ખાસ-ખબર સંવાદદાતા
બોગસ પેઢીઓ ઉભી કરીને ખોટી ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં જીએસટી વિભાગે વર્ષ 2022 માં મોરબીમાં દરોડા પાડીને 39.20 કરોડના કૌભાંડ મામલે બારિયા એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢીના સંચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવાના પ્રકરણમાં છેલ્લા એક વર્ષથી ફરાર કૌભાંડિયા વિપુલ કુલતરીયાની સુરત પોલીસે ધરપકડ કરી છે. વર્ષ 2022 માં સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ બોગસ બિલથી જી.એસ.ટી. ઇનપુટ ક્રેડિટ હડપ કરી જવાનું દેશવ્યાપી રેકેટ ઝડપી પાડ્યું હતું જેમાં રાજકોટ, સુરત, ભાવનગર, અમદાવાદ, મોરબી અને રાજકોટના કૌભાંડીઓ દ્વારા અલગ અલગ નામે આઠ જેટલી બોગસ પેઢીઓ બનાવી તેમાં કરોડોનું ટ્રાન્ઝેક્શન દર્શાવી સરકાર પાસેથી રિફન્ડ મેળવી લઇ કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં વિસ્તારપૂર્વકની તપાસમાં આખું રેકેટ 2706 કરોડનું નીકળ્યું હતું. આ કૌભાંડમાં પોલીસની તપાસમાં અનેક મોટા માથાઓના નામ ખુલ્યા હતા જેમાં મોરબીના બારિયા એન્ટરપ્રાઇઝના નામે 39.20 કરોડના બોગસ બિલિંગ પ્રકરણમાં પોલીસે મોરબીના ધર્મેન્દ્ર અજાણા, મયૂર ઉઘરેજા અને નિકુંજ ફિચડિયાની ધરપકડ કરી હતી જેમાં નિકુંજે મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલ વિપુલ ધનજી કુલતરીયા સાથે મળીને 10 બોગસ પેઢીઓના નામે વ્યવહારો બતાવી સરકારને ઉઠા ભણાવ્યાનું બહાર આવ્યું હતું. આ ચકચારી જીએસટી ક્રેડિટ પ્રકરણમાં પોલીસે એક વર્ષથી ફરાર વિપુલ કુલતરીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હોવાની માહિતી સામે આવી છે.