ખાસ-ખબર સંવાદદાતા
મોરબી બાર એસોશિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ત્રણ કારોબારી સભ્ય સહિત સાત પદ માટે કુલ 20 ઉમેદવારો માટે ચૂંટણી યોજાયા બાદ સાંજે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોરબી બાર એસોશિએશનના નવા પ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારો વચ્ચેના જંગમાં વિપુલભાઈ જેઠલોજા મેદાન મારી જતા તેઓ બાર એસોસિએશનના નવા પ્રમુખ બન્યા છે. મોરબી બાર એસોશિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે પાંચ, ઉપપ્રમુખ પદ માટે ચાર, સેક્રેટરી પદ માટે ત્રણ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ત્રણ અને ત્રણ કારોબારી સભ્ય માટે પાંચ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હોય કુલ 20 સભ્યો માટે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. બપોરે બે વાગ્યા સુધી મતદાન થયા બાદ સાંજ સુધીમાં મતગણતરી કરી નવા વર્ષ માટેના હોદેદારો જાહેર કરવામા આવ્યા હતા જેમાં બાર એસો.ના પ્રમુખ પદ માટે સૌથી વધુ વિપુલભાઈ જેઠલોજાને 156 મત મળતા વિપુલભાઈને મોરબી બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ પદ માટે રીકાઉન્ટિંગની અરજી આવતા હવે ફરીથી રીકાઉન્ટિંગ કર્યા બાદ નવા ઉપપ્રમુખ જાહેર કરાશે જ્યારે સેક્રેટરી તરીકે જતીન અગેચણિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે અમિતભાઈ ડાભી અને કારોબારી પદે હાર્દિકભાઈ મેંદપરા, ધવલભાઈ શેરસિયા અને બ્રિજરાજસિંહ ઝાલા ચૂંટાઈ આવ્યા હતા. આ નવા વરાયેલા મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારોને તમામ વકીલોએ અભિનંદન પાઠવ્યા હતા.
મોરબી બાર એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજાનો વિજય
