લોકસભામાં વિપક્ષનો હંગામો, ‘નરેન્દર-સરેન્ડર’ના નારા લાગ્યા
ગૃહમાં સ્પીકર વિરુદ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી અને વિપક્ષ પર અનેક આક્ષેપો કર્યા હતા. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમે જ્યારે પણ બોલવા માગીએ છીએ ત્યારે અમને અટકાવવામાં આવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ચર્ચા લોકશાહી અને સ્પીકરની ભૂમિકા વિશે છે. અનેક પ્રસંગોએ મારું નામ લેવામાં આવ્યું, છતાં દરેક વખતે અમને બોલતા રોકવામાં આવ્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘છેલ્લી વાર બોલતી વખતે મેં વડાપ્રધાન દ્વારા કરવામાં આવતા ‘કોમ્પ્રોમાઈઝ’ નો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સદન દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલીવાર વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવ્યા નથી. પીએમ કોમ્પ્રોમાઈઝ્ડ છે.’ રાહુલ ગાંધીના આ નિવેદન પર રવિશંકર પ્રસાદે વળતો પ્રહાર કરતા કહ્યું – ‘નેવર… નેવર (ક્યારેય નહીં). પીએમ મોદીનું ભારત ક્યારેય કોમ્પ્રોમાઈઝ્ડ નહીં હોય. આ લોકોને પાયાની સમજ પણ નથી. સ્પીકરની ચેયરને અનેકવાર ઘેરવામાં આવી, કાગળો ફેંકવામાં આવ્યા, તેમ છતાં તેઓ સ્મિત સાથે કામ કરતા રહ્યા.’ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે ત્રીજો દિવસ છે. લોકસભામાં સ્પીકર વિરુદ્ધ વિપક્ષના અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહને સંબોધિત કરશે.
આજે પણ સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષના અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ મુદ્દે ચર્ચા માટે ગઈકાલે 10 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાંથી મંગળવારે લગભગ 7 કલાક સુધી ચર્ચાઓ થઈ ચૂકી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહને સંબોધિત કરશે. મંગળવારે સત્રના બીજા દિવસે, વિપક્ષી સાંસદોએ ઓમ બિરલા પર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવી અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 50 થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યા બાદ પીઠાસીન અધિકારીએ તેને ગૃહમાં રજૂ કરવાની અને ચર્ચા કરવાની મંજૂરી આપી હતી. ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, બજેટ સત્ર દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીને 20 વાર અટકાવવામાં આવ્યા હતા. તેમને વારંવાર રૂલિંગ બુક બતાવવામાં આવી હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સ્પીકર સરકારના દબાણમાં કામ કરી રહ્યા છે. બીજી તરફ, સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ જણાવ્યું હતું કે ઓમ બિરલા પર લાગેલા આરોપો ખોટા છે. તેઓ નિષ્પક્ષતાથી ગૃહની કાર્યવાહી ચલાવે છે. તેમણે ઉમેર્યું કે, 15મી લોકસભામાં વિપક્ષના નેતા માત્ર 2 વાર બોલ્યા હતા. જ્યારે સત્ર ચાલતું હોય ત્યારે તેઓ વિદેશ જતા રહે છે. વિપક્ષના નેતા પોતાની વાત કહીને ગૃહમાંથી ભાગી જાય છે અને બીજા કોઈની વાત સાંભળતા નથી, અને પછી કહે છે કે મને બોલવા દેવામાં આવતો નથી.



