ખાસ-ખબર સંવાદદાતા
આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય રૂપે વિજયાદશમી પર્વ નિમિત્તે ઠેર ઠેર શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે મોરબીમાં પણ વિજયાદશમી નિમિતે અલગ અલગ સ્થળોએ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં વિજયાદશમી નિમિતે દર વર્ષે ક્ષત્રીય સમાજ દ્વારા બાઈક રેલી તેમજ શક્ત શનાળા ગામ ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિરે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલથી બાઈક, કાર સહિતના કાફલા સાથે રેલી યોજાઈ હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને શક્તિ માતાજીના મંદિર ખાતે પહોચી હતી જ્યાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની હાજરીમાં મોરબી તાલુકા પોલીસ મથક ખાતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પૂજનમાં ડીવાયએસપી, અલગ અલગ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા જયારે દશેરા પર્વના દિવસે મોરબીના ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યાના આચાર્ય પદેથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.