સીમા પોતાની મિટિંગ પૂરી કરીને ઓફિસ કેબિનમાં આવી, ત્યાં જ તેનો ફોન રણક્યો. મોબાઈલ સ્ક્રીન પર ડીયર હબી લખ્યું હતું, તેને ફોન રિસિવ કર્યો. “હાઈ બેબી, કેમ છે, શું કરે છે?, તારી બેબી અત્યારે બહુ ગુસ્સામાં છે, જો આ મિસ્ટર રાવએ પ્રોજેક્ટ પાસ ના કર્યો તો હું આખી ઓફિસને માથે લઈ લઈશ.” તેણીએ ગુસ્સામાં કહ્યું. ” ચિલ ડાઉન, માય હની, ડોન્ટ વરી, તારો પ્રોજેક્ટ પણ સિલેક્ટ થઈ જશે, અને તને પ્રમોશન પણ મળી જશે. તું યાદ રાખીને ક્લિનિક પહોંચી જજે, હું રાહ જોઇશ તારી. ઓકે બેબી.” તેણે શાંત પાડતા કહ્યું. અરે હા, મને તે તો ભુલાઈ જ ગયું, હું યાદ રાખીને આવી જઈશ, હવે મારે કામ છે, હું પછી ફોન કરું. ” તેણીએ ઝડપથી ફોન મૂક્યો અને કોમ્પ્યુટર પર કામ કરવા લાગી.
સાંજે તેણી ઑફિસેથી નીકળીને સીધી ક્લિનિક પહોંચી, ત્યાં રિસેપ્શન પર જ તેણે રાહુલ એટલે કે તેના હસબન્ડને જોયો. તેમને પહેલેથી જ એપોઇટમેન્ટ લીધી હોવાથી, તેઓ તરત જ ગાયનેકોલોજિસ્ટ મિસિસ ગાયત્રીના કેબિનમાં ગયા. પહેલા તો ડોક્ટરે સીમાનું ચેકઅપ કર્યું, અને બધું જ નોર્મલ છે તેમ જણાવ્યું. પણ જેવું રિપોર્ટનું રિઝલ્ટ સાંભળ્યું કે સીમા અને રાહુલ ખુશ થવાની બદલે એકદમ દુ:ખી થઈ ગયા અને સીધા ઘરે આવી ગયા.
- Advertisement -
ઘરે આવીને હાથમાં રિપોર્ટ જોતા જ સીમા સોફા પર બેસીને રડવા લાગી, રાહુલે તરત જ તેની પાસે બેસીને તેને શાંત પાડવા લાગ્યો. સીમાની રિપોર્ટ પોઝિટિવ હતી,એટલે કે તેણી મા બનવાની હતી. એવું નહોતું કે લગ્નનના 3 વર્ષે આ મળેલા ન્યૂઝથી બંને ખુશ નહોતા, પરંતુ બંને અત્યારે બાળકની જવાબદારી ઉપાડી શકે તે માટે તૈયાર નહોતા. સીમાએ રડતા – રડતા રાહુલને કહ્યું,” જો રાહુલ હું આ બાળકને જન્મ આપવા નથી માંગતી, મારે જોબમાં પ્રમોશન જોઈએ છે, જેનાથી આખી લાઇફ સેટ થઈ જશે, હજુ આપણે ફલેટની લોન પણ ભરવાની છે, કારના હપ્તા બાકી છે, કંઈ કેટલું કરવાનું છે, હું જોબ મૂકીને આ બાળક માટે ઘરે બેસી જઈશ તો, તું એકલો કેમ મેનેજ કરીશ, ઉપરથી આ બાળકની ખર્ચ પણ વધુમાં તારી માથે આવશે” રાહુલે તેણીને શાંત પાડી અને પાણી પાયું, પછી તેણીને સમજાવતા કહ્યું, ” જો સીમા, એક મા બનવાનો નિર્ણય હંમેશા એક સ્ત્રીનો હોય છે, હું તારી બધી વાત સાથે સહમત છું, હું પણ આ જવાબદારી માટે તૈયાર નથી, પરંતુ ભગવાને આપણને આ ખુશી સામેથી આપી છે, આપણો કોઈ પ્લાન નહોતો, મારું માનવું છે કે તારે શાંત મને હજુ વિચાર કરવો જોઈએ, પછી અબોર્શનનો નિર્ણય લેવો જોઈએ. ” આ સાંભળીને સીમા એકદમ ચકિત થઈ ગઈ, અને બોલી, ” આ તું કહે છે રાહુલ, તું પાગલ થઈ ગયો છે કે શું? તું શું વિચારે છે કે અબોર્શન માટે હું ખુશ છું, મને પણ દુ:ખ થાય છે, કે મારી અંદરના નવા જીવનને હું મારા હાથે મારી દઈશ.” આટલું બોલતા જ તે ભાંગી પાડી, અને જોરથી રડવા લાગી.
તેણીને શાંત પાડતા રાહુલે કહ્યું,” સોરી બેબી, મારો કહેવાનો અર્થ એ નથી, પણ જ્યારથી આ ન્યૂઝ મળ્યા છે, ત્યારથી મને એક અંદરથી ઈચ્છા છે કે તું અને હું આ જવાબદારીનો ખુશી ખુશી સ્વીકાર કરીએ હું બધું જ સંભાળી લઈશ, અને મેટરનિટી લીવ સુધી તો તું ઓફિસ જઈ જ શકે છે, અને વાત રહી આ લોન ચૂકવવાની તો હું કોઈ સાઈડ બિઝનેસ કરી લઈશ, અને તારી અને બાળકની બંનેની જવાબદારી સારી રીતે સંભાળી લઈશ, તું ચિંતા નહિ કર, આ ખુશી જે આપણા જીવનમાં આવી છે, બસ તું એકવાર વિચાર કરીને હા કહી દે.” તેણે મનાવતા કહ્યું. તેણીએ રાહુલનો હાથ પોતાના પેટ પર રાખતા કહ્યું, ” આવ, આપણે બંને આ નવા જીવનને આવકારીએ.” આ સાંભળતા જ રાહુલ ખુશીથી સીમાના ગળે વળગ્યો.