યુનાં દિવસે જ સવારે ત્રીસ કરતાં વધુ નોટિસો પોસ્ટ કરી હતી. આમાંથી મોટાભાગનાં લોકોએ પોલીસને જવાબ રજૂ કરી દીધાં છે અને એ જવાબ ઉપરથી એવું ચિત્ર ઊભું થાય છે કે, ફળદુએ પોતાનાં લેણદારને દેણદાર બનાવતું ચિત્ર ઊભું કરવાં જ ઑડિયો ક્લિપ્સ અને નોટિસનો ખેલ રચ્યો હતો.
મહેન્દ્ર ફળદુ એક એડવોકેટ હતાં, સક્ષમ વકીલ હતા
કોઈ એમની પાસે આવી રીતે દાદાગીરીથી રૂપિયા પડાવે કે પડાવવાનો પ્રયત્ન કરે-એ વાતમાં માલ નથી
ઉદાહરણ તરીકે તેમણે એક ઑડિયો ક્લિપ હિતેશભાઈ શાહ અને કૌશલભાઈ શાહનાં વ્હોટ્સએપમાં મોકલી હતી. જેનું ટૂંકુ લખાણ નીચે મુજબ છે:
- Advertisement -
‘હિતેશભાઈ શાહ, કૌશલભાઈ શાહ આપને મારી ખાસ વિનંતી છે કે મેં બે બંગલાનું બુકિંગ આપેલું અને એ બુકિંગ તમે કેન્સલ કરાવેલું અને તે કેન્સલ કરાવ્યા બદલ તમારા જે કંઈ અમારી કંપનીમાં જમા હતા તે 1 કરોડ 37 લાખ રૂપિયા મેં તમને ચેક અને આરટીજીએસથી ચૂકવી આપેલ છે. આ અન્વયેનો તમામ રેકોર્ડ, એડવોકેટના પત્ર વ્યવહારો નોટીસ પત્ર વ્યવહારોથી આપ સારી રીતે માહિતગાર છો તે બાબતે વિશેષ કંઈ બોલવાને બદલે હું આપને એક વિનંતી કરું છું કે તેમ છતાં તમે મારી પાસેથી આટલા પૈસા લઈને ન્યુઝ પેપરની અંદર મારા પ્રોજેક્ટને બદનામ કરવા માટે, મને બ્લેકમેલ કરવા માટે અને મારી પાસેથી વધુ પૈસા પડાવવા માટેના જે કૃત્યો તમે શરૂ કરેલા છે અગાઉ પણ તમે પોલીસ ફરિયાદ કરેલી પછી પણ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપો છો અને તમારા પ્રતિનિધિઓ માણસો થકી સાઈટ ઉપર ઓફિસે અને ઘરે આવી અને જે અવ્યવહારુ વર્તન વ્યવહાર કરવામાં આવે છે ગુંડાગીરી જેવું વર્તન વ્યવહાર આપના તરફથી કરવામાં આવે છે. આપનો એક ને એક માત્ર ઈરાદો છે કે ભાઈ ગમે એમ કરીને અમારી પાસેથી વધુમાં વધુ પૈસા મેળવવા કારણ કે આપ એ બે બંગલા બુક કરાવેલા છે મારો 100 બંગલાનો પ્રોજેક્ટ છે તો 100 બંગલાના પ્રોજેક્ટને બદનામ કરવાના આપ પ્રયત્નો કરી રહ્યા છો અને એવા સમયે કરી રહ્યા છો કે તમે એમની રકમ 1 કરોડ 37 લાખ રૂપિયા મારી પાસેથી મેળવી લીધેલ છે અને એ પણ ચેક અને આરટીજીએસથી મેળવી લીધેલ છે એટલે કે પરત આપવા બદલની કોઈ તકરાર નથી પરંતુ માત્ર ને માત્ર મને હેરાન પરેશાન કરી અને તમે પૈસા બનવા માટેના પૈસા પાડવા માટેના બ્લેકમેલ કરવા માટેના કૃત્ય કરી રહ્યા છો. આપના સતત અને સતત ગેરકાયદેસર કૃત્યના કારણે ત્રાસના કારણે મને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે.
એક તો કોવિડના કારણે અને અત્યારે ધંધામાં થોડીક મંદીના કારણે હું આર્થિક રીતે તો મુશ્કેલીમાં છું જ તેમ છતાં મેં તમને 1 કરોડ 37 લાખ રૂપિયા ચૂકવ્યા છે. કોવિડના સમયમાં ચૂકવ્યા છે તો આવા તમામ સંજોગો આપ સારી રીતે જાણતા હોવા છતાં મને જે રીતે તમે બ્લેકમેલ કરી રહ્યા છો આપના આવા કૃત્યના કારણે હું થાકી ગયો છું, ત્રાસી ગયો છું અને આપના આવા કૃત્યોના કારણે મને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આપે છાપામાં જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવાથી મેં જેમને બંગલા વેચાણ કરેલા છે એમના બુકિંગો કેન્સલ થઈ રહ્યા છે. આપના આવા કૃત્યોના કારણે મારે રિકવરી અટકી ગયેલ છે. બંગલા ઓનરો પૈસા આપતા નથી અને નવું બુકિંગ આપના જાહેર નોટીસના કારણે મળતું નથી એટલે હું આપના વર્તન વ્યવહાર બ્લેકમેલ કરવાના સિદ્ધાંતો અને જાહેર નોટીસના કારણે મારી એકદમ પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલ છે. અત્યારે શારીરિક, માનસિક અને આર્થિક હું ખૂબ જ સહન કરી રહ્યો છું અને તેના માટે જો કોઈ જવાબદાર હોય તો તમે હિતેશભાઈ અને તમે કૌશલ હિતેશભાઈ જ છો.’
ઉપરોક્ત ક્લિપ સાંભળી ને કે લખાણ વાંચીને એમ જ થાય કે, હિતેશ શાહ અને કૌશલ શાહ જાણે ફળદુની પાછળ પડી ગયા હતા અને તેમનાં સાટાખત-દાગીના-દસ્તાવેજ સંઘરીને બેઠાં હતાં. જ્યારે વાસ્તવિકતા અલગ છે.
સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હિતેશભાઈ શાહ અને કૌશલભાઈ શાહએ બાયબેકની શરતે બંગલા ખરીદ્યા હતા. તેમાં વ્હાઈટનાં પૈસા બેશક તેમણે પરત કર્યા હતા, પરંતુ ‘ઑન’ની રકમનો ઉલ્લેખ તો ચોપડે પણ ન હોય અને તેની એન્ટ્રી ન હોય. આ કારણે હિતેશભાઈ શાહ વગેરે સતત ઉઘરાણી કરી રહ્યાં હતાં.
- Advertisement -
મહેન્દ્ર ફળદુ એક એડવોકેટ હતાં, સક્ષમ વકીલ હતા. કોઈ એમની પાસે આવી રીતે દાદાગીરીથી રૂપિયા પડાવે કે પડાવવાનો પ્રયત્ન કરે-એ વાતમાં માલ નથી. તેમણે સુનિયોજીત આત્મહત્યા કરી છે. બનાવ દુ:ખદ જ છે. પણ પોતાનાં પરિવારનાં ભલા માટે અન્ય પરિવારોને વગર વાંકે ફસાવતા જવું એ એનાં કરતાં પણ વધુ દુ:ખદ અને આંચકાજનક છે.