ઘેડની સમસ્યાનો એક્શન પ્લાન બનાવી બજેટમાં સમાવેશ કરાશે: મંત્રી માંડવિયા
શું વર્ષો જૂની વરસાદી પાણીની સમસ્યાનો ખરેખર ઉકેલ આવશે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ ઘેડ પંથક વર્ષોથી વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.જયારે ભારે વરસાદ પડે ત્યારે ઓઝત, ઉબેણ અને ભાદરનું પાણી ઘેડ વિસ્તારમાં ઘુસી જવાથી ખેતી જમીનનું ધોવાણ સાથે ખેતી પાક અને રોડ રસ્તાને ભારે નુકશાની જોવા મળે છે આ વર્ષે પ્રથમ વરસાદે ઘેડ વિસ્તારના અનેક ગામોમાં તારાજી જોવા મળી હતી અને અનેક ગણું નુકશાન થયું હતું જયારે સમગ્ર ઘેડ વિસ્તાર પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના મતક્ષેત્રમાં આવે છે. સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળતા કેન્દ્રીય મંત્રી માંડવીયાએ ઘેડ વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં સમગ્ર વિસ્તરાનો ચિતાર મેળવ્યો હતો ત્યારે સ્થાનિક ખેડૂતોએ ઘેડની સમસ્યા મુદ્દે પ્રશ્ર્નોની જડી વરસાવી હતી જોકે મંત્રીએ તમામ લોકોને સાંભળીને આગામી દિવસોમાં વરસાદી પાણીથી થતી સમસ્યા અંગે રાજ્ય સરકારમાં ખાસ બજેટમાં જોગવાઈ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.ત્યારે સ્થાનિક લોકોનું કેહવું છે કે, શું વર્ષો જૂની વરસાદી પાણી સમસ્યાનો ખરેખર ઉકેલ આવશે ? કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ ઘેડ વિસ્તારના વિકાસ માટે અને નદીકાંઠાઓમાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરાશે.જુનાગઢ જિલ્લાની ઓજત અને મધુવંતી નદીના પાણીથી નુકસાની ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને બધી જ બાબતોને આવરી લઈને લાંબા ગાળાનો પ્લાન ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર કરવા અધિકારીઓની સૂચના આપી હતી.
આગામી રાજ્ય બજેટમાં ઘેડના પ્રશ્ર્નોના કાયમી નિરાકરણ માટે નવી આઈટમ તરીકે આ બાબતો રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મૂકવામાં આવશે તેવું આયોજન છે એમ પણ મંત્રીશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું. લાંબાગાળાના આયોજન ઉપરાંત હાલની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે કરવાની થતી કામગીરીની પણ મંત્રીએ ચર્ચા કરી નદીકાંઠાના ગામોમાં ખેડૂતોને નુકસાની થઈ હોય તેમની નુકસાની અરજીઓ લેવા, ગ્રામ્ય સ્તરે સર્વે શરૂ કરી દેવા, વાડી વિસ્તારમાં વીજળીના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા અને અને જે રસ્તાઓનું કામ બાકી હોય તે તાત્કાલિક મરામત કરી વાહન વ્યવહાર શરૂ થઈ જાય તે માટે તે માટે સુચના આપી હતી. મંત્રીશ્રીએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર સહિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાનોના સૂચનો પણ ધ્યાને લઈ સાથે મળીને આયોજનને આખરી ઓપ આપવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કલેકટર અનિલ કુમાર રાણાવસીયાએ મિટિંગમાં ઘેડ અને આસપાસના વિસ્તારમાં સૂચિત વિકાસ અને ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે પ્રેઝન્ટેશનથી જરૂરી વિગતો રજૂ કરી હતી.કલેકટરે મંત્રીના માર્ગદર્શનમાં થઈ રહેલ આયોજન સંદર્ભે કરવામાં આવેલ તૈયારીઓ અંગે કેશોદમાં ઔદ્યોગિક વિકાસ, કેશોદ થી ખેત પેદાશો અને અન્ય ચીજ વસ્તુઓનું પરિવહન માટે કાર્ગો ટર્મિનલ, એરપોર્ટના વિકાસ માટેનું આયોજન, ઘેડ વિસ્તારના હેરિટેજ સ્થળોનો વિકાસ જેમાં લોએજ, રાખેંગાર વાવ ઉપરાંત ખાસ કરીને વંથલીના રાવણા અને ચીકુ ઉપરાંત પોષકતત્વોથી ભરપૂર અને સ્વાસ્થ માટે ઉપયોગી એવા કાળા મગને વિશેષ ઓળખ મળે તે માટેનું આયોજન, બાગાયતી પાકોના ઓઘોગિક ધોરણે રીહાઇડ્રેશન પ્લાન્ટ માટેના આયોજનો અને રસ્તા પહોળા કરવા સહિતની બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
- Advertisement -
સિંચાઇ વિભાગના અધિકારીઓએ ઓજત અને મધુવંતીના પાણીને લીધે દર વર્ષે ઉદભવતી સ્થિતિ, નદીઓની લંબાઈ-ઊંડાઈ અને પાળાઓ તૂટવાની બાબતમાં કરવાની થતી કામગીરી તેમજ દરિયાના પાણીને નદીપટમાં આવતા રોકવા માટેનું આયોજન ઉપરાંત ડેમના દરવાજાનું આધુનિકરણ સહિતના આયોજનો રજૂ કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ હાલ જે પ્લાન બનાવવામાં આવે તેમાં અગાઉ 1960ની સમિતિ પછી જે સૂચિત આયોજનો હતા તે અંગેનો અહેવાલ પણ હાલના પ્લાનમાં જોડી જન ઉપયોગી બાબતોને આવરી લઈ ઘેડના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને સરકારને દર વર્ષે અમુક પ્રકારની કામગીરીમાં ખર્ચ ન થાય અને લાંબા ગાળાનું આયોજન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં જરૂર પડે અને કાર્યક્ષેત્રમાં આવતી બાબતો અંગે કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ સ્થાનિક તંત્રને સંકલન કરશે. મંત્રીએ પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામો શહેરોના વિકાસ માટે પાંચ વર્ષનો પ્લાન પણ તૈયાર કરવા પણ સૂચના આપી હતી અને ધેડ વિસ્તારના ટીકર બામણાસા બાલાગામ, મટીયાણા માણાવદર સહિતના ગામો-વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોક પ્રતિનિધિઓ, ખેડૂતો, સરપંચ સહિતના આગેવાનો સાથે સંવાદ કરી, ગ્રામજનોની સમસ્યાઓની લેખિત રજૂઆત પણ સ્વીકારી હતી, તેમજ જ્યાં પાણી ભરાય છે તે કાઠા વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં બાલાગામ અને મટીયાણાંમા ગ્રામજનો સાથે વિશેષ મીટિંગ કરી સરકાર દ્વારા કરવામાં આવનાર કામ અને તાત્કાલિક ધોરણે તંત્રને કામગીરી માટે આપવામાં આવેલી સૂચનાઓની માહિતી આપી હતી.