આ વર્ષનું, કાર્તિક સુદ એકમ થી આસો વદ અમાસ સુધીનું, 12 મહિનાનું વાર્ષિકભવિષ્ય આ સાથે રજૂ કરવામાં આવે છે.
સાપ્તાહિક ભવિષ્ય, માસિક ભવિષ્ય, વ્યક્તિગત ભવિષ્ય, રાશિ ભવિષ્ય… ની જેમ, ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં મેદિની ભવિષ્ય એક ઉડી દ્રષ્ટિ અને અનુભવ માગીલેતું વિશિષ્ટ શાસ્ત્ર છે. આ વિષય માં… વિવિધ દેશો, તથા તેના પ્રદેશો, ભૂભાગ, પર્યાવરણ અને પૂરી પૃથ્વી નું… વરસાદ, ઠંડી અને ગરમી, સુનામી, ભૂકંપ, પૂર, લડાઈ જેવી દૈવી કે કુદરતી આફતો, તથા વૈશ્વિક ઘટનાઓ ની જાણકારી મેળવી શકાય છે. તો આ વિશે વાત કરતા લાગે છે કે… દેશમાં, વિદેશોમાં અને સારી પૃથ્વી પર હજુ પણ આ તકલીફ થોડી ઘણી, ચાલુ જ રહેશે. કોઈ સમયે થોડા ફેરફાર અથવા લક્ષણો બદલાય પરંતુ માનવજાત માટે મુશ્કેલી ચાલુ રહેશે.
- Advertisement -
વિક્રમ સંવત – 2079 ના આ નવા વર્ષ દરમિયાન , લડાઈ, ઝગડા, કોમવાદ કે રંગભેદ જેવા કારણોસર અશાંતિ નાના પાયે ચાલુ જ રહેશે. ભારતમાં અને આસપાસના, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન આદિ દેશોમાં, અશાંતિ, વૈમનસ્ય ઉકળાટ, આંતરિક કલહ, જેવી બાબતો ચાલુ જ રહેશે. પરંતું આપણા દેશનું શાસન આધ્યાત્મિક વ્યક્તિના હાથમાં હોવાથી, પડોશી દેશોના પ્રમાણમાં ખાસ તકલીફ રહશે નહીં.
આ જ રીતે પશ્ચિમના દેશોમાં પણ શાંતિ અને સ્થિરતા જોવા નહીં મળે..! અમેરિકા, રશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા મોટા અને વિકસિત દેશોમાં પણ આ વાત સાચી પડતી જોઈ શકાય. આ દેશોમાં આર્થિક સ્થિરતા, એકતા અને અખંડિતતા ના સવાલો ઊભા થશે. અને આ કારણે દુનિયામાં અસ્તિત્વ ની કટોકટી સર્જાઈ શકે છે. આ કટોકટી આંતરિક, આંતરરાષ્ટ્રીય કે પછી વૈશ્વિક હોઈ શકે છે.
ભારતમાં તો ઠીક પરંતુ , દુનિયાના ઘણા દેશોમાં અનાજની તંગી, વરસાદની તંગી અને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂસ્ખલન અને પૂર જેવી, એક બીજા સાથે વિપરીત પરિસ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં લાગે. ફ્રાન્સ અને જર્મની જેવા શક્તિશાળી દેશો પણ આ સમયે અશક્ત અને ગરીબ લાગશે. કુદરત કે ઈશ્વર સામે કોણ ઉભું રહી શકે.?
- Advertisement -
એક રાશિમાં ઘણાં બધા લોકો આવી જાય. દાખલા તરીકે, સિંહ રાશિમાં આવતા હજારો લોકો હોય. આ બધા માટે અહીં લખેલી બધી બાબતો એક સરખી લાગુપડતી ન પણ હોય. સામાન્ય રીતે, નવે ગ્રહોની મેગ્નેટિક અસર અને તેનો સામાન્ય પ્રભાવ બધા ઉપર પડતો હોય છે. જેમ…પરિવારના કોઈ પણ એક સભ્ય બિમાર હોય તો તેની અસર (આર્થિક, સામાજિક, ઇમોશનલ) આખા પરિવાર પર થતી હોય છે… આથી અહીં આપેલ વાર્ષિક ભવિષ્ય ને વધુ ને સચોટ અને ઈફેક્ટિવ બનાવવા માટે, રાશિ પરત્વે, ગ્રહોના સામાન્ય અને સરેરાશ ફળકચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાંબો સમયના અનુભવથી આ વાત વધુ સાચી લાગી છે.
વિક્રમ સંવત 2079 નાં વર્ષમાં… શાંતિ અને સ્થિરતા તરફ પ્રયાણ ચાલુ રહેશે. આર્થિક મંદી દૂર થતી જણાય અને લોકો મહેનત કરી, સુખ અને સમૃધ્ધિ મેળવી શકે, તેવું ગ્રહો અને નક્ષત્રોની ચાલ દર્શાવે છે. એટલું ચોક્કસ છે કે, હવે લોકોને પોતાની મહેનતનું પરિણામ મળતું દેખાશે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. ડર, અશાંતિ અને અસ્થિરતા દૂર થતી જાય. અને એવું મહેસૂસ થાય કે ફરી ગાડી પાટા પર આવી રહી છે. આ બાબતે સ્વદેશીનો સ્વીકાર પોતાના તથા સમાજના અને છેવટે દેશના વિકાસ માટે જરૂરી બની જાય છે.
આપ સૌને વિક્રમ સંવત *2079 ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ… ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.*
મેષ (અ, લ, ઇ)
વર્ષ દરમિયાન શનિદેવ તમારા દસમા ભાવમાં વધુ સમય રહેવાના છે. દસમા ઘરને કર્મભાવ પણ કહેવામાં આવે છે. આથી તમરા શુભ કર્મનું ફળ સફળતા કે નબળા કર્મો નિષ્ફળતા અપાવે. રીસામણે ગયેલી પત્ની પાછી આવે. વિવાહ યોગ નિર્માણ કરે. ધંધામાં નવા ભાગીદારો મળે. ભાગીદારો થકી ધંધાનો વિકાસ થાય. વર્ષના અંત ભાગમાં મોસાળ પક્ષથી કે વારસાઇ સંપત્તિ અપાવે. જાન્યુઆરી થઈ માર્ચ સુધી, વિશેષ કરીને પોતાના વાહનો ચલાવવા માટે સાવધાની રાખવી. કોર્ટ કેસ કે અન્ય વિવાદ ચાલતો હોય તો ગંભીરતાથી નોંધ લેવી. હળવાશથી લેવાના પરિણામે સહન કરવું પડે. કોઇ માટે જામિન પડવું નહીં. ઉછીના પૈસા આપવા નહી પરિવારમાં વડીલોનો વિયોગ સહન કરવો પડે. વર્ષ દરમિયાન શનિ ઉપાસના ખૂબ સારું ફળ આપશે.
ઓફિસની વાત, તમે બહારના લોકો કે અન્યો સાથે શેર કરો છો, તે છોડવાની જરૂર છે. જેનાથી તમે સહકર્મચારી કે અધિકારીઓના રોષનો ભોગ બનતા બચી જશો.
નોકરી-ધંધો તથા આર્થિક વિકાસ
ચાલતા કામ ચાલ્યા કરે. જૂના મિત્રો અને સંબંધીઓ તરફથી ફાયદો થાય. અથવા તે કોન્ટેક્ટ દ્વારા આર્થિક વિકાસ કરવા માટે મદદ મળી રહે. નવા વર્ષમાં આર્થિક સ્થિતિ સુધારવા માટે, મહેનત વધારવાની જરૂર છે. વિદેશ વ્યાપાર કરતા લોકો માટે સમય સારો છે. શેરબજારમાં, તેજીનો ચમકારો દેખાય ત્યારે લાભ લઈ લેવામાં તમારો અનુભવ કામે આવશે. ગુરુવારનું વૃત અને વડિલો નું સન્માન સાચવવાથી સફળતા મેળવવી સહેલી બની જાય છે.
સ્ત્રીઓ માટે વિશેષ
વિવાહ યોગ્ય સ્ત્રીઓ માટે સમય સારો છે. લગ્ન અંગેની સમસ્યા દૂર થઈ જશે. માનસિક અશાંતિથી પીડાતી બહેનો માર્ચ મહિના પછી શાંતિની અનુભૂતિ કરી શકશે. આ વર્ષના અંતમાં સંતાન પ્રાપ્તિની શક્યતા છે. એપ્રિલથી ઓગસ્ટ સારા સમાચાર લાવશે આ વર્ષે આપના હાથે કોઈ સારું તથા મોટું પારિવારિક કાર્ય થશે. પરંતુ કોઈ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. વધારો પડતો પ્રેમ પણ મુશ્કેલી સર્જી શકે છે. નોકરિયાત મહિલાઓ માટે માનસિક ટેન્શનથી ફ્રી થઈને કામ કરવાની જરૂર છે.
વૃષભ(બ, વ, ઉ)
શનિદેવ વૃષભ રાશિના લોકો માટે આવકના નવા રસ્તા ખોલશે. જેટલી મહેનત કરશો તે ચોક્કસ સફળતા અપાવશે. આ સાથે, વાહન ચલાવવામાં ખાસ તકેદારી રાખવી. ઈલેક્ટ્રોનિક કે જવલનશીલ વસ્તુથી વર્ષની શરૂઆતમાં દૂર રહેવું. ચૈત્ર માસમાં અને અશાઢ માસમાં, આપના માટે સુવર્ણ અવસર લઈને આવશે. આવકમાં વધારો થાય. વિદેશથી કે દરિયાકાંઠાની વસ્તુના વેચાણથી લાભ પ્રાપ્ત થાય. જમીન મકાન સંપત્તિના પ્રશ્ન દૂર થાય. નવા મકાનનો યોગ ઉભો થાય. જન્મ સમયના ગ્રહો સારા હોય તો, થોડી મહેનત પછી અપાર સફળતા અપાવે. આવકના પ્રમાણમાં વૃદ્ધિ કરાવે. પરિવારમાં કોઈ લાંબી બીમારી હોય તો ગંભીરતાથી લેવી. આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ બતાવે છે માટે સમજી વિચારીને ખર્ચ કરવો. અંગત વ્યક્તિઓ સાથે મનદુ:ખ કરાવે તો સંભાળી લેવું. માર્ચ મહિનાથી ભાગ્યની વૃદ્ધિ કરાવે. અવિવાહિતો માટે શુભ સમાચાર લાવે.
નોકરી-ધંધો અને આર્થિક વિકાસ
આ વર્ષ, આર્થિક બાબતે આપના માટે ઘણું લાભદાય છે. ભાગદોડ કર્યાવગર આપ માત્ર બુદ્ધિથી ધન કમાઈ શકશો. આ વર્ષે શેરબજાર, દલાલી કે ફિલ્મી ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો માટે સુવર્ણ તક છે. શેરબજારમાં લાંબાગાળાનું ઈન્વેસ્ટમેન્ટ ખૂબ લાભદાયી રહેશે. કોઈ કરજ, લોન કે વ્યાજના ચક્રમાં હશો તો આ વર્ષે તેમાંથી બહાર નીકળી શકશો. જો સર્વિસ કરતાં હશો તો એપ્રિલથી આપના માટે બઢતીના યોગ છે, પરંતુ મહેનત, ધગશ અને ખંત જરૂરી બનશે.
સ્ત્રીઓ માટે વિશેષ
સંતાન પ્રાપ્તિની ઈચ્છા વાળી સ્ત્રીઓ માટે એપ્રિલથી ઓગસ્ટ સારા સમાચાર લાવશે. નોકરિયાત મહિલાઓ માટે આર્થિક સમસ્યાઓ દૂર કરવાના રસ્તાઓ મળતાં દેખાય. હવે તમે ખૂબ સમજી વિચારીને નિર્ણયો લેતાં જશો. ખાસ કરીને કપડામાં ખર્ચાઓ થશે. નોકરિયાત મહિલાઓનું પ્રમોશન થાય . બિઝનેસ કરતી મહિલાઓ પતિ સાથેના અણબનાવો દૂર થાય.
મિથુન (ક, છ, ઘ)
આ વર્ષે બોલવા કરતાં વધુ કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો ખૂબ ફાયદો થશે. તમારા માટે અનેક રસ્તા ખુલ્લા છે. પરંતુ યોગ્ય રસ્તો પસંદ કરી દોડવા લાગી જાવ. વર્ષની શરૂઆતમાં ઓફિસમાં મિત્રો અને સહકર્મી સાથે સુગમતા રહે. ચૈત્ર માસ પછીના સમયમાં, એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ બોજારૂપ ભાવો સાથે કામ ન કરવું. અહીં વિવેકદ્રષ્ટિ જરૂરી છે. અન્યથા તમે કામ પડતું મુક્શો. તમારીમાં ઊર્જા અને આત્મવિશ્વાસનો ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આર્થિક અને સામાજીક મુદ્દે, લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે અગત્યની રહેશે. મહા માસથી ચૈત્ર સુધીના ગાળામાં તમારે ધૈર્ય જાળવવાની અને બિનજરૂરી વિવાદોમાં ન પડવાની સલાહ છે. એપ્રિલ પછી, જીવનમાં આર્થિક સ્થિતિ નસીબનો સાથ આપી શકે છે, જે તમારા જીવનને વધુ સારું બનાવવા માટે મદદરૂપ સાબિત થશે. મે મહિનો તમારા માટે સુખદ આશ્ચર્યનો મહિનો સાબિત થઈ શકે છે.
નોકરી-ધંધો અને આર્થિક વિકાસ
તમે મૂડીરોકાણ અને વેચાણ પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરશો તો ઝડપી પ્રગતિ થશે. નાણાકીય બાબતો તમારા માટે અગત્યની રહેશે. તમારે તમારું વ્યક્તિગત રોકાણ અને વ્યવસાયને યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર જણાય છે . ખર્ચાઓ અને ઓછો નફો તમને પુનર્વિચાર કરવાની ફરજ પાડશે. શેરબજારમાં રોકાણ લાભદાયી બની રહે તેવી શકયતા છે. નોકરી કરતા લોકો માટે રાહત અને ખુશીનો સમય આવી રહ્યો છે.
સ્ત્રીઓ માટે વિશેષ
માગશર મહિનો નોકરી કરતા બહેનો માટે દોડધામ અને ઘણી વ્યસ્તતાનો છે, જ્યારે ગૃહિણીઓ માટે આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહે, ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, બાળકોના શિક્ષણ માટે ધ્યાન આપવાની જરૂર છે, ટ્યુશન ક્લાસ ઉપરાંત તમારે પોતે વિશેષ ધ્યાન રાખવું જોઈશે. પરિવારના શુભપ્રસંગમાં આનંદ માણવો.
કર્ક(ડ, હ)
આ વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. પોતાના અને પરિવારજનો માટે તબિયતની કાળજી રાખવી જોઈએ. “ચેતતા નર સદા સુખી” – એ કહેવત સાર્થક દેખાશે. હોટલમેનેજમેન્ટ, સ્કૂલ મેનેજમેન્ટ, આર્ટ, કલા, કોમ્પ્યુટર કે… સી.એ. ના ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ઘાર્યું પરિણામ લાવશે. પરદેશમાં રહેતા સગા સંબંધીઓ અથવા પરદેશ સાથે વેપાર કરતા વેપારીઓ અને ગ્રાહકો માટે ખૂબ સારો સમય આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે ભણવા જવા માટેના ચાન્સ એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે ખૂબ સારા બને છે. આ વર્ષ તમારી નોકરી અથવા વેપારને લગતી કારકિર્દી માટે ખૂબ અગત્યનું બની રહેશે, આથી મહેનત કરવામાં પાછળ ન રહેવું. બહુ મોટું સાહસ કરતાં વિચાર કરજો. ઠંડા દિમાગથી કામ કરવું સલાહ ભરેલું છે. પોતાના પત્ની અને બાળકો માટેની લાગણી ઘણી રહે પણ તેને લીધે, સગા સંબંધી કે મિત્રવર્ગ સાથેના સંબંધો કાપી ન નાંખો. તેનું ધ્યાન રાખજો… આગળ વધવા માટે ચૈત્ર માસ પછી, મહેનત અને કામકરવાની ધગશ વધારવી પડશે. અત્યારે જે વાવશો તે સરસ રીતે ઉગી નીકળશે.
નોકરી-ધંધો અને આર્થિક વિકાસ
આર્થિક લેન્ડદેવડ માટે સજાગ રહેવું. મિત્રો અને સંબંધીઓ સાથે શાંતિથી કામ લેવું, આર્થિક બાબતે શેર બજારમાં, જમીન અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા લોકો માટે ખૂબ સારો સમય આવી રહ્યો છે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા છે. સારી જગ્યાએ ટ્રાન્સરની પણ શક્યતા છે. ટૂંકમાં આર્થિક રીતે આ વર્ષે ખૂબ સરસ પરિણામ આપશે…જો સમઝદારીથી મહેનત કરશો તો.
સ્ત્રીઓ માટે વિશેષ
નોકરી કરતા અને ગૃહિણીઓ.. આ વર્ષ દરમિયાન તમે જોઈ શકાય તેવો વિકાસ સાધશો. આનંદમાં અભિવૃદ્ધિ અને પરિવાર સાથેનું બંધન વધુ મજબૂત થાય. તમે સંતાનો અને પરિવારને આગળ લઈજવા માટે જરૂરી દરેક બાબતે લાગણીભરી નિસ્બત દાખવો છો, તેની અસર રૂપે તમને બધી દિશાઓમાંથી સહકાર મળી રહેશે. આ સમયગાળામાં, પરિવારના લોકોને, ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ ગમનના પણ યોગો રહેલા છે.
સિંહ (મ, ટ)
આર્થિક, કરિયર, કે પછી, શિક્ષણ ક્ષેત્ર સંબંધિત શ્રેષ્ઠ પરિણામો મળશે. જો યોગ્ય મહેનત કરશો તો, આ વર્ષે તમારા કરિયરની સૌથી સારી સફળતા મેળવી શકાશે. નવું વર્ષ તમારા માટે ખાસ સંકેતો લઈને આવી રહ્યું છે. જો આ સંકેતો તમે સમજી શકશો, તથા અમલમાં મૂકી શકશો તો સફળતા મેળવવી સહેલી બની જશે. નહીં તો લાંબા ગાળે, પ્રગતિમાં અવરોધ ઊભો કરશે. કૌટુંબિક લોકોની મદદ તેમને શનિ મહારાજ કરાવશે. દારૂ, જુગાથી દૂર રહેવું હિતાવહ છે. નહીં તો મોટો ફટકો સહન કરવો પડે. સરકારી કે પ્રાઇવેટ ક્ષેત્રની નોકરીમાં ફેબ્રુઆરીથી જુન સુધીમાં પ્રમોશન યોગ બને છે. પ્રગતિ માટે ગુરુ મહારાજની મહેરબાની જરૂરી બનશે. મકાનનો તથા વાહનનો યોગ બને, બચત કરાવશે તથા નાણાભીડ નો ભય રોકશે. કૌટુંબિક ભાવના ઊભી કરાવશે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને બુલંદ આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે જેથી તમે સફળતા હાંસલ કરશો. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોતાં રહેવું. નવા આર્થિક સાધનો ઉભા કરી શકાય તેમ લાગે છે.
નોકરી-ધંધો અને આર્થિક વિકાસ
આ વર્ષમાં ધન કમાવવાના અનેક વિકલ્પો ઊભા થશે. અત્યાર સુધીમાં કમાયેલું ધન, કુટુંબ અને પરિવારમાં ખર્ચ થયેલું છે, આ વર્ષથી આપ પોતાના ભવિષ્યનો પ્લાન કરી ધંધામાં ઈન્વેસ્ટ કરશો, કેમિકલ, મિકેનિકલ, રીયલ એસ્ટેટ, વગેરેનું ઇન્વેસ્ટમેન્ટ લાંબાગાળે આર્થિક ફાયદો ખૂબ અપાવશે. જાન્યુઆરીથી માર્ચના અંત સુધીમાં, આપને કોઈ કેસ કબાડામાં ના નાખે તેની ખાસ તકેદારી રાખવી. શક્ય હોય તેટલું નીતિથી જ કમાવાનો આગ્રહ રાખવો.
સ્ત્રીઓ માટે વિશેષ
પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડે નહીં એ માટે, વ્યવસાય ક્ષેત્રમાં સંકળાયેલી મહિલાઓએ કારણ વગરની અંગત વાર્તા, કોઈ બીજાની સાથે શેર કરવી નહી. નોકરિયાત મહિલાઓએ ઉપલા અધિકારીઓથી તકેદારી રાખવી. ગૃહિણીઓએ ઘરકંકાસથી દૂર રહેવું આપના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે નાણાંની બચત કરવી, આ વર્ષમાં આપની શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે તે માટે યોગ અને ધ્યાન ખૂબ જરૂરી બનશે.
કન્યા(પ, ઠ, ણ)
વર્ષ દરમિયાન, તમને તમારા જીવનમાં શ્રેષ્ઠ પરિણામો મળી શકશે, જો તમે સંપૂર્ણ ધ્યાન આપી સખત મહેનત કરશો. સાથે સાથે મિત્રો તથા ભાગીદારીની બાબતોમાં પણ ધ્યાન આપશો. આ વર્ષે આપને સખત પુરુષાર્થ કરવો પડશે. ભાગ્યને જોરે બેસી રહેવા જોવો સમય આ નથી. શેર-સટ્ટા, જુગાર વગેરેમાં જોખમ જણાય છે. કોઈ બીજા ઉપર ગુસ્સે થવું નહી. ગુસ્સા આપના માટે પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢાવી શકે છે. લડાઈ ઝગડાથી દૂર રહેવું. બઢતી કે બદલીના પ્રશ્નોમાં વિલંબ થાય તો ચિંતા કરવી નહીં. આ વર્ષના અંત ભાગમાં શત્રુઓથી છુટકારો પ્રાપ્ત કરી શકશો. આ વર્ષે સંઘર્ષ અને કસોટીમાંથી બહાર નીકળી વિજયી બની પૂર્ણ કરવાનું થાય. શનીદેવની ઉપાસના, તમારી મહેનત અને તાપસ્યમાં નવા રંગ પૂરી શકે છે ગુરુ મહારાજ, આપને લાભ અપાવે. પ્રેમમાં સફળતા અપાવે. સ્વમહેનતથી ભાગ્યનું નિર્માણ થાય. શિક્ષણ, ટ્યૂશન ક્લાસ, સ્કૂલ, કોલેજના ક્ષેત્રમાં સંકળાયેલા લોકો માટે ખૂબ સારો સમય છે.
નોકરી-ધંધો તથા આર્થિક વિકાસ
મહેનત કરશો તો, આ વર્ષમાં ધન કમાવવું ખૂબ સહેલું છે. રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે, માલામાલ થઈ જવાનો પ્રબળ યોગ છે. આર્થિક બાબતમાં સુધારો માર્ચ મહિનાથી વર્ષના અંત સુધી ચાલુ રહેશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામકાજ આગળ વધારવું. સામાન્ય રીતે જોતાં આ વર્ષે આર્થિક વિકાસ પાટા પર આવી જશે. નોકરી કરતા લોકો માટે સ્થાનિક સ્થિરતા દેખાય છે. બઢતી અથવા પગાર વધારો તમારી આશા વધારશે.
સ્ત્રીઓ માટે વિશેષ
જીદ્દી સ્વભાવના કારણે પરિવારની નજરમાં એકલા પડી જવાના યોગ છે. માટે સૌ સાથે સુમેળ રાખવો. આખા પરિવારનું આપ કામ કરો છો. પરંતુ સામે બોલીને કે ઝગડો કરીને બગાડતા હોવાથી અળખામણા બનો છો. કરકસર કરશો તો ખર્ચમાં ઘણો ઘેર પડે તેમ છે. હોસ્ટેલ, હોટેલ કે હોસ્પિટલ, સાથે કામ કરવા વાળા બહેનો માટે સફળતા સહેલાઈથી મળી શકે છે. કુટુંબના સભ્યો સાથે આનંદ રહે. શાંતિ અને સ્થિરતા રાખી કામ કરવાથી સફળતા અને શુભેચ્છા બન્ને મળે.
તુલા(ર, ત)
તમારી પાસે ખૂબ પૈસા કમાવા અને કાર્યક્ષેત્રમાં આગળ વધવાના અનેક રસ્તાઓ છે, પરંતુ કઠણાઈ એ છે કે… તમે તે માટે પુરતી મહેનત કરતા નથી. લોખંડ, વાહન, ટ્રાન્સપોર્ટ, ઇલેકટ્રોનિક સાથે સંકળાયેલા આ રાશિવાળી વ્યક્તિઓ માટે સોનાનો સૂરજ ઊગતો દેખાશે, બાકીના વ્યવસાય સાથે જોડાયેલા અને નોકરી કરતા આ રાશિના વ્યક્તિઓએ માગશર માસના અંત સુધી શાંતિ રાખવી જોઈએ. જન્મ સમયે શનિ અને ગુરુ નબળા હોય તો, આ સમયગાળામાં તમારે ધૈર્ય જાળવવાની અને બિનજરૂરી વિવાદોમાં ન પડવાની સલાહ છે. વર્તમાન સંજોગોને આધીન રહીને જીવનમાં ફેરફાર સર્જાશે, તમારે આર્થિક સંકટમાંથી નિકળવાનો સમય આવી ગયો છે. કુટુંબમાં સ્નેહ જળવાઈ રહે. કોઈ વખત આપની માનસિક સ્થિતિ ડામાડોળ થતી જણાય અને આત્મવિશ્વાસ ડગતો લાગે તો મહાકાળી કે હનુમાનજી ની ઉપાસના મદદરૂપ થાય.
નોકરી-ધંધો અને આર્થિક વિકાસ
ખર્ચાઓ પર શરૂઆતમાં નિયંત્રણ રાખવું જરૂરી છે . ફાગણ માસ પછી આર્થિક સંકડામણ દૂર ધાય. નોકરીમાં પ્રમોશનના યોગ છે. આંખ કાન કે માથાના દુખાવામાં વધારો થાય તો તાત્કાલિક સારવાર કરાવવી હિતાવહ છે. બહાર જમવાનું જોખમ કારક છે માટે ખાવા-પીવામાં ધ્યાન રાખવું. ઘર માટે, અગત્યની વસ્તુની ખરીદી થાય. પ્રસંગોમાં જવાનું થાય, આડોશીપાડોશી સાથે સંબંધી સુધારવા જરૂરી. બાકી આર્થિક વિકાસ હાંસલ કરવા મિત્રો ઉપયોગી થશે.
સ્ત્રીઓ માટે વિશેષ
ઘરેલુ ગૃહિણીઓ માટે, વર્ષની શરૂઆતમાં પ્રવાસનું સુંદર આયોજન થાય. નીકરિયાત સ્ત્રીઓ માટે પ્રમોશનના યોગ છે. ઉપલા અધિકારીઓથી વાહવાહી મળે. વર્ષના મધ્ય ભાગમાં ચૈત્ર માસથી અશાઢ માસ દરમિયાન સંતાન પ્રાપ્તિ માટે સારો સમય છે. ઘરમાં માંગલિક પ્રસંગો આવે. કુળદેવીની પૂજા ભાગ્યોદય માટે ઉપયોગી સાબિત થાય. પોતાનો સ્વતંત્ર બિઝીસ સંભાળી રહેલ મહિલાઓ અથવા પત્તિ સાથે કામ કરી રહેલી સ્ત્રીઓ માટે દીર્ઘદ્રષ્ટિ અને કુનેહ, વિશેષ મહત્ત્વની સાબિત થાય.
વૃશ્વિક (ન, ય)
તમારે મધ્યમ પરિણામને શ્રેષ્ઠ પ્રદર્શનમાં ફેરવવાની જરૃર છે. અને આ તમરી સાચી સફળતા ગણાશે. આ માટે યોગ્ય રસ્તો અને સાચા સહાયકોને પસંદ કરવા જરૃરી છે. તમે યુવા હોવ અથવા અસિનિયર સિટીઝન, બહાર ગામ રહેતા અને ખાસ કરી શરદી વળા લોકોએ આરોગ્યની કાળજી રાખવી. અટકેલી લોન પાસ થાય. નોકરિયાત વર્ગો માટે કામ ખૂબ વધે. જે લાંબા ગાળે લાભકારક સાબિત થાય. વિવાહના પ્રશ્નમાં સફળતા મળે.. પોલીસમાં, મિલિટ્રીમાં, કે પછી દેશની સુરક્ષામાં સહેલા લોકો માટે મુશ્કેલ સમય છે પરંતુ ગભરાઈ જવાની જરૂર નથી. આ સમય દરમિયાન આર્થિક લાભ પણ મળશે. જન્મકુંડળીમાં, મંગળ કે શનિ નબળા હોય તો, ઉકળાટ ન કરવો. માનસિક શાંતિ રાખવી. તણાવમાંથી મુક્ત રહેવું. જૂની ઉઘરાણીઓ આવવા લાગે. નવા વાહનની ખરીદી થાય. ભાગીદારીથી અણબનાવ હોય તો સમાધાન થાય. પરંતુ પત્ની સાથે વિવાદ ઊભો ન થાય તે ખાસ જોવું. આ વર્ષે, જૂગાર અને શેરસટ્ટાથી દૂર રહેવું જરૂરી છે, જમીન મકાનમાં લાભ દેખાય છે.
નોકરી-ધંધો અને આર્થિક વિકાસ
નોકરિયાત લોકો માટે આ વર્ષે મધ્યમ ઉપલબ્ધિ છે. જમીન, મકાન, વાહન ખરિદવાના યોગ બને છે. વેપારમાં વિકાસના યોગની શરૂઆત થાય. ધંધાકીય હરિફો અને શત્રુઓ તમને પછાડવાનો એકપણ મોકો નહીં છોડે, પરંતુ મહેનત ધગશ અને ખંત તમને વિજય અપાવશે. જોકે હિતશત્રુઓ અને વિરોધીઓ કાર્યો અટકાવશે, ધંધાની અંગત વાતો કોઈ સાથે શેર કરવી નહીં. કોઇની ટેક્સ કે કરચોરી બાબતે સલાહ માનવી નહીં. નવા મકાન, કે વાહન ખરીદવા માટે સારો સમય છે.
સ્ત્રીઓ માટે વિશેષ
ગૃહિણીઓ માટે સૌથી વધુ સારો સમય છે. ઘરમાં માંગલિક પ્રસંગો આવે. પુત્ર કે પુત્રી ના જન્મદિવસ નિમિત્તે આયોજિત પાર્ટીમાં આનંદ રહે. નોકરી કરતા બહેનો માટે કે પછી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીની માટે વધુ મહેનત કરવી પડે. પરંતુ છેવટે સારો લાભ થાય. નોકરીમાં, શરુઆતમાં મુશ્કેલી પડે પરંતુ છેવટે અનુકૂળતા થઈ જાય. નોકરી કે ધંધાના ઉતાવળે લીધેલો નિર્ણય, લાંબા ગાળે તકલીફ રુપ થાય, માટે દીર્ઘદ્રષ્ટિ રાખવી.
ધન(ભ, ધ, ફ, ઢ)
મંગળનું ધનુરાશિમાં થતું ગોચર તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાનું કામ કરશે. છતાં તમારે મોટે ભાગે તમારા ખર્ચને નિયંત્રિત કરવાની જરૂર પડશે, નહિંતર, તમારે ભવિષ્યમાં નાણાકીય સંકટનો સામનો કરવો પડે. એપ્રિલથી, ગુરુ પણ તેની પોતાની રાશિ મીન રાશિમાં સંક્રમણ કરશે, જે તમારા નાણાકીય જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો સૂચવે છે. આમાટે નિરાશાને ખંખેરી તૈયાર થઇ જાવ. નવા પરાક્રમ માટેનો નવી તક મળી રહી છે. પોતાના કહેવાતા માણસો, ખોટા હોય તો પણ શાંતિ રાખવાની જરૂર છે. જરૂર કરતાં વધારે નહીં બોલવું, જેનાથી તમે સહકર્મચારી કે અધિકારીઓના રોષનો ભોગ બનતા બચી જશો. સંતાન બાબત સજાગ રહેવું જોઈએ . તેમની પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સવારે બહ્મમુહૂર્તમાં હનુમાન ચાલીસા નો પાઠ કરવા અથવા ગાયત્રીમંત્રનો જપ કરવાની વિશેષ જરૂરિયાત છે. જે તમારી પ્રગતિ અને મનની શાંતિ જાળવી રાખશે. ટૂંકમાં નવું વર્ષ તમરા માટે આર્થિક પ્રગતિ અને મહેનત બન્નેના સુમેળથી ઉન્નતિ થશે તેમ દર્શાવે છે.
નોકરી ધંધો તથા આર્થિક વિકાસ
પોતાના ધંધા માટે આપને નવા કામકાજ શરૂ કરવાનાં વિચાર આવે. નોકરી કરતા લોકો માટે, ઉપરી અધિકારીઓ સાથે સુમેળ રાખવાથી જ કાયદો ધશે. આપને, સીમેન્ટ, ખનિજ, જમીન, લોખંડથી વધારે લાભ થાય તેમ છે. ઇમ્પોર્ટ એકસ્પોર્ટમાં લાભ મળે, પણ કાપડ અને હોટલ સાથે સંકળાયેલા કે નોકરી કરતા લોકોને મહેનત વધારે માંગી લેશે. પોલીસ, કે સહકારી ક્ષેત્રના લોકોએ જરા પણ ખોટું કરવાનું મનમાં પણ વિચારશો નહીં તો આર્થિક રીતે મજબૂત બની શકશો.
સ્ત્રીઓ માટે વિશેષ
નવા વર્ષથી જ આપને સમાધાનકારી વલણ અપનાવવું પડશે, પતિ-પત્ની વચ્ચેના અથવા કુટુંબ ના ઝઘડાઓ અંગે ધ્યાન રાખવું અને તેનાથી દૂર રહેવું. પ્રેમ પ્રસંગો પણ બળે, જેથી સંબધોમાં તિરાડ મોટી થતી જાય. માટે આવી બાબતોથી દૂર રહેવું. નોકરિયાત મહિલાઓ માટે માનસિક રીતે સ્ટ્રોંગ રહેવાની જરૂર, શારીરિક શોષણના ભોગ ના બનો તેનું ધ્યાન રાખવું.
મકર(ખ, જ)
ત્રણ ગ્રહો ગુરુ, શનિ અને રાહુના સ્થાનમાં ફેરફાર થશે, ત્યારે સૌથી વધુ સજાગ રહેવાની સૂચના છે. એપ્રિલના અંતમાં શનિનું કુંભ રાશિમાં સંક્રમણ થતાં, પાછલા વર્ષના અંદાજ કરતાં વધુ મહેનત કરવી પડશે. જન્મનો શુક્ર અને શનિ સારા હોય તો, કોર્ટના કેસમાં વિજય અપાવે, ધાર્મિક કાર્યો કે સામાજિક કાર્યોમાં નામના અપાવે, નીતિથી, અને ધર્મથી ચાલશો તો કંઈ વાંધો નથી, નહીં તો, કોર્ટ કેસ કે ટેક્સ ચોરી , લોન ના ભરપાઈ કરવી. વ્યાજના ચક્કર.. વગેરે મુશ્કેલીઓ આવશે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિથી સમય પસાર કરશો તો સફળ થઈ સકશો. આ સમયે તમને તમારી કુળદેવીની ઉપાસના, કામ આવશે. આપના સંતાનોના વિદ્યા અભ્યાસની ચિંતા દૂર થાય. આપ ધાર્મિક હશો તો આપને આખું વર્ષ ખૂબ સારૂં રહેશે. કાપડના વેપારીઓ શિક્ષકો, પત્રકારોને પરેશાની સહન કરવી પડશે.
નોકરી ધંધો તથા આર્થિક વિકાસ
નૂતન વર્ષના પ્રારંભથી મૂડી રોકાણ માટે સારો સમય છે. જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં કરાયેલું રોકાણ લાંબા ગાળે ખૂબ ફાયદો આપશે. ઈમ્પોર્ટ એક્સપોર્ટ, સોના ચાંદી, પેટ્રોલિયમ ક્ષેત્રના લોકો અને નોકરીયિતો માટે સારો સમય છે. કાપડના વેપારીઓ તથા કપાસ વાવતા ખેડૂતોએ ખૂબ તકેદારી રાખવી. તેલ, તેલીબિયાં અને શાકભાજી ઉગાડતા લોકો માટે, આર્થિક સધ્ધરતા મળી રહે. પુનમના દિવસે શંકરભગવાનની કે સત્ય નારાયણની પૂજા કરવાથી લાભ થાય.
સ્ત્રીઓ માટે વિશેષ
ગૃહિણીઓએ, પોતાના હક્કની લડાઈમાં વિજય પ્રાપ્ત થશે. નોકરિયાત મહિલાઓ માટે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં બઢતી કે સ્થળાંતરના યોગ છે. ગૃહિણીઓ પતિનો પ્રેમ પ્રાપ્ત કરી શકશે. વર્ષના આખરી ભાગમાં ઓગસ્ટથી ઓકટોબર સુધીમાં ઘરના ઘરનું સ્વપન પૂરું થાય, સંતાનો સાથે સુમેળ રહે, મનમાં ધારેલી સફળતા મળે. વિવાહ યોગ્ય મહિલાને માટે ખુબ સારો સમય છે. તમારા પરિવારમાં માંગલિક પ્રસંગો ઊજવાય. વિવાહ યોગ્ય ક્ધયા હોય તો સારું પાત્ર મળે.
કુંભ(ગ, સ, શ, ષ)
તમારી શાંતિ, સ્થિરતા અને મીઠો સ્વભાવ, આવી રહેલા સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. માટે આ ગુણો કેળવવા પ્રયાસ કરવો. ડોકટર, ઈજનેર કે સાયન્સના ક્ષેત્રે કામ કરતા લોકોને વધારે મહેનત કરવી પડે અને ફળ પણ સારૂં મલે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તબિયતનું ધ્યાન રાખવું. કુટુંબના છોકરી છોકરાના પ્રશ્નો કે પોલીસ કેસથી બચવું. આ વર્ષે નવો કોન્સેપ્ટ આપણા ક્ષેત્રમાં સફળતા અપાવશે. વડીલ વર્ગનો સહયોગ મળી રહે. વાહન ચલાવવામાં સંભાળવું. લડાઈ ઝઘડાથી દૂર રહેવું, ઘરમાં ખુશીનો પ્રસંગ આવે. જે ખર્ચા કરાવે. જન્મના ગ્રહોનો સાથ હોયતો શેર બજારમાં અથવા લોટરીમાંથી નાણાં મળી રહેશે.. આ વર્ષ તમારા નામે સ્થાવર જંગમ મિલક્તમાં ફેરફાર શક્ય છે . મિત્રો સ્વાર્થી બનતા લાગે . નોકરી કરતાં હોયતો બદલી કે બઢતી જણાતી નથી. છતાં પોતાના નજીકના અધિકારીઓ સાથેના સંબંધો કામ કરી જાય. ધર્મની બાબતમાં આસ્થા લાભદાયી બની શકે છે.
નોકરી-ધંધો અને આર્થિક વિકાસ
ખોટા ખર્ચા ન કરવા. બચત સમજી વિચારીને વાપરવી સલાહ ભરલી છે. આર્થિક દૃષ્ટિએ આપને ખાસ તક્લીફ પડતી જણાતી નથી. ગુરુના આશીર્વાદ અને ઈશ્વર કૃપાથી ભાગ્ય પલટાય છે. ગુરૂ પોતે લાભ સ્થાનનો માલિક 9 મે ભાગ્ય સ્થાનમાં સારો એવો સમય રહે છે. લાભાધિપતિ લાભ સ્થાનમાં છે જે પણ સારો છે. એટલે આપે કોઈ રીતે ગભરાવાની જરૂર નથી. જેઓને કામ કરવું છે તેમને પોતાના ભાગ્ય પ્રમાણે નવું કામ મળી રહેશે,
સ્ત્રીઓ માટે વિશેષ
જો તમે નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા હશો તો, પરિવારના સભ્યો અને મિત્રો તરફથી સહકાર મળી રહેશે. આર્થિક સધ્ધરતા વધશે. પરિવારમાં શુભ પ્રસંગે મહાલવાની મઝા આવે. કુટુંબના જુના સંબંધો તાજા થાય.જો ગૃહિણી હશો તો, ઘરમાં શાંતિ અને આનંદ વધારે તેવી પ્રવૃત્તિ માટે આ સમય સારો છે. બાળકોના અભ્યાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. અધૂરા છોડેલા કાર્યો કરવા માટે સારો સમય મળી રહે.
મીન(દ, ચ, ઝ, થ)
તમારી રાશિના સ્વામી તમારા પોતાના ઘરમાં સાનુકૂળ સંક્રમણને કારણે તમે નોકરી અને વ્યવસાયમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. બીજી તરફ, નવી નોકરી શોધી રહેલા લોકોને પણ મહેનતનું ફળ મળશે. વિદેશ જવાની, કે ત્યાં અભ્યાસની ઈચ્છા પૂરી થાય. વિદેશો સાથેના વેપાર માટે સુંદર સંભાવનાઓ છે. રમતગમતના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ઝળકવાના ચાન્સ છે. ફેશન ડિઝાઈન આર્કિટેક્ટ, તથા ઈન્ટીરિયરના ક્ષેત્રે કામ કરતા લોકો માટે પણ આ સારો સમય છે. ડર દૂર કરવાની જરૂર છે, વડીલો તથા શિક્ષકોની સલાહ પ્રમાણે ચાલવું સલાહ ભરેલું છે. પૈસા કમાવા સાથે બિયત સાચવવી જરૂરી છે. સીધી કે આડકતરી રીતે શેરબજાર સાથે કામ કરતા લોકો માટે, વચ્ચે વચ્ચે સારા ચાન્સ મળી રહે. થોડી હિંમત કરી રોકાણ વધારશો તો, ફાયદો થશે. બાકી તો એટલું સમજી લેવું કે, મહેનત વિના પૈસા મલવાના નથી. હા.. થોડી મહેનત કરી વધુ પૈસા કમાઈ સકાશે. કુટુંબ પરિવારના સભ્યો અને મિત્રો સાથે સારા સંબંધોને કારણે શાંતિ અને સ્થિરતા મળી રહે. શરૂઆતનું વર્ષ ઓછી મહેનતે સફળતા અપાવનાર છે.
નોકરી ધંધો અને આર્થિક વિકાસ
આ વર્ષે ટેક્નિકલ લાઈનના, ડોક્ટર, કોમ્પ્યુટર લાઈનના જાતકોએ ઓછી મહેનત કરવાથી ધાર્યું પરિણામ મેળવી શકશે. એકધારી મહેનત સફળતા આપાવે છે. તમારી બુધ્ધિ અને શક્તિ, તમારી પ્રગતિ માટે ઉપયોગી સાબિત થશે. નોકરી દરમિયાન આગળ વધવા માટે આ સમય સારો છે. આપનો આનંદનો અને આરામનો સમય પૂરો થઇ રહ્યો છે. હવે મહેનત કરી સફળતા તરફ આગળ વધવા પ્રયાસ કરવાનો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે.
સ્ત્રીઓ માટે વિશેષ
નોકરી કરતા બહેનોને સફળતા માટે થોડી રાહ જોવી પડશે. ગૃહિણીઓ માટે આ વર્ષે સૌથી વધુ સફળતા મળીશકે છે. સામાજિક અને આર્થિક રીતે રીતે સારી સફળતા મેળવી શકાય. મેનેજમેન્ટ વિભાગમ કામ કરતા બહેનો માટે ખૂબ ઉત્સાહ પ્રેરક રહેશે. ખોટા મિત્રો કે આળસુ લોકોની સલાહને અવગણીને આગળ વધવું. કુટુંબ પરિવારના સભ્યોને આનંદ રહે.