વોર્ડ નં.5નાં મંછાનગરમાં કાદવ-કીચડ ઉભરાયાં: ભૂલકાંઓને સ્કૂલે જવામાં ભારે મુશ્કેલી
ભગવાન જગન્નાથે તો નગરચર્યા કરી પરંતુ શાસકો નગરચર્યા કરે તો વાસ્તવિકતાની ખબર પડે….
- Advertisement -
મનપા સંચાલિત શાળા નં.97 અને આંગણવાડી બહાર નદી જેવડું ખાબોચિયું: જ્યાં મચ્છરો અને માખીનો ઉપદ્રવ
આમાં ક્યાંથી ભણશે ગુજરાત: ભૂલકાં માંદા પડશે તો જવાબદારી કોની?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના શાસકોને માત્ર વિકાસની વાતો કરવામાં જ રસ છે તેવું અહીં જણાઈ રહ્યું છે. સામાકાંઠે આવેલા વોર્ડ નં-5ના મંછાનગરમાં થોડા વરસાદે રાજકોટ મહાનગરપાલિકા તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરી ખુલ્લી પાડી દીધી છે. પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવ અને ચાલી રહેલા વિકાસ કાર્યોના બેફામ ખોદકામને કારણે આ વિસ્તારમાં ઠેર ઠેર કચકાણ, ખાડારાજ અને વરસાદી ગારાનું સામ્રાજ્ય છવાયું છે. જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્થાનિકે કહ્યુ હતું કે, રોડ ખોદીને તંત્ર જતું રહ્યુ છે. રસ્તાના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે અને ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય પેચવર્ક કે ડામરકામ કરવામાં આવ્યું નથી. પરિણામે, શેરીઓમાં ઊંડા ખાડાઓ અને ચરેડા પડી ગયા છે. વરસાદને કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયું છે અને તે ગારા-કિચડથી લથબથ બન્યા છે.
- Advertisement -
ઓરડી કૌભાંડમાં સસ્પેન્ડ વજીબેન ગોલતરના વોર્ડમાં શું આશા રાખવી…?
વોર્ડ નં.5ના કોર્પોરેટર
રસીલાબેન સાકરીયા
વજીબેન ગોલતર (સસ્પેન્ડ)
ડો.હાર્દિક ગોહીલ
દિલીપ લુણાગરીયા
શિયાળો, ઉનાળો અને ચોમાસામાં જ આ જ પરિસ્થિતિ છે: જ્યોત્સનાબેન
સ્થાનિક જ્યોત્સાબેને ખાસ-ખબરને કહ્યું હતું કે, શિયાળો, ઉનાળો અને ચોમાસામાં આ જ પરિસ્થિતિ છે. રસ્તા કરવા માટે ખોદકામ કરીને જતા રહે છે હમણા થોડા દિવસ પહેલા હિટાચી મશીન આવ્યું હતું તે પણ અડધુ કામ કરીને જતુ રહ્યું છે. રસ્તા પર રેતી, કપચી, પત્થરો નાખીને જતા રહ્યા છે.
છેલ્લાં 35 વર્ષથી આ જ પરિસ્થિતિ છે, રાજકોટમાં ક્યાંય કોર્પોરેટરનો પતો નથી ક્યાં ગોતવા જવું: મધુબેન
સ્થાનિક મધુબેને કહ્યું હતું કે, આ મંછાનગરમાં છેલ્લા 35 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. રાજકોટમાં ક્યાંય કોર્પોરેટરનો પતો નથી ક્યાં ગોતવા જવુ. અમુક વખત તો અહીં કાદવ કીચડમાં વાહનો ફસાય જવાની સમસ્યા સર્જાઈ રહી છે. જેને કારણે અકસ્માતની ઘટનાઓ પણ અનેક વખત બને છે, પરંતુ આ સમસ્યા દૂર કરવા માટેનો કોઈપણ પ્રકારનો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવતો નથી.