ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના વેગડવાવ ગામે ગટર ઉભરાવવાની સમસ્યા ઉદ્ભવી છે જેમાં ગ્રામજનોએ અવાર નવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આજકાલ કરીને અધિકારીઓ કામ કરવાનું ટાળતા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે તો સાથે ગટર ઉભરાતી હોવાથી ગામમાં રોગચાળો ફેલાવવાનો પણ ભય ઉભો થયો છે જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે ગટરની સાફસફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હળવદના વેગડવાવમાં પંદર દિવસ પહેલા ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી જોકે આ સાફ સફાઈ માત્ર કાગળ પર જ થઈ છે અને બીલ બનાવી નાણા ખવાઈ ગયા હોવાનો ધગધગતો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. આ સાથે ગ્રામજનોએ જણાવ્યું છે કે, ગટરો ઉભરાવવાની અનેક રજૂઆતો તંત્રને કરવામાં આવી છે અને તંત્ર દ્વારા માત્ર આજકાલના ઠાલા વચનો આપવામાં આવતા ગામમાં મેલેરિયા, ડેન્ગ્યૂ જેવો રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ઉભરાતી ગટરની વહેલી તકે સફાઈ કરવામાં આવશે : તલાટી
વેગડવાવમાં ઉભરાતી ગટર વિશે મહિલા તલાટી દક્ષાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ ગટરની સફાઈ કરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોને આ કામગીરીમાં અસંતોષ હોય જેથી કરીને વહેલી તકે ગટરની સફાઈ કરવામાં આવશે અને 15 દિવસ પહેલા થયેલા સફાઈના નાણા હજુ સુધી ચૂકવાયા નથી.