એક વિદ્વાન ગુરુએ સામે બેઠેલા શિષ્યોને ઉદ્દેશીને કહ્યું, ‘તમારાથી કોઇ એક ઊઠીને બાજુના ઓરડામાં પડેલી લોખંડની નાની પેટી લઇ આવે; એ પેટીમાં પારસમણિ છે.’
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
એક શિષ્યને બાદ કરતાં કોઇ ઊભું થયું નહીં. બધાં સમજી ગયા કે ગુરુ મજાક કરે છે. જો લોખંડની પેટીમાં સાચો પારસમણિ રહેલો હોય તો એ પેટી સોનાની કેમ ન થઇ જાય?’ આવું વિચારીને કોઇ ઊભું થયું નહીં. એક શિષ્ય જેને ગુરુના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી તેને થયું કે ગુરુની વાતમાં અવશ્ય ભેદ રહેલો હોવો જોઇએ. એ જઇને પેટી લઇ આવ્યો. ગુરુની સૂચનાથી એણે પેટીનું ઢાંકણું ઉઘાડ્યું. પેટીની અંદર એક રેશમી વસ્ત્ર પથરાયેલું હતું. એમાં વચ્ચે પારસમણિ જોઇ શકાતો હતો. બધાં શિષ્યો છોભીલા પડી ગયા. ગુરુએ કહ્યું, ‘તમે બધાંએ જોયુંને કે પારસમણિ અંદર હોવા છતાં પેટીની ધાતુ લોખંડમાંથી સુવર્ણમાં કેમ પરિવર્તન પામી નથી? કારણ એ કે વચ્ચે વસ્ત્રનું બારીક આવરણ રહેલું છે. તમારી અંદર પણ અહંકારનું આવરણ રહેલું છે. જે તમને હરિ સુધી પહોંચવા દેતું નથી. બધાની પાસે પ્રભુ નામનો પારસમણિ રહેલો છે પણ અહંકારનું આવરણ નડે છે.
- Advertisement -
’ સ્વામી મુક્તાનંદબાબા કહેતા હતા કે ‘જ્યારે ઇશ્વર પાસે જાવ ત્યારે પગરખાંની સાથે તમારો અહંકાર પણ ઉતારી નાખજો.’
મીરાંબાઇ કહી ગયાં છે: ‘ઘૂંઘટ કે પટ ખોલ તોહે પિયા મિલેંગે.’