ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથના ગીર ગઢડા તાલુકાના જુડવડલી ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે મછુન્દ્રી નદી પર જુડવડલી પીકઅપ વીયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કર્યૂ હતું. આ અવસર એ મંત્રી એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સૌની યોજનાના અમલીકરણના કારણે પાણીની સમસ્યાઓ હવે ભૂતકાળ બની છે. પાણીને કારણે ખેતરો હવે હરિયાળા બન્યાં છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.તેમજ ખેડૂતોનું હિત રાજ્ય સરકારના હૈયે વસેલું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા રાજ્યના ખાતેદાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. વધુમાં જણાવતાં કહ્યું હતું કે, દરિયા કિનારાના વિસ્તારોમાં ખારાશને આવતી રોકવા તેમજ મીઠા પાણીના સંગ્રહ કરવા માટે ચેકડેમો,પિકઅપ વિયર યોજના સહિતની યોજનાઓથી દરિયાઈ કાંઠાના વિસ્તાર સમૃધ્ધ બને તે માટે વિવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. દરિયાઈ વિસ્તારમાં મીઠા પાણીને દરિયામાં વહી જતા અટકાવવા માટે સ્પ્રેડિંગ કેનાલનું કાર્ય પણ પ્રગતિમાં છે.તાજેતરમાં જિલ્લામાં પાંચ પિકઅપ વિયર અને 37 નાના મોટા ચેકડેમો સહિતના કામોને પાણી પુરવઠા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમજ જીલ્લાની કામોને અગ્રતા આપીને રૂ.200 કરોડની રકમના કામો મંજૂર કરીને મીઠા પાણીના સંગ્રહ અને દરિયાઈ પાણી રોકવા માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
જુડવડલી પિક-અપ વીયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કરતાં પાણી પુરવઠામંત્રી
