અધ્યાત્મની સાધના કરવા માટે એકાંતનું મહત્ત્વ કેટલું? એવો પ્રશ્ર્ન એક સમૂહ કુટુંબમાં રહેતા જિજ્ઞાસુ મિત્ર પૂછે છે.
મોર્નિંગ મંત્ર
– ડો. શરદ ઠાકર
– ડો. શરદ ઠાકર
મિત્રો, વર્ષો સુધી હું પણ એવું જ માનતો હતો કે અધ્યાત્મની સાધના કરવા માટે એકાંતમાં રહેવું એ આવશ્યક જ નહીં પરંતુ ફરજીયાત છે. પ્રથમ વખત આજથી ત્રણેક વર્ષ પહેલાં માણસાના મારા પરમ મિત્ર તેજસભાઈ દવેના સંપર્કમાં આવ્યો અને એમણે પૂ. બાબાશ્રીની શીખ મને સમજાવી. બાબા હંમેશા કહેતા કે સંસારી મનુષ્યો મોટા ભાગે સંસારથી ત્રાસીને, ભીડ-ભાડથી કંટાળીને, પહાડ, જંગલ કે નદીકિનારે જવા માટે તરસતા હોય છે. પરંતુ તમે એવા પ્રદેશોમાં રહેતા લોકોને પૂછશો તો જાણવા મળશે કે, તે લોકો પર્વત કે અરણ્યપ્રદેશથી કંટાળીને માનવવસ્તીવાળા તળેટીપ્રદેશમાં આવવા માટે તડપે છે. આ તો સામાન્ય વાત થઈ, હવે સાધનાની વાત કરું.
આધ્યાત્મિક સાધના માટે નિર્જન સ્થળ હોય કે ભીડ-ભાડ વાળું સ્થળ હોય, સાધકને પોતાનું નિજી એકાંત શોધતા આવડવું જોઈએ. એકાંત વિશે ઉપનિષદ્ કહે છે :
- Advertisement -
“इत्येकान्तं नित्ययुक्तं
न मठे न वनान्तरे।”
તે મઠને અને વનને એકાંત નથી કહેવાતું પરંતુ જ્યાં આત્મામાં ચિત્તવૃત્તિનો લય થાય છે, તે સ્થાનને અથવા એ સ્થિતિને સાચું એકાંત કહે છે.
એવા ઘણા-બધા સામાન્ય સ્તરના સાધુઓ છે જેઓ હિમાલય, આબુ પર્વત અથવા ગિરનાર પર્વતની ગુફાઓમાં દાયકાઓ સુધી રહ્યા પછી પણ કશું પ્રાપ્ત કરી શક્યા નથી. બધા જ નહીં પણ ઘણા બધા. અને એવાં પણ ઘણા બધા લોકો છે જેમણે સમાજની વચ્ચે રહીને સાક્ષાત્કાર સિદ્ધ કર્યો છે. સંત કબીરે કાપડ વણતા-વણતા જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગોરા કુંભાર માટલા બનાવતા-બનાવતા જ ઈશ્વરને પ્રાપ્ત કરી શક્યા. સેના નાઈ હેરકટિંગ સલૂન ચલાવતા હતા, તેમણે ભગવાનને પોતાની પાસે ત્યાં જ બોલાવી લીધા. સાવતા માળીએ વિઠોબાને કહ્યું કે મને પંઢરપૂર આવવાનો સમય નથી. તમે મારા ખેતરે આવો; અને વિઠોબા પધાર્યા. ભક્ત સ્ત્રી જનાબાઈ તો એક દાસી હતી, તેઓ ક્યારેય ભગવાનના દર્શન કરવા મંદિરમાં ગયા નહિ. પરંતુ ભગવાન પોતે જ જનાબાઈના ઘરે આવીને તેમની સામે, તેમની સાથે ઘંટી ફેરવવા માટે બેસી ગયા. માટે જ હવે હું પણ એવું માનતો થઈ ગયો છું કે સંસારમાં અને તમારા પરિવારમાં રહીને મિત્રો, સ્વજનો, પરિચિતો બધાની વચ્ચે રહીને પણ તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો.