લોકો દ્વારા મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેકટર, ખાણ ખનીજ અધિકારી તેમજ SDMને લેખિત ફરિયાદ કરાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પાસે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જેતપુર સિક્સલેન હાઇવે બનાવવાનું કામ ચાલુ છે. નેશનલ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટે રોડ કામમાં ભરતી ભરવા માટે અનેક જગ્યાએથી માટી ઉપાડવામાં આવે છે ત્યારે યાત્રાધામ વીરપુર પાસે આ સિક્સલેન હાઇવે માટે માટી ઉપાડવા માટે મસ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવું સામે આવ્યું છે. વીરપુર તેમજ આજુબાજુના પીઠડીયા, સેલુકા, થોરાળા સહીત ગામની ગૌચર તેમજ સરકારી ખરાબાની જમીનમાંથી રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે.
આ વરાહા ઇનફા કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા વિરપુર ગ્રામપંચાયતમાંથી કે કોઈ પણ પ્રકારનો ઠરાવ કે મંજૂરી નથી તેમજ કોઈપણ રોયલટી વગર જ બારોબાર ખનીજ ચોરી કરી ગેરકાયદેસર વિરપુર સિમ વિસ્તારોમાં કુદરતી નદીઓ અને ડુંગરા-ટેકરા ખોદીને માટી ઉપાડી રહ્યા છે. જેમની ફરિયાદ જાગૃત નાગરિકો તેમજ ખેડૂતો દ્વારા રાજકોટ કલેક્ટર, ડી.ડી.ઓ. તેમજ જેતપુર તાલુકા ગ્રામ્ય મામલતદારને અને ડેપ્યુટી કલેક્ટર સહિત મુખ્યમંત્રીને સુધી કરવામાં આવી છે. પરંતુ જાણે બહેરા તંત્રને કોઈ ફરિયાદ કાને અથડાતી જ ન હોય તેમ સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા છે એન માત્રને માત્ર તપાસના નામે નાટક કરતા હોય તેવા જાગૃત લોકોએ આક્ષેપો કર્યા છે.
સરકારી જમીનમાં પ્રવેશ કરી સરકારી ખનીજ ચોરી જવા બદલ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ દાખલ કરી વાહનો મશીનરીઓ જપ્ત કરવા હુકમ કરવા કાર્યવાહી કરવામાં આવે પરંતુ અહિયાં તો જેતપુર ગ્રામ્ય મામલતદાર ભેંસાણીયા ખનીજ ખાતાના કોઈપણ અધિકારીઓ વગર જ વીરપુર આવી માત્રને માત્ર એક જ જગ્યાએ તપાસના નામે જાણે નાટક કરતા હોય તેમ ખનીજ ચોરો દ્વારા ખોદાયેલી ગૌચરની જમીનની કોઈપણ પ્રકારની માપણી કર્યા વગર જ ચાલતી પકડી હતી. જેતપુર મામલતદાર દ્વારા માત્રને માત્ર એક જ જગ્યાએ તપાસના નામે નાટક કરતા સવાલો એ થાય છે કે શુ જેતપુર ગ્રામ્ય મામલતદાર સહિતના અધિકારીઓની પણ આ ખનીજ ચોરીમાં મિલિભગત છે કે શું ? એવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઓનો વિષય બન્યા છે.