ડીઆઇ પાઇપલાઇન ન નખાતા વર્ષો જૂની પાઇપલાઇનમાં છાશવારે તૂટે છે
કોઠારીયા કોલોની અને માસ્તર સોસાયટીમાં દિવાળી ટાણે અઠવાડિયામાં બીજો પાણી કાપ
ખાસ-ખબર સંવાદદાતા
લોકસાંસદ વિચારમંચના ગજેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોંગ્રેસના મહામંત્રી સરલાબેન પાટડીયા, જસુબા વાંક, પ્રફુલાબેન ચૌહાણની એક સંયુક્ત યાદી જણાવે છે કે શહેરના વોર્ડ નંબર 14 માં માસ્તર સોસાયટી શેરી નંબર 3/7 ના કોર્નર પર આજે વહેલી સવારે ફરી એક વખત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણીનો ધોધ વછૂટતા સોસાયટીની શેરીઓમાં પાણી નદીની માફક વહેતું થયું હતું. અને છેક સોરઠીયાવાડી સુધી પહોંચ્યું હતું. લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. જે તે સમયે જુના વોર્ડ નંબર 15માં ડીઆઇ પાઇપલાઇનનું ટેન્ડર પાસ થઈ જતા વોર્ડ નંબર 15માં પાઇપલાઇન નખાઈ ગઈ હતી.
જ્યારે જુના વોર્ડ નંબર 19માં હાલના વોર્ડ નંબર 14માં આવતા વિસ્તારો કોઠારીયા કોલોની, માસ્તર સોસાયટી, ગોપાલનગર, મીલપરા, વાણીયાવાડી, ગીતાનગર, ગાયત્રીનગર, આનંદ નગર, શ્રમજીવી સોસાયટી, ભક્તિનગર સોસાયટી સહિતના અનેક વિસ્તારો જે હાલ વોર્ડ નંબર 14માં આવે છે.
આ વોર્ડ નંબર 14માં ચાર દાયકાથી વધુ જૂની અને જર્જરિત પાણીની પાઇપલાઇન હોવાને પગલે વખતો વખત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થાય છે. આ ભંગાણ બાદ મરામત કરવામાં આવે છે. થુકના સાંધા જેવી અને આ બિસ્કીટ જેવી પાણીની પાઇપ લાઈનો બદલવા લોકોની પ્રબળ માંગણી છે. હાલ જુના વોર્ડ નંબર 15માં જે હાલ વોર્ડ નંબર 14માં આવે છે તેવા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનમાં ડીઆઇ પાઇપલાઇન નાખી દીધી હોવાને બદલે 90% પાણીની પાઇપલાઇનમાં ભંગાણ નો પ્રશ્ર્ન સોલ્વ થઈ ગયો છે. જ્યારે ઉપરોક્ત વિસ્તારમાં પાણીની પાઇપલાઇન વર્ષો જૂની હોવાને પગલે વખતો વખત તૂટતી હોવાને પગલે લોકોને પાણી કાપ સહન કરવો પડે છે. આજે સવારે વોર્ડ નંબર 14 જુનો વોર્ડ નંબર 19ના કોઠારીયા કોલોનીમાં પાણી સવારે 8:30 કલાકે આવતું પાણી નહીં મળતાં ગજેન્દ્રસિંહ ઝાલાએ વોર્ડના ડેપ્યુટી ઇજનેરને ફોન કરી જાણકારી મેળવી હતી. તેઓએ જણાવ્યું કે આજે માસ્તર સોસાયટી અને કોઠારીયા કોલોનીને પાણી મળશે નહીં કારણકે પાણીની પાઇપલાઇનમાં મોટા પાયે ભંગાણ થયું છે. મરામત ચાલુ છે. પાઇપલાઇન મરામત થઈ જાય પછી પણ પાણી મળવાની શક્યતા ઓછી છે.
એટલે લોકોને આજે અઠવાડિયામાં આ બીજો પાણી કાપ સહન કરવાનો વારો આવ્યો છે. દિવાળી ટાણે જ પાણીના ધાંધિયા તંત્રને આધીન છે. આ વિસ્તારોમાં પાણીની ડીઆઇ પાઇપલાઇન વખતો વખતની રજૂઆતો કરવા છતાં ગ્રાન્ટના અભાવે નાખવામાં આવી નથી એવું જાણવા મળે છે. દંડકને મોટરની સવલતો આપવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા બિનજરૂરી લાખોના ખર્ચા કરવામાં આવે છે પરંતુ વર્ષો જૂની પુરાણી પાઇપલાઇનો બદલીને ડીઆઇ પાઇપ લાઇન નાખવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને પગલે આ વિસ્તારના લોકોને ફરજિયાત પાણી કાપ સહન કરવાનો વારો આવે છે.