બાંગ્લાદેશમાં હિન્દુ નેતાઓને મુક્ત કરો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં બાંગ્લાદેશ સરકાર દ્વારા ઇસ્કોનનાં ચિન્મય દાસ પ્રભુ સહિતનાની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને ઠેર-ઠેર રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આજે રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળનાં આગેવાનો દ્વારા ’બાંગ્લાદેશમાં હિન્દુ નેતાઓને મુક્ત કરો’ સહિતનાં વિવિધ બેનરોની સાથે જ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યા હતા. ફક્ત એટલું જ નહીં બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી પ્રવૃત્તિ અને અત્યાચાર થતા હોવાનો આરોપ લગાવી ભારત સરકાર ત્યાં હિન્દુ વિરોધી તત્વોને રોકવા એક્શન લે એવી માંગ કરવામાં આવી હતી આ અંગે વિહિપનાં રાજુભાઇ ઉમરાણીયાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે અને હિન્દુ નેતાઓ તેમજ સંતોની ધરપકડ કરવામાં આવી છે. જેના વિરોધમાં આજે ત્રિકોણબાગ ખાતે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરાયા હતા. ભારતની સરકાર હિન્દુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ધરપકડ થયેલા તમામને મુક્ત કરાવે તે જરૂરી છે. ત્યાં વારંવાર મંદિરો તૂટે છે અને સનતાનીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. જેને અટકાવવા ભારત સરકાર પગલાં લે એવી અમારી માંગ છે. વિહિપનાં મનીષ પઢેરીયાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ ખાતે સતા પરિવર્તન થયા બાદ નવી સરકાર દ્વારા સતત હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને ચિન્મય દાસ પ્રભુ સહિતનાની ધરપકડ કરવામાં આવી છે તેમજ ઈસ્કોન મંદિર ઉપર બેન મૂકવાની વાતો પણ કરવામાં આવી રહી છે. જેને લઈને આજે રાજકોટનાં હિન્દુ સંગઠનો દ્વારા ત્રિકોણબાગ ચોકમાં વિરોધ કરાયો હતો. તેમજ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.