સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર
વહાલી જિંદગી…
કોઈ ઘટના કે સ્થિતિ પૂર્ણપણે નિર્માણ પામી જાય ત્યારે અલૌકિક રીતે સમગ્ર અસ્તિત્વને આરપાર ભીંજવ્યા કરે છે. જેમ ગુલાબનું ફૂલ પૂર્ણપણે વિકસીને સુગંધથી તરબતર કરી વાતાવરણમાં પોતાનું હોવાપણું સાબિત કરે છે. આ સ્થિતિ – આ સુગંધિતતા એકબીજાના પર્યાયરૂપે જોવાનું અને અનુભવવાનું મને બહુ ગમે છે. મારી ભીતર ઘટેલી પ્રેમઘટના મને સતત તરબતર કરી રહી છે. મારાં વિચારો, મારી અનુભૂતિઓ સઘળું તારી આરપાર આવીને અટકી ગયું છે. સતત એક જ ગીત ગૂંજે છે;
તું નહીં તો કશું નહીં…
હું આંખો બંધ કરીને વિચારું છું કે આપણે બન્ને પંખી બનીને નિર્ભયતાથી પોતીકા આકાશમાં ગતિ કરી, મુક્ત મને જીવી રહ્યા છીએ. સમય થંભી જાય અને કયારેય સૂર્ય અસ્ત જ ના થાય તો આ રીતે મારે આકાશમાં સતત ઊડતા રહેવું છે. તારો સાથ – સહવાસ મારી જીવાદોરી છે.
આપણા સંબંધનું માત્ર એક જ સરનામું છે અને એ સરનામું એકબીજાના હૃદયમાં કોતરાઈ ગયું છે. હું પ્રથમ તો તને વહાલથી નવડાવવા માગું છું. મારી આંખોમાં ગંગાજળની પવિત્રતા છે, મારા હાથમાં વ્હાલાભિષેકની પૂર્ણ શ્રદ્ધા છે. દુનિયાના બીજા બધાં જ વહાલથી મારું વહાલ સવિશેષ એટલા માટે કેમ કે મારાં વહાલ સાથે સમર્પણનો મહાસાગર અવિરત ઘૂઘવી રહયો છે.
મારે તને ઓઢવી છે, તારી હૂંફમાં મારે મારાં શ્વાસની માળા કરવી છે. મનમંદિરના પ્રવેશદ્વાર પર તારા નામનું તોરણ બાંધી મારે શ્રદ્ધાનો સાથિયો પુરવો છે. આપણે બંનેએ પ્રેમના જે બીજ વેર્યાં છે એ બીજનું જતન કરી પ્રેમવૃક્ષનું નિર્માણ કરી એ વૃક્ષની શીતળ છાંયમાં પ્રેમહિંડોળો બાંધી, દુનિયાદારીથી અળગા થઈ, આપણામાં લીન થઈ જવું છે. મારી લાગણીની દોરી તને આપણાં પ્રેમહિંડોળા પર ઝૂલાવવા માટે ધીમે ધીમે પાક્કી થઈ રહી છે… થઈ ગઈ છે… તું મારામાં ઓગળી જા. એકરસ થઈજા. મારાં અસ્તિત્વને ઝીલી તારામાં ઓગાળી દે…
સતત તને ચાહતો તારો જીવ…
(શીર્ષકપંક્તિ :- ભગવતીકુમાર શર્મા)
- Advertisement -