રામજન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણીનાં ઘૂઘવતાં પૂર ધીમે ધીમે શમી રહ્યાં છે અને તે શમવાં જ જોઇએ. ધર્મનું ગૌરવ ઇચ્છનીય જ છે, પણ ગર્વ ઇચ્છનીય નથી. આપણે કર્તાભાવ ત્યાગીને પુન: સાક્ષીભાવમાં સ્થિર થવાનું છે. આપણું ગંતવ્ય ઇશ્વરપ્રાપ્તિ છે. કાળના અખંડ પ્રવાહમાં આપણે સમયનો એક પવિત્ર ટુકડો જોઇ લીધો, જીવી લીધો અને માણી લીધો. આપણને ઇશ્વરની મહાનતાનું ભા ન થઇ ગયું અને હવે આપણી ક્ષુલ્લકતાનું ભાન પણ થવું જોઇએ. આપણે કંઇ જ નથી, એ સમજવા માટે સવારના વહેલા ઊઠીને અસીમ આકાશને જોઇએ, સૂર્યોદય સમયે પૂર્વાકાશમાં રેલાયેલાં રક્તિમ તેજને જોઇએ, પછી સહેજ તપવા આવેલા સોનેરી તડકાને જોઇએ અને અફાટ ઘૂઘવતા દરિયાને જોઇએ. પછી વિચારીએ કે તલના દાણાથી પણ નાનું અસ્તિત્વ ધરાવતા આપણે કેટલી વિરાટ ઘટનાના સાક્ષી બન્યા છીએ! ઇશ્વર આગળ નતમસ્તક થઇએ અને વિનમ્ર ભાવે અધ્યાત્મના પથ પર આગળ ધપીએ.
આપણે કર્તાભાવ ત્યાગીને પુન: સાક્ષીભાવમાં સ્થિર થવાનું છે
Follow US
Find US on Social Medias