“૨૦૨૨ સુધીમાં રાજયના પ્રત્યેક ઘરે પીવાનું પાણી નળ દ્વારા વિતરણ થાય તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ”- પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
- હાલ મળતા વ્યક્તિ દીઠ ૭૦ લીટર સામે યોજના પૂર્ણ થયે ૧૦૦ લીટર પાણી નિયમિત મળશે
- ૨૦૨૨ સુધીમાં રાજયમાં દરેકને ઘરે-ઘર નળ દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવાની યોજનાને ખાસ પ્રાધાન્ય આપી બજેટમાં કરાયેલી વિશેષ જોગવાઇ
- વિંછીયા ખાતે ચીલીંગ પ્લાન્ટ સ્થળે દુધની વિવિધ પ્રોડકટ બનાવવાનો પ્રોજેકટ પણ શરૂ કરાશે
- વિંછીયા ખાતે ૯.૧૫ કરોડના ખર્ચે આઇ.ટી.આઇ. ભવનનું નિમાર્ણ કરી રોજગારી ક્ષેત્રે પણ કામગીરી અગ્રતાના ધારણે શરૂ કરાશે.
રાજકોટ – જસદણ અને વિંછીયા વિસ્તારમાં પીવાના પાણી માટે જીવાદોરી સમાન વિંછીયા – ભડલી જુથ પાણી પુરવઠા યોજનાનું રૂા. ૫૨.૫૨ કરોડના ખર્ચે સુધારણા કામનું ખાતમુહૂર્ત રાજયના પાણી પુવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ માઢુકા ગામે આવેલ ફિલ્ટર હેડ વર્કસ ખાતે કર્યુ હતું.
- Advertisement -
જસદણ-વિંછીયા તાલુકાના ૫૮ અને સાયલા તાલુકાના ૧૦ ગામ મળી કુલ ૬૮ ગામના કુલ ૧,૭૩,૯૬૪ લોકોની વસ્તીનો સમાવેશ ધરાવતી આ પાણી પુરવઠા જુથ યોજના અન્વયે ૨૦૦૧માં વિંછીયા-ભડલી જુથ યોજનાની હયાત પાઇપ લાઇનમાં જુની થઇ જવાને કારણે વારંવાર લીકેજ અને વધતી જતી વસ્તીને ધ્યાને લઇને પીવાના પાણીની વિતરણ વ્યવસ્થામાં થતી પારાવાર મુશ્કેલીને નિવારવા હયાત પાઇપલાઇન સુધારણા સાથે નવી ૩૩ કિ.મી.ની બલ્ક પાઇપલાઇન બીછાવવાના કામને મંજુર કરાઇ છે.
આ પ્રસંગે વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયના તમામ ગામોમાં ઘરે-ઘર સુધી નળ દ્વારા પાણી વિતરણ કરવાની મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ કરવાની સરકારની નેમ છે. તેમ જણાવતાં પાણી પુરવઠા મંત્રી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી પાણી જેવી પ્રાથમિક સુવિધા સાથે શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજય સરકાર કટ્ટીબધ્ધ છે. વિંછીયા – ભડલી ગ્રૃપ સુધારણા યોજના અન્વયે ૩૩ કી.મી.ની ભાંભણ-ઝરીયા-મોઢૂકા-કોટડા હયાત પાઇપલાઇનની સુધારણા ઉપરાંત બીજી બલ્ક પાઇપલાઇન બિછાવવા સાથે આનુષંગીક માળખાકીય સુવિધાઓ અને હિંગોળગઢ સુધી પાઇપલાઇન બિછાવવાનું આયોજન છે. આયોનજ પૂર્ણ થવાથી હાલ મળતા ૭૦ લીટર પ્રતિ વ્યક્તિ પાણી વિતરણને નીયમિત રૂપે ૧૦૦ લીટર પ્રતિ વ્યક્તિ વિતરણ કરી શકાશે. એટલું જ નહીં. આ ઉપરાંત આ વિસ્તારમાં રૂા. ૧૦૦ કરોડના ખર્ચે અન્ય પાણી પુરવઠા યોજના અને ૧૯ કરોડની વાસ્મો આધારીત આંતરીક પાણી વિતરણની યોજનાઓનું કામ પણ પ્રગતિમાં છે.
- Advertisement -
રાજયની પાણી પુરવઠા જુથ યોજના અને વાસ્મો દ્વારા આંતરીક પાણી વિરતણ વ્યવસ્થા અન્વયે ૨૦૨૨ સુધીમાં ઘરે-ઘર પાણી વિતરણના સુદ્રઢ આયોજન વડે પીવાના પાણી માટે ભુતકાળમાં વલખા મારતા આ વિસ્તારનું પીવાના પાણી બાબતે કાયમી નિરાકરણ આવી જશે.
આ ઉપરાંત આ વિસ્તારમાં સુખ ભાદર ડેમ આધારીત યોજના અન્વયે ભાદરકાંઠાના ગામો માટે ખાસ યોજના મંજુર કરાઇ છે. મોઢુકા ગામે રૂા. ૧૬ લાખની આંતરીક પાણી વિતરણ યોજનાની મંજુરી કરાઇ છે. આ વિસ્તારમાં ૧૮થી વધુ ગ્રાંટેડ હાઇસ્કુલની મંજુર કરાઇ છે. જેનું કામ પણ પ્રગતિમાં છે. દરેક ગામે પેટા આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ વેલનેશ સેન્ટર તથા ત્રણ કે વધુ ગામોના જુથ વચ્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું કામ પણ પ્રગતિમાં છે. વિંછીયા ખાતે આવેલ ચીલીંગ પ્લાન્ટમાં દુધની વિવિધ પ્રોડકટ બનાવવાનો પ્રોજેકટ પણ ટુંક સમયમાં શરૂ થનાર છે. જેથી આ વિસ્તારના પશુપાલકોને આવકમાં વધારો થશે. રોજગારી ક્ષેત્રે ૯.૧૫ કરોડના ખર્ચે આઇ.ટી.આઇ. શરુ થનાર છે. ગોંડલાધાર ખાતે માતબર રકમના ખર્ચે ડેમ પણ બનનાર છે. આમ આ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ તકે રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરમા, પ્રાંત અધિકારી વાંદાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સ્વાગત પ્રવચન તાલુકા ભાજપ પ્રમુખ અશ્વીનભાઇ સાંકળીયાએ કરી આવેલા મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યુ હતું.
રાજકોટ ખાતેના પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર ફુંફલે યોજનાની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ યોજના અન્વયે ભાંભણ થી ઝરીયા મોઢુકા થઇ કોટડા સુધીની અદાજે ૩૩ કિે.મીની ૭૦૦ મી.મી. વ્યાસની ડી.આઇ. પાલપલાઇન તથા મોઢુકા થી હિંગોળગઢ સુધીની આશરે ૧૩.૫ કિ.મી.ના ૫૦૦મી.મી..ની ડી.આઇ. પાઇપલાઇન બિછાવાશે. આ ઉપરાંત ૩૦ લાખ લીટર પાણી સંગ્રહ ક્ષમતાનો સમ્પ, તથા પમ્પ હાઉસ બનાવાશે. આ ઉપરાંત ભાંભણ, ઝરીયા અને મોઢુકા હેડ વર્કસ ખાતે વધારાની મીશનરીઓ પણ ઇલેકટ્રીક જોડાણ સાથે બનાવાશે. આમ હાલના પાણી વિતરણ વ્યવસ્થામાં આગામી ત્રણ દાયકાના આયોજન સાથેનો નોંધપાત્ર વધારો કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખોડાભાઇ, જસદણ નગરપાલીકા ઉપ્રપ્રમખુ દીપભાઇ ગીડા, સદસ્ય સોનલબેન, પૂર્વ સદસ્ય કાળુભાઇ તરાવડીયા, તાલુકા વિકાસ અધિકારી મેણીયા, પાણી પુરવઠાના અધિક્ષક ઇજનેર કુંણબી, કાર્યપાલક ઇજનેર જોધાણી, વાસ્મોના કાર્યપાલક ઇજનેર ત્રીવેદી, અગ્રણીઓ હાજાભાઇ, સી.કે. ભડાણીયા, ભરતભાઇ છાંયાણી, અનીલભાઇ મકાણી, નીતીનભાઇ રોજાસરા સહિત આસપાસના ગામના સરપંચો અને પંચાયતના સદસ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.