રેખા પટેલ
આજકાલ શ્રેષ્ઠ સાહિત્ય કોને કહેવાય? કોને વધુ મહત્વ મળવું જોઈએ કોના પદચિન્હો ઉપર ચાલીને આગળ વધવું જોઈએ! આ બધું જ્ઞાન સોશ્યલ મીડિયા ઉપર વહેચાય છે ત્યારે પ્રશ્ર્ન ઉઠે કે આવું સાહિત્ય કોને કહેવાય?
- Advertisement -
સાહિત્યની સાચી શક્તિ, સમાજને બદલવાની ક્ષમતા ઘરાવે છે, લોકમાનસને વિચારોને ફેરવી શકે છે. એમાં લખાએલા અનુભવો, લખાણોને આધારે જીવન જીવવાની રીત, મૂલ્યો, સંઘર્ષ, સાહસ, પ્રેમ બધુજ સમજાવી શકાય છે. સાચું સાહિત્ય કાગળ પર નહિ પરંતુ હૃદયોમાં જીવતું
હોય છે.”
સાહિત્યને કોઈ એક વ્યાખ્યામાં બાંધી દેવું મુશ્કેલ છે. સાહિત્યના મૂલ્ય માત્ર સરળતા કે જટિલતા પર આધારિત નથી. સરળ સાહિત્ય સમજવવામાં સહેલું પડે છે જે હૃદયને તરત સ્પર્શી લે છે. જે ભાષા અને ભાવ અલંકારીક શબ્દોના લટકણ વિનાના સીધા હોય છે. જે સામાન્ય વાંચકને તરત સ્પર્શી જાય છે. વાંચકને તાત્કાલિક પ્રેરણા આપે છે. માર્ગ ચીંધે છે.
દાખલા તરીકે કબીરનાં દોહા, ઝવેરચંદ મેઘાણીની કાવ્યો-કથાઓ, ગાંધીજીની આત્મકથા વગેરે સાહિત્ય અલગ પ્રકારના છે જેને સામાન્ય લોકો સમજી શકે છે, જે મદદરૂપ પણ થઈ શકે છે. આજ કારણે લાંબો સમય જીવંત રહે છે.
જટિલ સાહિત્ય બુદ્ધિને પડકાર આપે છે, સમજણને વધુ ઊંડાણમાં લઈ જવા પ્રેરે છે. સાહિત્ય જેને સમજવા અભ્યાસ અને મહેનત જોઈએ, જેને સમજવા સમજણ જોઈએ, જ્ઞાન જોઈએ તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય ગણાય છે છતાં માત્ર આજ પ્રકાર સાચો છે તેમ ના કહી શકાય. આવું વાંચન પ્રથમ દ્રષ્ટીએ સરળતાથી સમજાતું નથી. અહી તત્ત્વજ્ઞાન, પ્રતીકો, અલંકારો, ઇતિહાસ, સંસ્કૃતિ અને મનોચિકિત્સા જોડાયેલી હોય. ઉદાહરણમાં કાલિદાસનું શાકુંતલમ કે ઉમાશંકર જોશીની કૃતિઓ. જેમાં ભાષા, પ્રતીકો કે વિચારો તરત સમજાતા નથી. છતાં વારંવાર વાંચવાથી નવો અનુભવ મળે છે, પહેલાં કરતાં જુદા અર્થો ખુલે છે.
સાહિત્યની સાચી શક્તિ માત્ર પાનાંઓની લંબાઈ અને જાડાઈ સમાતી નથી. કોઈ એક નામ વ્યક્તિના લખાણ કે વિચારો પુરતી સીમિત નથી. મહાન લેખક કે કવિ જે સમજાવી નથી શકતું એ કોઈ ગાયો ચરાવનાર કે કોઈ સામાન્ય રાહગીર પણ જીવંત બનાવી દેતો હોય છે. ટૂંકમાં જનમાનસમાં ઉતરીને જીવંત બની જાય, લોકોની ભાષામાં, સ્મૃતિમાં, ગીત-કથાઓમાં વાર્તાઓમાં જીવતું રહે એજ સાચું સાહિત્ય છે.
સાહિત્ય એ દર્પણ નથી, પણ એક દરવાજો છે. અને શ્રેષ્ઠ સાહિત્ય એ છે જે વાંચકના વિચારોને સાચી દિશામાં બદલે છે, અથવા તેને એ તરફ વધવા પ્રેરે છે. ક્યારેક તરત હૃદયને સ્પર્શે, તો ક્યારેક ધીમે ધીમે વિચાર-દૃષ્ટિ બદલી દે.
સાહિત્ય માનવજાતની સંવેદનાઓ, કલ્પનાઓ અને વિચારોનું પ્રતિબિંબ છે. સાહિત્યના અનેક અલગ પ્રકાર છે. કાવ્યસાહિત્ય જેમાં કવિતા, ગીત, ગીતિકાવ્ય, પદ, ભજન, ગઝલ વગેરે આવે છે. ભાવનાઓને સુંદર શબ્દો અને લયમાં વ્યક્ત કરાય છે. છંદ, લય અને અલંકાર દ્વારા હૃદયને સ્પર્શવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગદ્યસાહિત્ય, જેમાં સીધી અને સરળ ભાષામાં કે અટપટા શબ્દો દ્વારા વિચારો કે ઘટનાઓનું વર્ણન કરાય છે. વાર્તા, નવલકથા,લઘુકથા, નાટક, નિબંધ, આત્મકથા જેવા અનેક પ્રકારો ગધ્યસાહીત્યનો ભાગ છે.
વધારે લોકપ્રિય લોકસાહિત્ય, જે લોકોના જીવનને આધારે તેમના અનુભવોને આધારે અને લોક હિતને માટે રચાએલું સાહિત્ય છે. લોકગીતો, ભજન દુહા, જેવા અનેકવિધ રૂપોમાં આ સાહિત્ય સચવાયું છે. તત્વજ્ઞાન, ચિંતન, જીવન, ઈશ્વર અને સત્ય અસત્ય ઉપર લખાએલા સાહિત્ય સરળ લગતા હોવા છતાં સમજવા અઘરા હોય છે જેમાં ઉદાહરણો અને અનુભવો, કથાઓ ટાંકવામાં આવે તો તે સરળ બની શકે છે.
આવા સાહિત્યને રૂપક કે પ્રતીકોની જરૂર હોતી નથી. આ બધું ના હોવા છતાં ઉચ્ચ બની શકે છે જો તેમાં અંતરમનને સ્પર્શવાની ક્ષમતા હોય. સમાજને અનુરૂપ સલાહ થી લઈને ઈશ્વરને મેળવવા સુધીની સામગ્રી ઠલવાય છે. વિજ્ઞાન, રાજકારણ, સમાજશાસ્ત્ર જેવા વિષયોને પણ આવરી લેવાય છે. આનો હેતુ માનવજાતને નવી દિશા અને જ્ઞાન આપવાનો છે.
ધાર્મિક સાહિત્ય, જ્યાં ધાર્મિક ગ્રંથો, પુરાણો, ઉપનિષદો, વગેરે પોતપોતાના ધર્મને લગતી વાતો, વિચારો અને આસ્થા પ્રમાણે ઈશ્વરનું સાનિધ્ય આવા સાહિત્યમાં રહેલું હોય છે, જે માનવજીવનને નૈતિકતા, અને માર્ગદર્શન આપે છે.
કવિઓ લેખકો તેમના શબ્દો દ્વારા અંધશ્રદ્ધા , શોષણ અને અન્યાય સામે અવાજ ઉઠાવે છે તેને સામાજિક જાગૃતિ ભર્યું સાહિત્ય કહેવાય છે. આવું સાહિત્ય જુવાળ લાવે છે. યુદ્ધ જેવા કપરા સમયમાં જોશ ભારે છે દુ:ખમાં શક્તિ આપે છે. બલિદાનોની ગાથા વર્ણવતું સાહિત્ય વીરરસ થી ભરપુર હોય છે.
સાહિત્યકાર તેની સમાજ અને આવડતના આધારે તેની રચનાઓ રચતો હોય છે. ક્યારેક ભૂલ અને ક્યારે અધૂરા જ્ઞાનને કારણે તેની કૃતિ સંપૂર્ણપણે સાહિત્યનાં માળખામાં ફીટ બેસતી નથી. ત્યારે સમાજ માટે અતિ મહત્વ ઘરાવતા સાહિત્યકારને પણ સમાજના કઠેરામાં ઉભા રહેવું પડે છે. અનેકવિધ પડકારોનો સામનો કરવો પડે છે, વિવેચકો દ્વારા તેના કાર્યોની જાહેરમાં મુલવણી થાય છે. સામાન્ય રીતે વિવેચક વાંચકોને સાહિત્યનો પ્રકાર અને ઉચ્ચતા તરફ આંગળી ચીંધે છે. ગુણ દોષ ઉજાગર કરે છે, સાહિત્યકાર અને વાંચક વચમાં સેતુ
બને છે.
સાચા વિવેચકો દ્વારા લેખકો પોતાના લેખનને વધુ આગળ ઉચ્ચ લઇ જઈ શકે છે. તો સામા પક્ષે અધકચરા જ્ઞાન કે ઘમંડ ભરેલા, પોતાને સાહિત્યના રખેવાળ ગણતા વિવેચકો અવળા માર્ગે પણ દોરે છે. ઉગતા સાહિત્યકારોને પીછહેઠ કરવા મજબુર કરે છે.
વિવેચકનું કાર્ય દીવો બતાવનારનું છે. પોતે ભલે સર્જન કરતો નથી પરંતુ સાહિત્યમાં તેનું મહત્વ છે. આથી કૃતિને બરાબર ન્યાય આપવો તેની ફરજનો ભાગ બની જાય છે.