ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ લોકશાહીના મહાપર્વમાં મતદાન થકી જન જનની ભાગીદારી બને તે માટે જુદા જુદા માધ્યમો થકી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ- અચૂક મતદાનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન જાગૃતિ માટે નવતર પહેલ કરી છે, તેના ભાગરૂપે એક વિશિષ્ટ સ્ટેમ્પ બનાવવામાં આવ્યો છે. જે લોકોને તા.7મી – મે અચૂક મતદાન કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે. હવે મતદાન જાગૃતિનું અભિયાન ગ્રામ્ય સ્તર સુધી પહોંચ્યું છે. ગ્રામ પંચાયત સ્તરેથી અપાતી જુદી-જુદી સરકારી સેવાઓ અને દસ્તાવેજોમાં ’મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સાથેનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે.
- Advertisement -
ઉપરાંત ગિરનાર રોપ-વેની ટિકિટ પર પણ મતદાન જાગૃતિનો આ સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, આ આગવા અભિગમ સાથેના મતદાન જાગૃતિ અભિયાનમાં ઉપરકોટની પ્રવેશ ટિકિટ, ખાનગી ટ્રાવેલ્સની ટિકિટ, પીજીવી સીએલના બિલ, ઈ-ધરામાંથી અપાતા રેવન્યુ રેકર્ડ, ડોક્ટર્સના સ્પ્રિસ્ક્રીપ્સન, સક્કરબાગ ઝૂ ની પ્રવેશ ટિકિટ, મહાનગરપાલિકા દ્વારા અપાતી સેવાઓ અન્વયે અપાતા પ્રમાણપત્ર-દસ્તાવેજોમાં વગેરેમાં તા.7મી મેએ મતદાન જરૂર કરીએ ના સંદેશ સાથેનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. આમ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાની મતદાન જાગૃતિ માટેની આ નવતર પહેલને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.