ખાસ-ખબર ન્યૂઝ નવીદિલ્હી, તા.1
લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં 1 વાગ્યા સુધી સરેરાશ 40.09 ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.
સાતમા તબક્કામાં પણ પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલો છે. પશ્ચિમ બંગાળના ભાંગરમાં CPI (M) અને ISF ના કાર્યકરોએ ટીએમસી સમર્થકો પર બોમ્બમારો કરવાના આરોપ લગાવ્યા છે.રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયે ટ્વિટ કર્યું કે ટોળાએ જયનગરમાં બેનીમાધવપુર સ્કૂલ પાસે સેક્ટર ઓફિસર પાસેથી રિઝર્વ EVM અને ડોક્યુમેન્ટ લૂંટી લીધા અને 2 વીવીપેટ મશીન તળાવમાં ફેંકી દીધા હતા.
- Advertisement -
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર કંગના રણૌતે મતદાન કર્યા પછી કહ્યું, ’મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ 4 બેઠકો મળશે. હિમાચલ પ્રદેશની 4 બેઠકો ’400’ને પાર કરવામાં મદદ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડ પર એક પોસ્ટમાં લખ્યું, ‘લોકતંત્રના આ મહાન તહેવારમાં આજે દેશ છેલ્લા તબક્કામાં મતદાન કરશે. આપ સૌને લોકશાહી અને બંધારણની રક્ષા માટે મોટી સંખ્યામાં તમારા મતદાન અધિકારનો ઉપયોગ કરવા વિનંતી છે. જાતે મત આપવા જાઓ અને તમારા પડોશના લોકોને તમારી સાથે લઈ જાઓ. સરમુખત્યાર હારશે, લોકશાહી જીતશે.’
પૂર્વ ભારતીય ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે જલંધરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. મત આપ્યા પછી, હરભજને કહ્યું કે, ’મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને હું ઈચ્છું છું કે જલંધરમાં વધુમાં વધુ મતદાન થાય. આ આપણી ફરજ છે. એવી સરકાર લાવવી જોઈએ જે લોકો માટે કામ કરી શકે. હું હું બિલકુલ વીઆઈપી નથી, વીઆઈપી કલ્ચરનો અંત આવવો જોઈએ જો કોઈ લંગર માટે કતારમાં ઊભો રહી શકે તો તે અહીં પણ ઊભો રહી શકે છે.’ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું, ’આ લોકશાહીનો તહેવાર છે. આજે ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો સહિત 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે. હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું, અમે કહી શકીએ કે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે.
ચોથી જૂને ફરીથી મોદી સરકાર બનશે.’