પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સાફો પહેરી હથિયારોનું પૂજન કર્યું, અશ્ર્વ, શ્ર્વાન, બૂલેટપ્રૂફ અને વજ્ર વાહનની પણ પૂજા કરી
ખાસ-ખબર સંવાદદાતા
આજે દશેરાનાં દિવસે શસ્ત્રપૂજન કરવાનું ખાસ મહત્વ હોય છે. ઠેર-ઠેર શસ્ત્રપૂજનનાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટનાં પોલીસ હેડક્વાર્ટરમાં પણ દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, વિજયાદશમીનાં પાવન પર્વ પર અસત્ય ઉપર સત્યનો વિજય થયો હતો. જેને લઈને આજના દિવસે શસ્ત્રોનું પૂજન કરવાનું ખાસ મહત્વ છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તમામ અધિકારીઓ અને કર્મચારીની હાજરીમાં શહેર પોલીસના તમામ શસ્ત્રોનું પૂજન કરાયું હતું. સમાજમાં રહેલી આસુરી શક્તિઓનો નાશ કરવામાં પોલીસને સફળતા મળે તેવા આશયથી આજે આ શસ્ત્રપૂજન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસનાં આ ખાસ કાર્યક્રમમાં પોલીસ પાસે રહેલા હથિયારો જેવા કે, પિસ્તોલ, રાઇફલ સહિતનાં હથિયારો એકસાથે રાખવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ શસ્ત્રોને તિલક કરી તેની વિધિવત પૂજા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીનાં હસ્તે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.