મહિનાનાં અંત સુધીમાં નર્મદાનાં નીર નહીં મળે તો પાણી વિતરણ ખોરવાય શકે છે; સૌની યોજનાનું પાણી ડેમમાં ઠાલવવાની ચેરમેને ખાતરી આપી
રાજકોટની દૈનિક 20 મિનિટ પાણી વિતરણની જરૂરિયાત અને રાજકોટમાં ભળેલા નવા વિસ્તારોની માગને લઇ આજી-1 આ વખતે નવેમ્બરના અંતમાં ડૂકી
જાય તેમ છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં હંમેશાની જેમ સારો વરસાદ થવા છતાં પણ વર્ષના મધ્યમમાં જ જળ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. દીવાળી પુરી થતા જ નવા વર્ષે પાણીની હોળી શરૂ થઇ ગઇ છે. શહેરને પાણી પુરૂ પાડતા મહત્વનાં જળાશયો પૈકી આજી-1 ડેમનું તળિયું દેખાવા લાગ્યું છે. તેમાં પણ મહિનાના અંત સુધી માંડ ચાલે તેટલું પાણી છે. જેને લઈ આ મહિનામાં નર્મદાના નીર નહીં મળે તો પાણી વિતરણ ખોરવાય તેવી શક્યતા છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે આ પહેલા સૌની યોજના મારફત નર્મદાનાં નીર ઠાલવવામાં આવનાર હોવાની ખાતરી આપી છે. મળતી માહિતી અનુસાર મનપા કમિશનર આનંદ પટેલે દોઢેક મહિના પહેલા રાજ્ય સરકારને પત્ર લખી સૌની યોજના હેઠળ નર્મદાનાં 600 ખઈઋઝ નીર આજીડેમમાં ઠાલવવા માંગ કરી હતી. જેમાં 15 નવેમ્બર સુધીમાં પાણી આપવા અપીલ કરી હતી. જોકે આમ છતા હજુ સુધી નર્મદાનું એક ટીપુ પાણી આજીમાં ઠલવાયુ નથી. હજુ પણ જો સમયસર નર્મદા નીર આજી ડેમમાં નહીં ઠલવાય તો શું હાલત થશે એ કલ્પના માત્રથી ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે. હાલ આજીડેમમાં માત્ર 360.87 ખઈઋઝ પાણી છે. શહેરની મુખ્ય જીવાદોરી સમાન આજી ડેમમાં અગાઉ નર્મદા નીર ઠલવવા છતા ડેમ ફરી ડુકવા લાગ્યો છે.
જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે મનપા સતર્ક છે. હાલ આજી ડેમમાં 18.93 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ન્યારી ડેમમાં 21.98 ફૂટ તેમજ ભાદર ડેમમાં 31.70 ફૂટ પાણીની સપાટી ઉપલબ્ધ છે. આજી ડેમમાં 360.87 ખઈઋઝ પાણી અને ન્યારી ડેમમાં હાલમાં 958 ખઈઋઝ પાણી જ્યારે ભાદર ડેમમાં 5561 ખઈઋઝ પાણીનો જથ્થો છે. આજી-1 ડેમમાં ચાલુ મહિનાના અંત સુધીમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવશે. તો ન્યારી-1માં માર્ચ મહિના સુધી અને ભાદર-1માં ઓગષ્ટ સુધી ચાલે તેટલું પાણી હોવાથી લોકોને રાબેતા મુજબ પાણીનું વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટની દૈનિક 20 મિનિટ પાણી વિતરણની જરૂરિયાત અને રાજકોટમાં ભળેલા નવા વિસ્તારોની માગને લઇ આજી-1 આ વખતે નવેમ્બરના અંતમાં ડૂકી જાય તેમ છે. જો નર્મદાના નીર આપવામા નહીં આવે તો પાણી વિતરણ ખોરવાય તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખી સરકાર પાસે 600 એમસીએફટી નર્મદાનાં નીરની માગ અગાઉથી કરવામાં આવી હતી. પણ નવેમ્બર અડધાથી વધુ પૂરો થવા છતાં પાણી નહીં મળતા ભારે ચિંતા જોવા મળી રહી છે. જોકે મહિનાના અંત સુધીમાં નર્મદાના નીર ઠાલવવામાં આવનાર હોવાની ખાતરી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે આપી છે.