રાતીધારના ખેડૂતે પ્રાકૃતિક શેરડીમાંથી ગોળ તૈયાર કરી બજારમાં વેચાણ કરી સારી આવક મેળવી
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
તાલાલા તાલુકાના રાતીધાર ગામના ખેડૂત વિપુલભાઇ નાનજીભાઇ વાડોદરિયાએ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. જમીનમાં પ્રાકૃતિક શેરડીની સાથે મિક્સ પાકનું વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવે છે અને પ્રાકૃતિક શેરડીમાંથી ગોળ તૈયાર કરી બજારમાં તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.
- Advertisement -
આ અંગે ખેડૂત વિપુલભાઇએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં માધુપુર ખાતે યોજાયેલ બે દિવસની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં પ્રાકૃતિક ખેતીની સલાહ મળતા રસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી શરૂઆત કરી હતી. કારણ કે રાસાયણિકમાં ખર્ચ વધી જતો અને પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પધ્ધતિનું વાવેતર કરતાં ખર્ચ ઓછો થતો હતો. આથી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન વધતાં ખર્ચ ઘટયો અને ઉત્પાદનમાં વધારો થયો છે.
પ્રાકૃતિક થકી વર્ષ 2019માં શેરડીના બિયારણ ઉપર સંવર્ધન કર્યુ અને બિયારણ માટે 1 વીઘામાં 7.5*2 ફૂટે શેરડીનું બિયારણનું વાવેતર કર્યું હતું. તેની સાથે મિશ્ર પાકમાં લસણ, ચણા, ઘઉં, મકાઇ, રાય, રાજગરો સહિતનું વાવેતર કરતા તેમાંથી સારું ઉત્પાદન મળ્યું હતું. આ ઉપરાંત પાકનું મૂલ્યવર્ધન કરી વેચાણ પણ કર્યું છે જેમ કે, પ્રાકૃતિક શેરડીમાંથી ગોળ તૈયાર કરી વેચાણ કરવાથી સારી આવક મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુધારો થયો છે. ઉત્પાદન વધ્યું અને ખેતી ખર્ચ નહિવત થયો છે. ટપક પધ્ધતિથી તેમજ આચ્છાદનથી જમીન પિયતની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. પાકની ગુણવતા સહિતમાં સુધારો જોવા મળ્યો છે. જમીનમાં સેંદ્રિય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી મુલાયમ બની છે અને જમીનમાં અળસિયા જોવા મળે છે. આથી કહી શકાય કે, પ્રાકૃતિક ખેતી કરવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.