સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના ટ્ર:ટી યશવંત જનાણીએ કુલપતિને રજૂઆત કરી; હેડશિપ રોટેશનના નિયમનો છડેચોક ભંગ કરાયો હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના સ્થાપક ટ્રસ્ટી યશવંત જનાણીએ યુનિવર્સિટીના નિયમોનો ભંગ કરીને અંગ્રેજી ભવનના વડા તરીકે પુન: નિયુક્ત કરાયેલા પ્રો. કમલ મહેતાને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા માટે કુલપતિને રજૂઆત કરી છે.
જનાણીએ પત્રમાં જણાવ્યું છે કે, ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 અને *ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેટ્યુટ્સ 2024 (સ્ટેચ્યુ-132)*ની મૂળભૂત જોગવાઈઓનો પ્રો. કમલ મહેતાની નિમણૂક માટે છડેચોક ભંગ કરવામાં આવ્યો છે.
નિયમનો ભંગ: સ્ટેચ્યુ-132 મુજબ, ભવનના વડા (હેડશિપ)નું રોટેશન કરવાનું હોય છે, અને સામાન્ય રીતે પાંચ વર્ષ પૂરા થતા બદલવાની જોગવાઈ છે. જોકે, અંગ્રેજી ભવનના તત્કાલીન વડા પ્રો. આર.બી. ઝાલાનો માત્ર ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થતાં જ તેમને બદલીને, અગાઉ 11 વર્ષ સુધી આ પદ ભોગવી ચૂકેલા પ્રો. કમલ મહેતાને માત્ર સ્ટાફ કાઉન્સિલના ઠરાવના આધારે જૂન-2025 થી પુન: અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
જનાણીએ આક્ષેપ કર્યો કે, રાજ્યના અન્ય પાંચ ભવનના વડાઓને જ્યારે સ્ટેચ્યુ-132 મુજબ પાંચ વર્ષ પૂરાં થતાં બદલવામાં આવ્યા છે, ત્યારે અંગ્રેજી ભવનમાં માત્ર ત્રણ વર્ષ પૂરાં થતાં જ વડાને બદલવા અને કમલ મહેતાને પુન: નિયુક્ત કરવા એ બે અલગ-અલગ માપદંડો અપનાવ્યા સમાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સ્ટાફ કાઉન્સિલનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાથી, રાજ્યના પ્રવર્તમાન કાયદાઓથી ઉપરવટ જઈને કરેલી આ નિમણૂક ગેરકાયદેસર છે અને તેને તાત્કાલિક રદ કરવી જોઈએ.



