ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
તમારે અમેરિકામાં ભણવું છે? તમારો ઈરાદો ખરેખર ત્યાંની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાનો છે? અભ્યાસના બહાને અમેરિકામાં પ્રવેશીને ત્યાં યેનકેન પ્રકારેણ કાયમ રહેવું નથી ને? તો તમે જે વિષયમાં ભણવાની ઈચ્છા ધરાવતા હોવ એ વિષયમાં, અમેરિકાની જે જે યુનિવર્સિટીઓ પંકાયેલી હોય એમાં, પ્રવેશ મેળવવાની અરજી કરો. દર વર્ષે અમેરિકાની થોડીક યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓને એમને ત્યાં ભણવા આવવા માટે આકર્ષવા, ખાસ સેમિનારો અને મેળાઓ આયોજે છે. અમેરિકામાં આજે સેંકડો યુનિવર્સિટીઓ આવેલી છે. એ બધી જ કંઈ ઉચ્ચ કક્ષાની નથી હોતી. એમ કહોને કે અમેરિકાની પચાસ ટકા જેટલી યુનિવર્સિટીઓ તો સાવ સામાન્ય, આપણા ભારતની યુનિવર્સિટીઓ કરતાં પણ નીચલી કક્ષાની હોય છે. એમનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત પૈસા રળવાનો હોય છે, પણ અમેરિકામાં ‘સ્ટેનફર્ડ’, ‘હાર્વર્ડ’ અને અન્ય એવી અનેક યુનિવર્સિટીઓ છે, જ્યાં અપાતું શિક્ષણ ‘વલ્ર્ડ બેસ્ટ’ છે. આથી જે કોઈ પણ ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં ભણવા જવાની ઈચ્છા ધરાવતો હોય એણે ભારતમાં ભરાતા એજ્યુકેશન ફેરમાં જે જાણકારી આપવામાં આવે છે એના ઉપર વધુ પડતો વિશ્ર્વાસ ન મૂકતાં જાતે તપાસ કરીને સારી યુનિવર્સિટી પસંદ કરવી જોઈએ. જો શક્ય હોય તો ભારતીય વિદ્યાર્થીએ ‘બી-1/બી-2’ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને જે વિષયમાં વધુ અભ્યાસ કરવા ઈચ્છતો હોય એ વિષયમાં જે આગળ પડતી દસથી પંદર યુનિવર્સિટીઓ હોય એની મુલાકાત લેવી જોઈએ. ત્યાર બાદ એમાંથી ચાર-પાંચ યુનિવર્સિટીઓ પસંદ કરવી જોઈએ. જો આ શક્ય ન હોય તો ઈન્ટરનેટ ઉપર પણ અમેરિકાની યુનિવર્સિટીઓની માહિતી ઉપલબ્ધ હોય છે. ‘યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ’ આ નામનું એક મેગેઝિન અમેરિકામાંથી પ્રસિદ્ધ થાય છે. આ મેગેઝિન દર વર્ષે અમેરિકાની ‘બેસ્ટ કોલેજીસ’ વિશે જાણકારી આપતો એક ખાસ અંક બહાર પાડે છે. આની અંદર લગભગ બધી જ યુનિવર્સિટીઓ અને બધા જ વિષયોમાં શિક્ષણ આપતી યુનિવર્સિટીઓની માહિતી આપવામાં આવે છે. સેંકડો યુનિવર્સિટીઓમાંથી કઈ યુનિવર્સિટીઓ ખૂબ જ આગળ પડતી છે એ પણ આ મેગેઝિનમાં જણાવવામાં આવે છે. જો ભારતીય વિદ્યાર્થી આ મેગેઝિન મેળવે અને પછી એમાં આપેલી માહિતી જાણીને યુનિવર્સિટીનું સિલેક્શન કરે તો તેઓ ખરેખર યોગ્ય સિલેક્શન કરશે. મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ આજે કમ્પ્યુટર સાયન્સના વિષયમાં શિક્ષણ પ્રાપ્ત કરવા અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે.
- Advertisement -
આમ તો લગભગ કમ્પ્યુટર સાયન્સનો પ્રોગ્રામ ધરાવતી 229 જેટલી સારી ગણાતી યુનિવર્સિટીઓ અમેરિકામાં છે. એમાં પણ મેસચ્યુસેટસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાર્નિગી મિલોન યુનિવર્સિટી, સ્ટેનફર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બર્કલી તેમ જ યુનિવર્સિટી ઑફ ઈલિનોઈઝ અર્બાના-શૈમ્પેન આ પાંચ યુનિવર્સિટીઓ પ્રથમ પાંચ રેન્ક ધરાવે છે. જો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો કોર્સ કરવા જવું હોય તો એના માટે કાર્નિગી મિલોન યુનિવર્સિટી, સ્ટેનફર્ડ યુનિવર્સિટી, મેસચ્યુસેટસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બર્કલી, જ્યોજિર્યા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, આ પાંચ યુનિવર્સિટીઓ ખૂબ ખૂબ વખણાયેલી અને આગળ પડતી છે. કમ્પ્યુટર સિસ્ટમ માટે પણ આ પાંચેય યુનિવર્સિટીઓ ઉત્તમ ગણાય છે તેમ જ પ્રોગ્રામિંગ લેગ્વેન્જ અને સોફ્ટવેર માટે પણ આ પાંચેય યુનિવર્સિટીઓ ખૂબ સારી કહેવાય છે. જેમને એરોસ્પેસ યા એરોનોટિકલના વિષયમાં એન્જિનિયર બનવું હોય એમના માટે મેસચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જ્યોજિર્યા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, પર્ડ્યુ યુનિવર્સિટી તેમ જ સ્ટેનફર્ડ યુનિવર્સિટી ખૂબ જ સારી છે. બિઝનેસ પ્રોગ્રામ, એમાં પણ એકાઉન્ટિંગના વિષયમાં જેમણે બેચલર્સ યા માસ્ટર્સનો કોર્સ કરવો હોય એમના માટે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઓફ ઓસ્ટિન, યુનિવર્સિટી ઑફ ઈલિનોઈઝ અર્બાના-શૈમ્પેન, બ્રિગ્મ યુનિવર્સિટી, ઈન્ડિયાના યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ મિશિગન ઉત્તમ છે. વર્ષ 2024ના ‘યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ’નો જે ‘બેસ્ટ કોલેજીસ’નો અંક પ્રસિદ્ધ થયો છે એમાં અમેરિકાની 1700 યુનિવર્સિટીઓ વિશે જાણકારી આપવામાં આવી છે. એ મેગેઝિને આ 1700 યુનિવર્સિટીઓને રેન્કિંગ કયા આધારે આપ્યું છે એ પણ આ અંકમાં જણાવ્યું છે અને બેસ્ટ નેશનલ યુનિવર્સિટીઝ, બેસ્ટ નેશનલ લિબરલ આર્ટ્સ કોલેજીસ, બેસ્ટ રિજનલ યુનિવર્સિટીઝ, બેસ્ટ બિઝનેસ પ્રોગ્રામ તેમ જ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, નર્સિંગ આ સઘળા વિષયમાં કઈ યુનિવર્સિટી ખૂબ આગળ પડતી છે એ જણાવવામાં આવ્યુંં છે.
આ મેગેઝિનમાં વિદ્યાર્થીઓને ઉપયોગી એવા લેખો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે જે એસે લખવાનો હોય છે એ કેવી રીતે લખવો, એમાં શું શું જણાવવું, એની સરળ ભાષામાં, સ્પષ્ટ રીતે જાણકારી આપવામાં આવી છે. સ્કોલરશિપ મેળવવી હોય તો વિદ્યાર્થીએ શું કરવું જોઈએ, સારા ગ્રેડ મેળવવા હોય તો એ માટેના છ રસ્તાઓ આ મેગેઝિનમાં આપેલ એક લેખમાં દર્શાવવામાં આવ્યા છે. ટૂંકામાં જેમની ઈચ્છા ખરેખર અમેરિકામાં પ્રાપ્ત થતું સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવવાનું હોય, ભણી રહ્યા બાદ અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો ન હોય, સ્ટુડન્ટ તરીકે પોતાની જાતને દેખાડીને અમેરિકામાં પ્રવેશવા અને ત્યાં ગેરકાયદેસર કામ કરવાનો ઈરાદો ન હોય, અમેરિકાની યુનિવર્સિટીઓની મોંઘીદાટ ફી અને ત્યાં રહેવા-ખાવાનો જે પુષ્કળ ખર્ચો આવે છે એ ખર્ચો કરવાનો પ્રબંધ હોય એમણે જ અમેરિકાના ‘એફ-1’ સ્ટુડન્ટ વિઝાની અરજી કરવી જોઈએ. સામાન્ય રીતે સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે બારથી પંદર મહિના પેહલાંથી તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. જો તમારા ઈરાદાઓ સાચ્ચા હશે, અંગ્રેજી ભાષા ઉપર તમારું પ્રભુત્વ હશે તો તમને અમેરિકાની યુનિવર્સિટીઓ જરૂરથી પ્રવેશ આપશે અને કોન્સ્યુલર ઓફિસરો પણ તમને નક્કી ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા એનાયત કરશે.