રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા કરતાં સંખ્યા 10 ગણી વધુ: ગત નાણા વર્ષમાં 2100 કરોડના 3 લાખ જેટલા ઑનલાઈન ફ્રોડ સર્જાયા: નેશનલ સાઈબર ક્રાઈમ પોર્ટલનો આંકડો ઉમેરાય તો સંખ્યા હજુ વધી શકે
છેલ્લા ત્રણ વર્ષમાં ડિજિટલ વ્યવહારો કરતાં ઑનલાઈન ઠગાઈમાં 4 ગણી વૃધ્ધિ: દર એક લાખમાંથી 3 રૂપિયાની ઠગાઈ: ચોંકાવનારો રીપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ડીજીટલ યુગમાં નાણાંકીય સહિતના ક્ષેત્રોમાં ઑનલાઈન વ્યવહારો વધી રહ્યા છે. સાથોસાથ ડીજીટલ ફ્રોડમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભારતમાં દરરોજ સરેરાશ 800 ડીજીટલ પેમેન્ટ ફ્રોડ થાય છે. રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા કરતાં આ સંખ્યા 10 ગણી છે. રિઝર્વ બેન્કે માત્ર એક લાખથી વધુના ડીજીટલ ફ્રોડનો જ રીપોર્ટ જારી કર્યો છે. રિઝર્વ બેન્કના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ગત નાણાંકીય વર્ષમાં રૂૂા.1457 કરોડની રકમનાં 29082 કાર્ડ-ડીજીટલ ફ્રોડનાં કેસ નોંધાયા હતા. પરંતુ એક લાખથી ઓછી રકમનાં કેસોને પણ ઉમેરવામાં આવે તો આ સંખ્યામાં વધુ 2.7 લાખ કેસનો ઉમેરો થાય છે.ફ્રોડમાં ગુમાવેલી રકમનો આંકડો પણ 653 કરોડ વધે છે.
માહિતી અધિકાર કાયદા હેઠળ રિઝર્વ બેન્કે જારી કરેલી માહીતી પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ડીજીટલ ફ્રોડનાં 5.4 લાખ કેસ નોંધાયા છે.
જે દરરોજના 800 થવા જાય છે. નેશનલ આયકર ક્રાઈમ રીપોર્ટનાં પોર્ટલમાં દાખલ થતાં કેસો ઉમેરવામાં આવે તો આ સંખ્યા હજુ વધી જાય છે. કારણ કે છેતરપીંડીના અનેક કિસ્સાઓને બેન્કીંગ ફ્રોડ તરીકે ગણવામાં આવતા નથી. સંબંધીત વ્યકિતએ સ્વેચ્છાએ થર્ડ પાર્ટીને નાણાં ટ્રાન્સફર કર્યા હોવાથી તે એક ફ્રોડ ગણાતો નથી. ગત ફેબ્રુઆરીનાં ઈલેકટ્રોનિકસ એન્ડ આઈટી મંત્રાલય હેઠળની કમીટીએ કહ્યું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બર 2023 સુધીમાં નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ પર 5574 કરોડની રકમને સાંકળતા ડીજીટલ ફ્રોડનાં કેસ નોંધાયા હતા. ગત વર્ષે અન્ય એક આરટીઆઈ અરજીમાં એવી માહીતી આપવામાં આવી હતી કે જાન્યુઆરી 2022 થી મે 2023 દરમ્યાન પોર્ટલ પર 21 લાખ ફરિયાદો થઈ હતી. બેંકરોના કહેવા પ્રમાણે જુદા જુદા પ્રકારે બેન્કીંગ ફ્રોડ થતા હોય છે.કેટલાંક કિસ્સામાં સાયબર માફિયાઓ સીસ્ટમ હેક કરીને નાણાં ઉસેટી લે છે.
કેટલાંક કિસ્સામાં વ્યકિતને લાલચ આપીને ઠગાઈ આવરે છે.અનેક કિસ્સાઓમાં બનાવટી સાઈટ કે બોગસ સ્કીમ મારફત છેતરપીંડી આચરે છે.
વ્યકિતએ સ્વેચ્છાએ નાણાં ટ્રાન્સફર કર્યા હોય તેમાં બેન્કીંગ ફ્રોડ ગણાતો નથી.પેમેન્ટ કંપની ઈપીએસ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં રીટેઈલ ડીજીટલ પેમેન્ટ વાર્ષિક ધોરણે મુલ્યની દ્રષ્ટિએ 24 ટકા તથા વોલ્યુમનાં ધોરણે 53 ટકાનો વધારો છે તેની સામે ડીજીટલ ફ્રોડ મુલ્યનાં ધોરણે 109 ટકા તથા વોલ્યુમનાં ધોરણે 59 ટકા વધી ગયા છે. સામાન્ય રીતે કાર્ડનો ઉપયોગ કરીને ડીજીટલ પેમેન્ટ થાય ત્યારે ગ્રાહકોની સુરક્ષાની જવાબદારી બેંકોની હોય છે. જયારે ઑનલાઈન ટ્રાન્સફરની સંપૂર્ણ જવાબદારી ગ્રાહકની બને છે. કારણ કે તેમાં બેંકો તો માત્ર થર્ડ પાર્ટી સુવિધા જ આપે છે. અભ્યાસમાં એવો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો કે 2023-24 નાં નાણા વર્ષમાં દર એક લાખે રૂૂા.3 ની ઠગાઈ થતી હતી. 2017 માં રિઝર્વ બેન્કે અનઅધિકૃત વ્યવહારોમાં ગ્રાહકોની જવાબદારી રહેતી ન હોવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક દ્વારા સાયબર માફીયાને કોઈ અંગત માહીતી આપવામાં આવી ન હોય છતા નાણાં ઉપડી જાય તેવા સંજોગોમાં ગ્રાહકની જવાબદારી રહેતી નથી પરંતુ ગ્રાહક ખુદ લોભ લાલચનો શિકાર બનીને સ્વેચ્છાએ નાણાં ટ્રાન્સફર કરે ત્યારે કોઈ સુરક્ષા કવચ મળતુ નથી.
- Advertisement -
ઈન્ડીયન બેન્ક એસોસીએશનનાં ચેરમેન એમ.વી.રાવે તાજેતરમાં એમ ક્હયું હતું કે મોટાભાગનાં ઑનલાઈન ફ્રોડ ગ્રાહકોના લોભ લાલચને કારણે જ થાય છે. બેન્કીંગ ક્ષેત્રની સીસ્ટમ ભેદીને ફ્રોડ થવાનું જવલ્લે જ હોય છે.



