અમેરિકા દર વર્ષે 55,000 ગ્રીનકાર્ડ ‘વિઝા લોટરી’ દ્વારા આપે છે
છેલ્લા પાંચ વર્ષમાં વધુ વિઝા મેળવનાર દેશના લોકોને લોટરીમાં ભાગ લેવાની મનાઈ
- Advertisement -
મારે અમેરિકા જવું છે
જો તમારા સંતાનો અમેરિકન સિટીઝન હોય યા તમારા પતિ યા પત્ની અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા માટે ‘ઇમીજીએટ રિલેટિવ કેટેગરી’ હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે જે પ્રોસેસ થઈને એપ્રુવ થાય અને ‘ઈમિગ્રન્ટ વિઝા’ મળે એટલે અમેરિકામાં પ્રવેશ્યા બાદ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ગ્રીનકાર્ડ મળેથી તમે અમેરિકામાં કાયમ રહી શકો છો, નોકરી-ધંધો કરી શકો છો, ભણી શકો છો જે કંઈ પણ ઈચ્છો એ બધું કરી શકો છો. ફક્ત તમે અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની ઉમેદવારી નથી કરી શકતા કે અમેરિકામાં વોટ આપી નથી શકતા. ‘ઇમીજીએટ રિલેટિવ કેટેગરી’ હેઠળ જે વિઝા આપવામાં આવે છે એ વાર્ષિક કોટાના બંધનોથી સીમિત નથી હોતા. એક વર્ષમાં ગમે તેટલી સંખ્યામાં એ આપી શકાય છે. ચાર જુદી જુદી ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’ઓ છે જેની હેઠળ પિટિશન દાખલ કરતા તમને ‘ઈમિગ્રન્ટ વિઝા’ મળી શકે છે. પણ એક વર્ષમાં આ ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ કુલે 2,26,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. આ સંખ્યા બધા દેશોના લોકોમાં સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે એટલે દરેક દેશ માટે લગભગ 7 ટકા આવે છે. ચાર જુદી જુદી ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ’ છે. જેની વાર્ષિક સંખ્યા 1,40,000 છે. આની હેઠળ પણ જો તમને કોઈ અમેરિકન માલિક પોતાને ત્યાં નોકરી આપે અને તમારા લાભ માટે આ ‘એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરે તો તમને ‘ઈમિગ્રન્ટ વિઝા’ મળી શકે છે અને અમેરિકામાં પ્રવેશતા ગ્રીનકાર્ડ મળી શકે છે. આજે અમેરિકા જવા માટે આખી દુનિયામાંથી એટલી બધી અરજીઓ થાય છે કે આ ફેમિલી પ્રેફરન્સ ચાર કેટેગરીઓ તેમજ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ ચાર કેટેગરીઓ હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળતા વર્ષોની વાટ જોવી પડે છે. ઉપરાંત ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’ માટે તમારું ત્યાં કોઈ સગું હોવું જોઈએ, માતા-પિતા, ભાઈ-બહેન યા પતિ-પત્ની હોવા જોઈએ યા સંતાનો હોવા જોઈએ. અને એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકાની કંપનીએ તમને નોકરી આપી હોવી જોઈએ, લેબર સર્ટિફિકેશન કરાવ્યું હોવું જોઈએ. વર્ષ 1990માં અમેરિકાએ ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ એક પાંચમી કેટગરીનો ઉમેરો કર્યો છે. આની હેઠળ અમેરિકાના નવા બિઝનેસમાં આજે તમે 10,50,000 ડોલરનું રોકાણ કરો, દસ અમેરિકનોને ફૂલટાઈમ નોકરીમાં રાખો અને એ નવો બિઝનેસ તમે જાતે ચલાવો તો તમને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. જો નવો બિઝનેસ પછાત પ્રદેશમાં કે ટાર્ગેટેડ એરિયામાં કરો તો રોકાણની રકમ 8,00,000 ડોલરની હોય છે. આને જે ‘ઈબી-5’ કહેવામાં આવે છે. 1993માં બીજો કાયદો કર્યો જેને ‘ઈબી-5 રિજનલ સેન્ટર પ્રોગ્રામ’ કહે છે આમાં અમેરિકાની જે મોટી મોટી કંપનીઓ હોય, જેને ઈમિગ્રેશન ખાતાએ રેકોગ્નાઈઝ રિજનલ સેન્ટરનું બિરુદ આપ્યું હોય, એમાં જો તમે 10,50,000 યા 8,00,000નું રોકાણ કરો તો તમને ગ્રીનકાર્ડ મળી શકે છે. પછી દસ અમેરિકનોને નોકરી આપવાની અને બિઝનેસ કરવાની જવાબદારી એ રિજનલ સેન્ટરની રહે છે. રિજનલ સેન્ટરોને એમના બિઝનેસમાં દરેક રોકાણકાર દીઠ દસ અમેરિકનોને નોકરી આપવાની હોય છે એ નોકરી તેઓ સીધી યા આડકતરી રીતે કે પછી ઇન્ડયુશ રીતે આપી શકે છે. અમેરિકાની સરકાર દર વર્ષે 55,000 ગ્રીનકાર્ડ ‘વિઝા લોટરી’ દ્વારા આપે છે. ભારતીયો આમાં ભાગ લઈ નથી શકતા કારણ કે જે દેશના લોકોએ છેલ્લા પાંચ વર્ષમાં પુષ્કળ ઈમિગ્રન્ટ વિઝા મેળવ્યા હોય એમને આ લોટરીમાં ભાગ લેવાનો અધિકાર નથી હોતો. રાજકીય આશરો માંગીને, અસાયલમ માંગીને કે રેફ્યુઝી સ્ટેટ્સ પ્રાપ્ત કરીને પણ તમે અમેરિકામાં રહી શકો છો ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવી શકો છો. જો તમે મિલેટરીમાં જોડાઓ તોપણ તમને ગ્રીનકાર્ડ મળી શકે છે. મોટાભાગના અમેરિકા જવા ઈચ્છુક પરદેશીઓના વિઝા એટલા માટે નકારાય છે કારણ કે એમને જે પ્રકારના વિઝા મેળવવાના હોય છે એમાં શું શું લાયકાતો હોવી જોઈએ? એની જાણ નથી હોતી. અનેકો વિઝા મેળવવા માટે ખરું-ખોટું કરે છે. દસ્તાવેજો ખોટા રજૂ કરે છે, ખોટા સર્ટિફિકેટો લાવે છે. આપણા સાઉથ ઈન્ડિયામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા માટે અરજી કરી હતી. તપાસ કરતા જણાયું હતું કે એ બધાના જે ડિગ્રી સર્ટિફિકેટો હતા એ બોગસ હતા. જો તમારે અમેરિકા જવું હોય, કાયમ માટે યા ટૂંક સમય માટે, તો તમને કયા વિઝા મળી શકે એમ છે એ જાણો? એ વિઝા મેળવવાની લાયકાતો જાણો? એ લાયકાતો તમારામાં ન હોય તો એ કેળવો અને પછી વિઝાની અરજી કરો. અરજીપત્રકમાં કંઈ પણ ખોટું લખો નહીં. સાચી બાતમી છુપાવો નહીં. ઇન્ટરવ્યુમાં સત્ય હકીકત કહેવી જોઈએ તો તમને વિઝા મળશે અને તમારી અમેરિકા જવું છે એ ઈચ્છા પૂરી કરી શકશો.



