અધિક્ષકે એજન્સીને નોટિસ આપી ખુલાસો માંગ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે. જેમાં દવા-ડોક્ટર્સની અછત તેમજ ઉંદરો-વંદાનો ત્રાસ તેમજ સિક્યુરિટીઓના ગેરવર્તનની બાબતો સમયાંતરે સામે આવી ચૂકી છે. ત્યારે આજે વધુ એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક લિફ્ટમેન દરવાજા ખુલ્લા રાખીને આરામથી જમી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન દર્દીએ લિફ્ટમાં જવાનું કહેતા આ મહાશયે તેને બીજી લિફ્ટમાં જવા માટે કહ્યું હતું. એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવી વાઇરલ કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે અને સિવિલ અધિક્ષક દ્વારા લિફ્ટમેન સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ મામલે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, લિફ્ટ ખુલ્લી રાખીને લિફ્ટમેન જમતા હોવાનો વીડિયો મારા ધ્યાનમાં પણ આવ્યો છે. આ વીડિયો ટ્રોમા સેન્ટરનો હોવાનું જાણવા મળ્યું છે. આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. અને આવી બેદરકારી કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. લિફ્ટ માત્ર દર્દીઓ અને તેના સગાઓને ઉપર કે નીચે જવા માટે હોય છે. લંચ ટાઈમમાં જમવું હોય તો અન્ય સ્થળે જવું જોઈએ. આ બાબતે એજન્સી પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. અને એજન્સી દ્વારા આ મામલે સુરેશભાઈ નામના આ લિફ્ટમેનને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે. જે પગલાં લેવાશે તેની સૂચના પણ મીડિયાને આપવામાં આવશે.