ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી અને માત્ર તેમની યાદો અને તેમની સાથેના સંસ્મરણો છે. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા માટે હજુ મન તૈયાર જ થતું નથી પરંતુ કડવી વાસ્તવિકતા આપણી સામે જ છે. અડધી રાતના હોંકારા જેવા વિજયભાઈ આજે સ્વર્ગસ્થ બની ગયા છે.
- Advertisement -
હું તો એટલું કહીશ કે વિજયભાઈની ઓળખ કોઈ વ્યક્તિ તરીકે નહી પરંતુ એક સંસ્થા તરીકેની વધુ હતી. તેઓનું પોતાનું પૂજિત રૂપાણી ટ્રસ્ટ તો હતું અને બાળકોની સેવા કરતા હતા પરંતુ બીજી અનેક એવી સંસ્થા હતી જેમાં વિજયભાઈએ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું.
લોકસેવાના સંસ્કાર એ જાણે વિજયભાઈની ઓળખ હતા. પોતાના કુમળીવયના પુત્રને ગુમાવ્યો એ પછી એની કાયમી સ્મૃતિ જાળવી રાખવા માટે વિજયભાઈએ દાયકાઓ પહેલાં ‘પૂજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી અને શહેરના અત્યંત છેવાડાના દરિદ્ર તેમજ પછાત વિસ્તારમાં માનવસેવાની ધૂણી ધખાવી હતી. આજે આ સંસ્થા વટવૃક્ષ સમાન વિકસી છે અને રાત-દિવસ માનવસેવાના અનેકવિધ કાર્યો કરે છે. પછાત વર્ગના બાળકો તેમજ મહિલાઓ માટે શિક્ષણ, તાલીમ અને આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોના માધ્યમથી આ સંસ્થા સાચા અર્થમાં જરૂરિયાતવાળા લોકોની અવિરત સેવા કરી રહી છે.
જૈન વિઝન સંસ્થા સાથેના તેમના સંબંધોની વાત કરું તો અનેક અશક્ય લાગતા અમારા જૈન વિઝનના પ્રોજેક્ટ કાર્યોમાં તેઓ જ મદદરૂપ થયેલા! કદાચ એમના નિખાલસ સાલસ સ્વભાવ અને મદદ કરવાની ભાવનાને લીધે રાજકોટના લોકોને તો તેઓ ક્યારેય એવા મોટા માણસ લાગ્યા જ નથી કહીએ તો ખોટું નથી! ખરેખર મોટા માણસ બન્યા પછી પણ એમની જેમ જમીન ઉપર જોડાઈ રહી શકે એવા જૂજ માણસો હોય છે. ગુજરાતના રાજકારણે એક ઉમદા માનવી ખોયો છે. પણ રાજકોટે પોતીકા વિજયભાઈ ખોયા છે.
જૈન વિઝનના કોઈપણ કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી કેન્દ્રસ્થાને જ રહેતા હતા. આવો રે આવો મહાવીર નામ લઈએ નામના ભક્તિસંગીતનાં કાર્યક્રમમાં તેઓ 2014થી અચૂક હાજરી આપતા હતા. આ કાર્યક્રમમાં તેઓ જ્યારે જવાની વાત કરતા ત્યારે હું કાયમ કહેતો કે એક છેલ્લું સ્તવન સાંભળીને જાવ. અને તેઓ મારી વાત માનતા પણ ખરા. હજુ હમણાં જ છેલ્લી ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક પાવન અવસરે એ પણ તેઓ આવ્યા હતા. મારે ખાસ કહેવું છે. કે એ દિવસે મારી અને વિજયભાઈની મુલાકાત કમનસીબે છેલ્લી મુલાકાત બનીને રહી ગઈ છે. એ દિવસ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપ્યા બાદ નિકળા ત્યારે હું બહાર ઉભો હતો એટલે સ્તવન માટે કહી ન શક્યો અને તેમને ગાડી સુધી વળાવવા માટે ગયો હતો. તેમણે આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.આ રૂબરૂમાં છેલ્લી મુલાકાત હતી પરંતુ ત્યાર પછી તાજેતરમાં ફોન ઉપર પણ વાત થઇ હતી. કલાકાર પદ્મશ્રી હેમંત ચૌહાણની 50 લગ્નની વર્ષગાંઠના કાર્યક્રમ સંદર્ભે ફોન ઉપર વિજયભાઈ સાથે વાત થઇ હતી. મારા કમનસીબે આ વાતચીતનું રેકોર્ડીંગ મારી પાસે નથી પરંતુ આ યાદગીરી મારા હ્રદયની હાર્ડડિસ્કમાં હમેશા માટે સચવાઈને રહેશે.
- Advertisement -
તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એક દિવસ અચાનક ચાલુ કાર્યક્રમે અનઇઝીનેસ ફિલ કરતા હતા અને અર્ધબેભાન થઇ ગયા હતા, ત્યારે સમગ્ર ગુજરાતના શુભેચ્છકો દ્વારા પ્રથાના કરેલ ત્યારે ટિમ જૈન વિઝન સંસ્થાઍ રાજકોટમાં નવકાર મંત્રના પાઠ સતત ચાલુ રાખ્યા હતા અને તેઓ સાજા થઇ ગયા એટલે મણિયાર દેરાસરમાં મહાઆરતી પણ યોજી હતી.
તેઓ મને પોતાના નાના ભાઈની જેમ રાખતા હતા અને ગમે ત્યારે સીધો સંપર્ક કરતા હતા.તેમની 2014 અને 2017 એમ બંને વિધાનસભાની ચૂંટણીમાં મને વ્યક્તિગત રીતે વિશેષ જવાબદારી વિજયભાઈએ મુંબઈથી નાસિક ઢોલને અન્ય જવાબદારી સોંપી હતી અને તે મે અને મારી ટીમએ યોગ્ય રીતે નિભાવી પણ હતી. વિજયભાઈની સરળતાની વાત કરું તો તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને ભાજપના એસ.ટી ડેપોની પાછળના ભાગે આવેલા કાર્યાલય ખાતે આવ્યા હોય ત્યારે મારા જેવા અનેક કાર્યકરોને પોતાની સાદગીના દર્શન કરાવતા અને સ્કૂટર ઉપર ઘરે મૂકી જવાનું કહેતા. વિજયભાઈની આ સરળતા સૌને સ્પર્શી ગઈ હતી.
અહી એક વાતનો ઉલ્લેખ પણ કરવો પડશે કે વિજયભાઈ જયારે પહેલી વાર વિધાનસભામાં પહોંચ્યા ત્યારે ભાજપના ધારાસભ્યો તો ઠીક, કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોએ તેમને પાટલી થપથપાવીને આવકાર્યા હતા. આ વાતથી પણ આગળ કહુ તો વિજયભાઈના નિધન પછી રાજકોટમાં બંધ પાળવા માટે કોંગ્રેસના કાર્યકરોએ લોકોને અપીલ કરી છે. આ વાત તેમની લોકપ્રિયતાની પારાશીશી છે.
હું એટલું પણ કહીશ કે પહેલા અરવિંદભાઈ મણીયાર અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીના નિધનથી ભાજપે કર્મઠ નેતા જ નહીં પરંતુ જૈન સમાજે પણ એક અગ્રણી ગુમાવ્યા છે. જેની ખોટ પૂરી શકાય તેમ નથી. અમદાવાદથી લંડન જઈ રહેલ એરોપ્લેન ક્રેશ અન્ય મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય, શોકગ્રસ્ત પરિવારોને આઘાત સહન કરવાની શક્તિ મળે પરમેશ્વરને પ્રાર્થના.