વિશ્ર્વ એઈડ્સ દિવસ નિમિત્તે આયોજન
શહેર-જિલ્લાની 1500થી વધુ શાળાના બે લાખથી વધુ છાત્રો જોડાશે
ચાલુ માસના અંતથી 31મી માર્ચ 2025 સુધી સતત ચાર મહિના 200થી વધુ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી સતત અને સક્રિય રીતે એઈડ્સ જનજાગૃતિનું કાર્ય કરતી એઈડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા 1લી ડિસેમ્બર વિશ્ર્વ એઈડ્સ દિવસ નિમિત્તે શહેરમાં રેડ રીબન, રેલી, સેમિનાર જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ચાલુ માસના અંતથી 31મી માર્ચ 2025 સુધી સતત ચાર મહિના બસોથી વધુ કાર્યક્રમ યોજીને લાખો લોકોમાં સંસ્થા જનજાગૃતિનું ભગીરથ કાર્ય કરશે.
સમગ્ર કાર્યક્રમની વિગત જણાવતા ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે કે શુક્રવારે સવારે નવ વાગે વિરાણી હાઈસ્કૂલ ખાતે 1500 છાત્રોની રેડ રીબન નિર્માણ કરાશે. જ્યારે શનિવારે વિશ્ર્વ એઈડ્સ દિવસના પૂર્વ સૂર્યોદયે રેસકોર્સ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે જી.ટી. શેઠ સ્કૂલના સથવારે બે હજાર ફૂટ લાંબી રેકોર્ડ બ્રેક રીબન 1500 છાત્રો નિર્માણ કરશે. જેમાં રેડ કલરનું કાપડ વિશેષ આકર્ષણ ઉભું કરશે. રવિવારે સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા ખાતે સવારે 10 વાગે એક હજાર છાત્રોની એઈડ્સ જાગૃતિની રેડ રીબન ધોરણ 9થી 12ના છાત્રો બનાવશે. શાળામાં સેમિનાર પણ યોજવામાં આવ્યા છે. તા. 2 ને સોમવારે સવારે 9-30 કલાકે કણસાગરા મહિલા કોલેજ દ્વારા એનએસએસના છાત્રોના સહયોગથી રેડ રીબન, સેમિનાર અને રેલી યોજવામાં આવેલી છે. જેમાં 500થી વધુ કોલેજ છાત્રા જોડાશે. તારીખ 3 ને મંગળવારે સવારે 9-30 પંચશીલ સ્કૂલ ખાતે કેન્ડલ લાઈટ, રેડ રીબન બનાવવામાં આવશે. આ ઉપરાંત કોટક સ્કૂલ કે. જે. કોટેચા સ્કૂલ ખાતે પણ એઈડ્સ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજી ડીસેમ્બર સોમવારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા, જિલ્લા પંચાયતની શાળા તથા સ્વનિર્ભર શાળા એસોસિએશનના સહયોગથી જિલ્લાની તમામ શાળાઓમાં ધોરણ 9થી 12ના છાત્રો સવારે 9-30 કલાકે કલાકે રેડ રીબનનું નિર્માણ કરશે, જેમાં શહેર- જિલ્લાની 1500થી વધુ શાળાના બે લાખથી વધુ છાત્રો જોડાશે. બધી શાળાને પરિપત્ર દ્વારા જાણ પણ કરવામાં આવી છે. વિજ્ઞાન શિક્ષક છાત્રોને સમજ પણ આપશે.



